ટ્રેડિશનલ પ્રસંગમાં જવાનું હોય કોર્પોરેટ પાર્ટીમાં જવાનું હોય કે પછી રોજની નોકરી-વ્યવસાયની જગ્યાએ. દરેક જગ્યાએ પહેરી શકાય તેવી ફ્યુઝન જ્વેલરીનો હાલમાં ટ્રેન્ડ છે. બુદ્ધિશાળી અને ફેશન કોન્શિયસ યુવાપેઢી આવી જ જ્વેલરી પહેરવી પસંદ કરે છે. જેથી સમયનો બચાવ થાય અને ફેશનેબલ લુક પણ મળી રહે.
જેવો જોઈએ તેવો લુક
ફ્યુઝન જ્વેલરી સેટ પારંપરિક વસ્ત્રો જેવા કે સાડી, ચણિયાચોળી, ઘરારા, સરારા કે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ સાથે મેચિંગ કરીને પહેરી શકાય છે અને કોઈ વેસ્ટર્ન વેર સાથે પાર્ટીમાં પણ પહેરી શકાય છે. વળી આ પ્રકારની જ્વેલરીમાં સ્ટેડેડ ડાયમંડ કે કિંમતી સ્ટોન્સનો ઉપયોગ પારંપરિક વસ્ત્રો સાથે ટ્રેડિશનલ લુક આપે છે અને ઓફિસે કે પાર્ટીમાં વેસ્ટર્ન વેર સાથે મોડર્ન લુક આપે છે.
જ્વેલરી ડિઝાઈનર પૂર્વી મહેતા કહે છે કે, પારંપારિક કુંદનની લાઈટ ડિઝાઈનમાં અનકટ ડાયમંડ જ્વેલરીના સંગમથી સુંદર ફ્યુઝન ડિઝાઈન બનાવી શકાય છે. રંગીન સ્ટેડેડ સ્ટોનથી બનાવવામાં આવેલા જડાઉ ઘરેણાંની જ્વેલરી પણ અત્યારે ટ્રેન્ડમાં છે. ફ્યુઝન જ્વેલરીમાં પ્યોર ડાયમંડ, રૂબી, બ્લ્યુ સફાયર, નેકલેસનો ઉપયોગ કરીને કિંમતી ઘરેણા પણ તમે ઘડાવી શકો છો કે બજારમાં ઉપલબ્ધ તૈયાર ડિઝાઈનમાંથી કોઈ ડિઝાઈન પસંદ કરી શકો છો. આ ઉપરાંત પોકેટ ફ્રેન્ડલી ફ્યુઝન જ્વેલરી પણ તમે ખરીદી શકો છો. તેની ખાસ વાત એ ગણાય છે કે તે કોઈપણ વ્યક્તિના ખિસ્સાને ભારે પડતી નથી, કારણકે તેમાં ડાયમંડની સાથે પર્લ અને સેમિપ્રેશિયસ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
જ્વેલરી એક્સપર્ટ ધવલ સોની કહે છે કે, હાલમાં તેઓએ તૈયાર કરેલી ફ્યુઝન જ્વેલરી ડિઝાઈનમાં રોમની પ્રાચીન સભ્યતામાં પહેરાતી ડિઝાઈનનું ભારતીય પારંપરિક રજવાડી ગોલ્ડ જ્વેલરી ડિઝાઈન સાથે કોમ્બિનેશન કર્યું છે. આધુનિક યુવતીઓને આ પસંદ પણ પડ્યું છે. આ ઉપરાંત સોલિડ ગોલ્ડની ઈજિપ્શિયન ડિઝાઈનની સાથે પર્લ અને ડાયમંડનો ઉપયોગ કરીને પણ કેટલાક ભારેથી લઈને હળવા વજનના સેટ તૈયાર કર્યાં છે. ફ્યુઝન જ્વેલરીમાં બ્રેસલેટ, મોટા પેન્ડલ, મોટા ઈયરિંગ્સ, બંગડી તથા નેકલેસ હાલમાં સૌથી વધુ લોકપ્રિય છે.
પુરુષોને પણ પસંદ
મલ્ટીટાસ્કર ગણાતી આજની યુવાપેઢી ફ્યુઝન આભૂષણમાં પણ ગોલ્ડની સાથે કુંદન, પોલકી, ફ્લોરલ પેટર્નમાં મીનાકારી તથા ફાઈન-ફિનિશિંગવાળા ડાયમંડને એક સાથે પરોવીને ફ્યુઝન જ્વેલરી પહેરવાની પસંદ કરે છે. ફ્યુઝન જ્વેલરી સ્ત્રીઓની સાથે સાથે પુરુષ પણ પહેરતા થયા છે. પુરુષો ફ્યુઝન જ્વેલરી ડિઝાઈન ધરાવતાં બ્રેસલેટ, રિંગ અને ચેઈન પર ખાસ પસંદગી ઉતારે છે.
બ્રાઈડલ જ્વેલરી
લગ્નની ખરીદી કરતી વખતે દરેક યુવતીઓની ઈચ્છા હોય છે કે તેના આભૂષણ એવા હોય કે જે દુલ્હનના પારંપરિક પરિધાન સાથે મેચિંગ થતા હોય. વળી એ આભૂષણો તહેવારો કે પ્રસંગમાં પણ પહેરી શકાય તે માટે પણ થઈ શકે. મોર્ડન અને પારંપરિક મિશ્રણમાંથી બનેલી ફયુઝન જ્વેલરીનો આવો જ ઉત્તમ ઉપયોગ થઈ શકે છે. સાદી અને સિમ્પલ અનકટ હીરાની જ્વેલરીમાં પણ હવે મનગમતાં દુલ્હન કલેક્શન મળે છે. બહુ હેવિ ઘરેણા ન પહેરવા ઇચ્છતી આધુનિક બ્રાઈડ ફ્યુઝન જ્વેલરી પર પણ પસંદગી ઉતારી રહી છે. આ જ્વેલરી બનાવવામાં બે કે તેથી વધુ ડિઝાઈનનું મિશ્રણ કરવામાં આવતું હોવાથી આ જ્વેલરી જે તે બ્રાઈડને શોભે તે માટે ખાસ ઘડી પણ આપનારા જ્વેલર્સ પણ છે તથા વિવિધ જ્વેલરી બ્રાન્ડ પણ સ્પેશ્યલી આ પ્રકારની રેન્જ પણ બહાર પાડી રહી છે.