લગ્નસરાની સિઝન ચાલી રહી છે. સામાન્ય રીતે લગ્નમાં યુવતીઓ અને સ્ત્રીઓ ટ્રેડિશનલ લુકમાં કોઈ કમી ન રહે તેનું ખાસ ધ્યાન રાખે છે. કપડાં, ઘરેણાં જ્યારે મેચિંગ હોય તો પછી નાની મોટી સાથે રાખવાની ચીજો સાચવવા માટેનું પર્સ કે ક્લચ કેમ મેચિંગ નહીં? કોઈ ફણ ડ્રેસ સાથે આજકાલ પોટલી રાખવાની ફેશન છે. એલિગન્ટ ડ્રેસ સાથે મેચિંગ એસેસરી તરીકે પોટલી સારી પણ લાગે છે.
પરિધાન પ્રમાણે પોટલી
સામાન્ય રીતે બજારમાં બ્રોકેડ કે સિલ્ક મટીરિયલમાંથી બનેલી તમને જોઈએ એ સાઈઝની પોટલી મળી જ રહે છે. બીયો મોન્ડે બ્રાન્ડમાં આવી ઘણી પોટલીઓ ઉર્ફે પર્સ ઉપલબ્ધ હોય છે. આ પ્રકારના મટીરિયલમાં અનેક ક્રાફ્ટેડ પીસ સામેલ હોય છે. રંગ પણ તમે તમારા પરિધાન મુજબ પસંદ કરી શકો છો. જોકે ગોલ્ડન અને કોપર ગોલ્ડન કલેક્શન કોઈ પણ ટ્રેડિશનલ કપડાં સાથે મેચ થઈ શકે છે.
પોટલીમાં વર્ક પેટર્ન
મોટી સિલ્ક પોટલીમાં સામાન્ય રીતે મેટલ વાયર એમ્બ્રોયડરી અને સ્ટોનવર્ક હોય છે. આ ઉપરાંત તમારા વસ્ત્રો અનુસાર બનારસી, સિલ્ક બાંધણી, બ્રોકેડ, કાંજીવરમ, કલકત્તી, બ્રાસો કે નેટ પર જરદોશી વર્ક કરાવીને અને હળવી ગોલ્ડન લેસ લગાવડાવીને સુંદર મનગમતી પોટલી પણ તૈયાર કરાવી શકો છો. આ ઉપરાંત કોઈ પણ મટીરિયલમાંથી બનાવેલી પોટલીમાં મેચિંગ કચ્છી પેચ રજવાડી લુક આપે છે.
દોરીની પોટલી
આજકાલ ઊન કે દોરીમાંથી હાથ વડે ગૂંથેલી પોટલી બજારમાં મળી રહી છે. દોરીવાળી પોટલી તમને એથનિક લુક આપશે. પોટલીમાં ફ્લોરલ થ્રેડ એમ્બ્રોયડરી હંમેશાં જચે છે. તે તમારા વ્યક્તિત્વને પણ અન્યોથી અલગ પાડે છે અને ગ્લોરિયસ લુક આપે છે. રેશમની જાડી દોરીથી બનાવેલી પોટલી વેસ્ટર્ન વેર સાથે પણ કેરી કરી શકાય છે અને પારંપરિક વસ્ત્રો સાથે પણ તે જામે છે.
જે કિશોરીઓને ઝીણવટપૂર્વકની કામગીરી પસંદ હોય છે તેમના માટે ટારૂસાની ડિઝાઇનર પોટલી સારી છે. સિલ્ક બેઝ પર ફ્લોરલ મોટિક્સ અને ઘણા બધા કલર. પોટલી ગ્રેસની સાથે સાથે ક્લાસ પણ આપશે.
કોટન જ્યુટ કે ખાદીની પોટલી
જો તમને કોટન કે ખાદીની સાડી કે ડ્રેસ જ પહેરવા પસંદ હોય તો તમે ખાદી સિલ્કની ડ્રેસના રંગની જ પોટલી કેરી કરી શકો છો. કોટન સિલ્ક, ખાદી સિલ્ક કે શણમાંથી બનાવેલી પોટલી હાથમાં સુંદર લાગે છે. ખાદી કે કોટન સિલ્ક મટીરિયલમાં ગોલ્ડન કે સેલ્ફ ડિઝાઈનની બોર્ડર હોય તેમાંથી બનાવેલી પોટલી અથવા શણમાંથી બનાવેલી પોટલી પર મેચિંગ લેસ લગાવીને તૈયાર થયેલી પોટલી યુનિક અને ઠસ્સાદાર લુક આપે છે.