નવી દિલ્હીઃ મોદીના પ્રધાનમંડળમાં વીમેન્સ પાવરમાં વધારો જોવા મળ્યો છે. મોદીના ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં દર સાત પ્રધાને એક મહિલા પ્રધાન જોવા મળે છે. આમ મોદી કેબિનેટમાં મહિલા પ્રધાનોની સંખ્યા વધીને ૧૧ થઈ છે, જે દેશના કેન્દ્રીય પ્રધાનમંડળના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું છે. ભારતની અત્યાર સુધીની કોઈ પણ કેબિનેટમાં મહિલા પ્રધાનોની સંખ્યા બે આંકડે પહોંચી નથી, પણ મોદી સરકારે તેમની કેબિનેટમાં મહિલા પ્રધાનોની સંખ્યા વધારીને ભાજપના રાજ્યોની સરકારોની સાથે વિપક્ષોને પણ ઈશારો આપી દીધો છે કે પક્ષમાં મહિલાઓનું મહત્ત્વ વધારવું પડશે. નારીશક્તિનું મહત્ત્વ મોદીથી વિશેષ કોણ સમજી શકે, બંગાળની ચૂંટણી તેનો સૌથી મોટો પૂરાવો છે. મોદી કેબિનેટમાં મહિલા પ્રધાન નિર્મલા સીતારામન અને સ્મૃતિ ઈરાની જ છે જેમની વિદાય થઈ નથી. તેઓની સાથે બીજા પ્રધાનો દર્શના જરદોશ, પ્રતિમા ભૌતિક, શોભા કરાંડલજે, ભારતી પવાર, મીનાક્ષી લેખી, અનુપ્રિયા પટેલ, અન્નપૂર્ણ દેવી યાદવ વગેરેનો સમાવેશ થાય છે.