એના નામ સાથે એકથી વધુ પ્રથમ જોડાયેલાં છે : ભારતમાં કોલેજની પ્રથમ વિદ્યાર્થિની, પ્રથમ સ્નાતક, મેડિકલ કોલેજની પ્રથમ છાત્રા, ભારતની કોલેજમાં ભણીને ચિકિત્સાની ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ .... બોલો, એ કોણ છે ?
જવાબ છે : કાદંબિની ગાંગુલી... આજથી સવાસો કરતાં પણ વધુ વર્ષો પહેલાં સ્ત્રીશિક્ષણ ક્ષેત્રે ઉદાસીનતા પ્રવર્તતી હતી એવા સમયમાં કાદંબિનીએ ચિકિત્સકની ડિગ્રી મેળવીને એક પ્રકારે ક્રાંતિ જ કરેલી. કાદંબિનીએ ૧૮૮૪માં કોલકાતા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને ૧૮૮૬માં ચિકિત્સકની ડિગ્રી પ્રાપ્ત કરી. ૧૮૮૮માં કોલકાતાની લેડી ડફરીન વિમેન્સ હોસ્પિટલમાં નિમણૂંક મેળવી. ૧૮૯૩માં સ્કોટિશ કોલેજમાંથી ટ્રિપલ ડિપ્લોમા મેળવવા એ ઇંગ્લેન્ડ ગયેલી. કાદંબિની યુરોપિયન મેડિસિનનું પ્રશિક્ષણ લેનારી ભારતની જ નહીં, દક્ષિણ એશિયાની પ્રથમ સ્ત્રી હતી !
ઓગણીસમી સદીમાં એક સ્ત્રી માટે શાળાનાં પગથિયાં ચડવાં એ પણ પહાડ ચડવા જેવું કપરું કામ હતું. પણ કાદંબિનીનું નસીબ પાધરું તો ખરું જ, કારણ એના પિતા બ્રજકિશોર બાસુ બ્રહ્મોસમાજના અગ્રણી હતા. બંગ મહિલા વિદ્યાલયમાં કાદંબિનીએ શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. ૧૮૭૮માં પ્રવેશ પરીક્ષા ઉત્તીર્ણ કરીને કોલકાતા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. ૧૮૮૩માં કાદંબિની ફાઈન આર્ટસમાં સ્નાતક થઇ. ભારતની પ્રથમ સ્નાતક બની !
કાદંબિનીએ સ્નાતક થવાની સાથે ૧૨ જૂન ૧૮૮૩ના, એકવીસ વર્ષની ઉંમરે પોતાના વિધુર શિક્ષક દ્વારકાનાથ ગાંગુલી સાથે લગ્ન કર્યાં. દ્વારકાનાથે પત્નીને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું. એને તબીબી અભ્યાસ કરવા માટે પ્રેરી. ભદ્રલોકમાંથી આ નિર્ણયનો ઘોર વિરોધ કરાયો. વિરોધના વંટોળ વચ્ચે કાદંબિની માટે ડોક્ટર બનવાનો રસ્તો સરળ નહોતો. કોલકાતા મેડિકલ કોલેજે કાદંબિનીને એની યોગ્યતા છતાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો. કારણ એટલું જ કે ભારતીય મહિલાઓનો કોલકાતા મેડિકલ કોલેજમાં ભણવાનો ઈતિહાસ નહોતો. કાદંબિની કે દ્વારકાનાથ નાસીપાસ ન થયા. એમણે મેડિકલ કોલેજના સત્તાધીશોને અદાલતી કાર્યવાહી કરવાની ચીમકી આપી. આખરે સત્તાધીશોએ કાદંબિનીને પ્રવેશ આપ્યો. કોલકાતા મેડિકલ કોલેજમાં પ્રવેશ પામનારી એ પ્રથમ ભારતીય સ્ત્રી બની. જોકે કોલકાતા મેડિકલ કોલેજના કેટલાક પ્રાધ્યાપકોને પણ મહિલા વિદ્યાર્થિની સામે અણગમો હતો. એમણે પોતાની દાઝ ઉતારવા કાદંબિનીને એક વિષયમાં નાપાસ કરી. પરિણામે ૧૮૮૬માં એમબી-બેચલર ઓફ મેડિસિનને બદલે કાદંબિનીને ગ્રેજ્યુએટ ઓફ મેડિકલ કોલેજ ઓફ બેંગાલની ડિગ્રી મળી.
કાદંબિનીની નિમણૂંક કોલકાતાની લેડી ડફરીન વિમેન્સ હોસ્પિટલમાં થઈ. પગાર મહિને ત્રણસો રૂપિયા. એવામાં ‘બંગબાસી’ નામના લોકપ્રિય સામયિકના તંત્રી મહેશચંદ્ર પાલે પોતાના લેખમાં કાદંબિનીની તબીબી લાયકાત અંગે પ્રશ્ન ઉઠાવીને એને રૂપજીવિની કહી. દ્વારકાનાથ અને કાદંબિનીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એમણે મહેશચંદ્ર વિરુદ્ધ માનહાનિનો અદાલતી ખટલો દાખલ કર્યો. પરિણામે મહેશચંદ્રને છ મહિનાની જેલ અને સો રૂપિયાનો દંડ થયો.
આ ઘટના પછી દ્વારકાનાથની મંજૂરીથી કાદંબિની ૨૩ માર્ચ ૧૮૯૩ના જળમાર્ગે ઇંગ્લેન્ડ પહોંચી. એડનબરોની સ્કોટિશ કોલેજમાંથી ટ્રિપલ ડિપ્લોમા કરવાનું નક્કી કર્યું. એડનબરોની કોલેજ ઓફ ફીઝીશીયન્સ, ગ્લાસગોની કોલેજ ઓફ સર્જ્યન્સ અને ડબ્લિનની ફેકલ્ટી ઓફ ફીઝીશીયન્સ એન્ડ સર્જ્યન્સમાંથી, એમ માત્ર ચાર મહિનામાં જ ટ્રિપલ ડિપ્લોમા મેળવ્યા. એ વખતે સફળ થયેલા ૧૪ વિદ્યાર્થીઓમાં કાદંબિની એકમાત્ર સ્ત્રી અને એકમાત્ર ભારતીય હતી. કાદંબિની માનભેર ભારત પાછી ફરી. હવે એને લેડી ડફરીન વિમેન્સ હોસ્પિટલમાં સીનિયર ડોક્ટર તરીકે બઢતી આપવામાં આવી. જોકે દર્દીઓની સારવાર કરતાં કરતાં ડોક્ટર કાદંબિની પોતે દર્દી બની ગઈ. એને હાઈ બ્લડપ્રેશરની બીમારી લાગુ પડી ગઈ. .૩ ઓક્ટોબર ૧૯૨૩ના એક દર્દીની જટિલ શસ્ત્રક્રિયા કર્યાના માત્ર પંદર મિનિટમાં એનું પ્રાણપંખેરું ઊડી ગયું. આમ જીવનની અંતિમ ક્ષણ સુધી એ સેવાપ્રવૃત્તિ કરતી રહી.
કાદંબિનીએ મહિલા શિક્ષણક્ષેત્રે તો ક્રાંતિ કરી, સાથે સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ યોગદાન કરેલું. કેટલીક સામાજિક ચળવળોમાં એણે આગળ પડતી ભૂમિકા ભજવેલીકાદંબિનીએ કરેલાં કાર્યોની યાદી લાંબી છે, પણ ભારતની પ્રથમ મહિલા સ્નાતક એ એની મુખ્ય અને મહત્વની ઓળખ બની ગઈ છે !