એ ભારતીય ઇતિહાસની પ્રથમ સ્ત્રીશાસક હતી, સિક્કાઓ પર અંકિત થયેલી પહેલી સ્ત્રી પણ એ જ અને અભિલેખના સ્વરૂપમાં ઇતિહાસનું આલેખન કરનાર પ્રથમ ભારતીય નારી પણ એ જ હતી....
ના, રઝિયા સુલતાનની વાત નથી. રઝિયા તેરમી સદીમાં દિલ્હીના તખ્ત પર બિરાજમાન પ્રથમ મુસ્લિમ મહિલા શાસક જરૂર હતી, પણ એનાથી ઘણી શતાબ્દીઓ પૂર્વે થયેલી ભારતના ઇતિહાસની પ્રથમ સ્ત્રીશાસકની આ વાત છે.
નામ એનું નાગનિકા. સાતવાહન સામ્રાજ્યની રાણી. અંદાજે બે હજાર વર્ષ પહેલાં થઇ ગયેલી નાગનિકા નાયનિકા નામે પણ જાણીતી હતી. એ અંગીય વંશના મહારથી ત્રાણકયિરો કાલયની કુંવરી હતી. સાતવાહન વંશના સ્થાપક સિમુકના પૌત્ર શાતકર્ણિ પ્રથમની રાણી. શક્તિશ્રી અને વેદિશ્રી નામના બે રાજકુમારોની માતા. જોકે એની સાચી ઓળખ એ છે કે જેના નામના ચાંદીના સિક્કા બહાર પાડવામાં આવ્યા હોય એવી એ ભારતની પ્રથમ સ્ત્રી હતી. ઐતિહાસિક પુરાવાઓના આધારે એમ કહેવાયું છે કે જેણે પ્રભાવીપણે રાજ્યનો વહીવટ કર્યો હોય એવી નાગનિકા પ્રથમ ભારતીય સમ્રાજ્ઞી હતી અને સાતવાહન સમયની રાજકીય, ધાર્મિક, આર્થિક અને સામાજિક સ્થિતિનો અણસાર આપવા માટે પથ્થર પર અભિલેખ કોતરાવનાર એ જ પ્રથમ ભારતીય સ્ત્રી હતી!
નાગનિકા કેટલું ભણેલી એની વિગતો ઉપલબ્ધ નથી, પણ શાતકર્ણિના શાસનકાળમાં રાજકાજમાં એણે ભજવેલી સક્રિય ભૂમિકા અને પતિના મૃત્યુ પછી જે કુશળતાથી એણે દસ વર્ષ રાજ્યનું સંચાલન કર્યું એના પરથી કહી શકાય કે એ અત્યંત શિક્ષિત હશે.
નાગનિકાના અભિલેખનું ઐતિહાસિક મહત્વ હતું. એમાં નાગનિકા કહે છે કે શાતકર્ણિએ શુંગ રાજાઓ પાસેથી પશ્ચિમી માળવા પ્રદેશ જીતી લીધેલો. પરિણામે શાતકર્ણિના રાજ્યનો વિસ્તાર દક્ષિણના વિશાળ હિસ્સા ઉપરાંત અન્ય પ્રદેશોમાં થયેલો. શાતકર્ણિ દક્ષિણાપથ પ્રદેશનો દક્ષિણાપથપતિ બની ગયેલો. શાતકર્ણિ અને નાયનિકાએ સાથે મળીને અઢાર યજ્ઞો કરેલા. અભિલેખમાં જણાવાયું છે કે શાતકર્ણિના મૃત્યુ પછી નાગનિકાએ પિતા ત્રાણકયિરોની સહાયથી સગીર પુત્રો વતી સામ્રાજ્યનું સફળ સંચાલન કર્યું હતું. એ વિશે વાત કરતાં ડો. શિવસ્વરૂપ સહાય ‘ભારતીય પુરાલેખોં કા અધ્યયન’માં નોંધે છે કે, ‘આ અભિલેખમાં સાતવાહન શાસકોના સમયના દક્ષિણ ભારતની ધાર્મિક સ્થિતિ પર વ્યાપક પ્રકાશ પાડવામાં આવ્યો છે. નાગનિકાએ અભિલેખમાં પોતાની ઓળખ આપવાની સાથે જ પોતાના પતિ શાતકર્ણિને શૂર, વીર તથા અપ્રતિહત દક્ષિણાપથપતિ જેવા વીરતાસૂચક વિશેષણોથી વિભૂષિત કર્યો છે. આ વિશેષણો શાતકર્ણિના દક્ષિણ ભારતના વિજયનો પરિચય કરાવે છે.’
સાતવાહનની નાગનિકા પછી ગુપ્ત કાળમાં પ્રભાવતી ગુપ્તે પતિ રુદ્રસેન બીજાના મૃત્યુ પછી સગીર પુત્રો દિવાકર સેન અને દામોદર સેન વતી રાજકાજ કરેલું અને અભિલેખ પણ કોતરાવેલો. પરંતુ એ બીજાં ક્રમાંકે હતી, પ્રથમ કોણ એવા સવાલના જવાબમાં તો નાગનિકાનું જ સ્મરણ કરવું પડશે!