ગુલબદન બેગમનું નામ સાંભળ્યું છે ? પ્રથમ મુઘલ બાદશાહ બાબરની પુત્રી, હુમાયુની ઓરમાન બહેન અને શહેનશાહ અકબરની ફોઈ હોવા ઉપરાંત એની પોતાની આગવી ઓળખ પણ હતી. એ પ્રથમ સ્ત્રી ઇતિહાસકાર હતી!
ગુલબદન ભત્રીજા અકબરની ખૂબ નિકટ હતી અને બાળ અકબરને રોજ વાર્તાઓ સંભળાવતી. અકબરને ગુલબદનની વાર્તાકથનની શૈલી અત્યંત પસંદ હતી. બાબરે બાબરનામા નામે આત્મકથા લખેલી, પરંતુ હુમાયુની આત્મકથા કે જીવનકથા લખાઈ નહોતી. એથી પોતાના પિતા અંગે વિસ્તૃત જાણકારી મેળવવાના કુતૂહલથી અને ફોઈની વાર્તા કહેવાની શૈલીથી પ્રેરાઈને અકબરે ગુલબદનને પોતાના પિતા હુમાયુનું જીવનવૃત્તાંત લખવા આગ્રહ કર્યો. અકબરના કહેવાથી ગુલબદને એના પિતા હુમાયુની જીવનકથા ‘હુમાયુંનામા’નું આલેખન કર્યું હતું. ‘હુમાયુંનામા’ની વિશેષતા એ છે કે રાજઘરાનાની કોઈ સ્ત્રીએ લખ્યો હોય એવો સોળમી સદીનો આ એકમાત્ર ગ્રંથ છે. વળી આ ગ્રંથ સામાન્ય ભાષામાં જ લખાયો છે એ પણ એની વિશેષતા છે !
ગુલબદન બાબરની દીકરી હતી. બાબરની ચોથી માહમ બેગમનો દીકરો હુમાયુ અને પાંચમી દિલદાર બેગમની દીકરી ગુલબદન. જોકે માહમ બેગમનાં હુમાયુ સિવાયનાં ચાર સંતાનો મૃત્યુ પામ્યાં હોવાથી એણે ગુલબદનને પોતાની દીકરી કરીને ઉછેરેલી. ગુલબદનનો જન્મ ૧૫૨૩માં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયો. ગુલબદન બે વર્ષની હતી ત્યારે ૧૫૨૫માં બાબરે કાબુલથી ભારતભણી કૂચ કરેલી. છ વર્ષની ઉંમરે જૂન ૧૫૨૯માં માહમ બેગમ સાથે ગુલબદન ભારત આવી. ગુલબદનને વાંચનનો બેહદ શોખ હતો. માતૃભાષા તુર્કીમાં અને ફારસીમાં કાવ્યો લખતી. ગુલબદનની એક રચનાને મીર મહદી શીરાજીએ પોતાના પુસ્તક તઝકીર: તુલખવાતીનમાં સ્થાન આપ્યું છે. રચનાનો અર્થ એવો છે કે જે નાયિકા પોતાના પ્રેમી પર પ્રેમ રાખતી નથી, એ જાણી લે કે એ નાદાનિયત સિવાય બીજું કાંઈ જ નથી.
‘હુમાયુંનામા’નો હિન્દી ભાષામાં અનુવાદ કરનાર વ્રજરત્નદાસે નોંધ્યું છે કે, ‘પુસ્તક વાંચતાં ગૃહસ્થના ઘરમાં આવી ચડ્યા હોવાનો અહેસાસ થાય છે. બેગમે પોતાના પિતાનો કેટલોક વૃતાંત આલેખ્યો છે. તેમણે કરેલાં યુદ્ધોનો, કાબુલ પર આધિપત્ય જમાવ્યાનો અને પાણીપત તથા ખાનવાના પ્રખ્યાત વિજયોનો ઉલ્લેખ માત્ર કર્યો છે. પરંતુ બાબરે દિલ્હીલૂંટમાં પ્રાપ્ત કરીને કાબુલ મોકલેલી ભેટોનું તથા કાબુલમાં જે રીતે આનંદોત્સવ મનાવાયો તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. હુમાયુની માંદગી, માતાપિતાનું દુઃખ, હુમાયુનું સાજા થવું, બાબરની માંદગી તથા એમના મૃત્યુ પછીના શોકનું સંપૂર્ણ વિવરણ પ્રસ્તુત કર્યું છે. એનું કારણ એ કે એક સ્ત્રીની નજરમાં યુદ્ધ કરતાં આ પ્રકારની ઘટનાઓ વધુ મહત્વની હોય છે.’
હુમાયુની જીવનકથા ‘હુમાયુંનામા’ એક સ્ત્રીની નજરે લખાયું છે એનું વિશેષ મહત્વ છે. એક સ્ત્રી ઇતિહાસને કઈ રીતે જુએ છે, જાણે છે, કઈ રીતે સમજે છે અને કઈ રીતે રજૂ કરે છે એનું જીવંત ઉદાહરણ એ ‘હુમાયુંનામા’ છે. સ્ત્રી ઈતિહાસલેખનમાં નારીઓની ધ્વજવાહક પણ ગુલબદન જ છે !