પ્રસંગોમાં રોયલ અને ગ્રેસફુલ લુક આપતા અમ્બ્રેલા સૂટ

Wednesday 16th October 2024 04:55 EDT
 
 

ફેશન જગતમાં સતત પરિવર્તન આવતું રહે છે. એ પછી વેસ્ટર્ન આઉટફિટ હોય કે ટ્રેડિશનલ. આજકાલ બજારમાં અનેક પ્રકારના ડિઝાઇનર સૂટ ઉપલબ્ધ છે. એમાં અમ્બ્રેલા સૂટ ડિઝાઇન યુવતીઓના હોટ ફેવરિટ છે, જે લુકને સ્ટાઇલિશ બનાવવાનો બેસ્ટ ઓપ્શન છે. અમ્બ્રેલા સૂટ એક પ્રકારનો અનારકલી સૂટ છે, જેમાં ફ્લેયર હોય છે. તેથી આ પ્રકારના સૂટ રોયલ અને ગ્રેસફુલ લુક આપે છે. સામાન્ય રીતે પાર્ટી, લગ્ન અને ફેસ્ટિવલ જેવા ખાસ અવસર પર આ સૂટ પહેરી શકાય છે.

મિરર વર્ક અમ્બ્રેલા સૂટ
મિરર વર્કવાળા અમ્બ્રેલા સૂટ આજકાલ ટ્રેન્ડમાં છે. આ સૂટ તમારા લુકમાં શાઇની અને ગ્લેમરસ ટચ એડ કરશે. મિરર વર્કની ચમક અને સૂટની ફ્લેયર મળીને સ્ટનિંગ લુક આપે છે. એને પહેર્યા બાદ તમારો લુક સ્ટાઇલિશ લાગશે તેમાં બેમત નથી.

બ્રોકેડ અને બનારસી અમ્બ્રેલા સૂટ
તમે લગ્ન કે રિસેપ્શન પાર્ટી માટે બ્રોકેડ અને બનારસી ફેબ્રિકથી બનેલા એમ્બ્રેલા સૂટ પહેરી શકો છો. બ્રોકેડને કારણે સૂટને રિચ લુક મળે છે, જે તમને રોયલ અને ક્લાસી બનાવે છે. આ સૂટની ખાસ વાત એ છે કે તેને કોઇ પણ ફેબ્રિકમાંથી બનાવો તે સુંદર જ લાગે છે.

ફ્લોર લેન્થ અમ્બ્રેલા સૂટ
આજકાલ ફ્લોર લેન્થ અમ્બ્રેલા સૂટ પણ પ્રખ્યાત છે. લોકો આ સૂટને પસંદ પણ કરે છે. આ સૂટની ખાસ વાત એ છે કે તેની લંબાઇ અને તેના ફ્લોથી સૂટ દેખાવમાં ગ્રેસફુલ અને એલીગન્ટ લાગે છે. અમ્બ્રેલા સૂટ નેટ, સિલ્ક અથવા શિફોન ફેબ્રિકમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ સૂટ દેખાવમાં બહુ આકર્ષક લાગે છે.

જ્યોર્જેટ અમ્બ્રેલા સૂટ
જ્યોર્જેટ ફેબ્રિક ફ્લો અને ડ્રેપિંગ માટે ઓળખાય છે. જ્યોર્જેટ અમ્બ્રેલા સૂટ ફક્ત સ્ટાઇલિશ જ હોય છે એવું નથી, તે કમ્ફર્ટેબલ પણ બહુ હોય છે. આ સૂટ કોઇ પણ ફંક્શનમાં ગોર્જિયસ લુક આપે છે.

ફ્લોરલ પ્રિન્ટેડ અમ્બ્રેલા સૂટ
તમે હળવા અને ઉત્તમ ડ્રેસની શોધ કરી રહ્યાં હોવ તો ફ્લોરલ પ્રિન્ટેડ અમ્બ્રેલા સૂટ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સૂટ વેડિંગ્સ અને ડે ટાઇમ ફંક્શન બંને માટે સારો ઓપ્શન છે, કારણ કે લાઇટ અને મુલાયમ ફેબ્રિકથી બનેલ સૂટ તમને આરામ અને સ્ટાઇલ બંને આપે છે. બીજું, ફ્લોરલ પ્રિન્ટ ઓલ ટાઇમ ફેવરિટ છે.

સ્ટાઇલ કેવી રીતે કરશો?
અમ્બ્રેલા સૂટની સાથે હેવી જ્વેલરી સારી લાગે છે. તમે આ સ્ટાઇલના ડ્રેસ સાથે ટ્રેડિશનલ જ્વેલરી જેમ કે, કુંદન, પોલ્કી કે ટેમ્પલ જ્વેલરી પહેરી શકો છો. એ તમારા લુકને એલિગન્ટ અને ગ્રેસફુલ બનાવે છે. અમ્બ્રેલા સૂટની સાથે મોજડી અથવા હિલ્સની પસંદગી કરશો તો તમારો લુક એકદમ પરફેક્ટ થઇ જશે. હેર સ્ટાઇલમાં વાળને ખુલ્લા રાખી શકો અથવા મેસ્સી હેર સ્ટાઇલ પણ લઇ શકો. પસંદ અપની અપની, ખયાલ અપના અપના. આમ, સૂટની સાથે થોડું પરિવર્તન લાવવાથી અમ્બ્રેલા સૂટ તમને અને તમારા લુકને સ્ટાઇલિશ બનાવશે, અને પ્રસંગને પણ દીપાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter