બોલિવૂડના આસમાનમાં ઝળહળતો સિતારો એટલે બહુમુખી વ્યક્તિત્વ ધરાવતી પ્રિયંકા ચોપરા. વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્ડનું ટાઇટલ જીતનારી પ્રિયંકાએ અભિનય ક્ષેત્રે તો નામના મેળવી જ છે, પ્રોફેશનલ સિંગર તરીકે આલ્બમ રિલીઝ કરીને સંગીતજગતમાં પણ પ્રસંશા મેળવી છે. તેનો અભિનય વધુ સારો કે સિંગર તરીકેનું તેનું કૌશલ્ય એવું કોઇ પૂછે તો નક્કી કરવાનું મુશ્કેલ થઇ જાય તેવી પ્રિયંકા ફિલ્મ પ્રમાણે પોતાના લુક સાથે એક્સપરિમેન્ટ કરવા માટે જાણીતી છે. થોડાક સમય પૂર્વે તેણે રિયલ લાઇફ બોક્સર મેરી કોમ પર બનેલી ફિલ્મનું મુખ્ય પાત્ર ભજવતાં પૂર્વે બોક્સર જેવી ફિટનેસ મેળવવા કોચ પાસે ટ્રેનિંગ પણ લીધી હતી તો હવે તે ‘દિલ ધડકને દો’માં અલગ જ અંદાજમાં જોવા મળે છે. આ નમણી નાગરવેલે કઈ રીતે પોતાની ફિટનેસ જાળવી છે એ તેની જ પાસેથી જાણીએ.
ફિટનેસ
પ્રિયંકાને જિમમાં જવું ખાસ નથી ગમતું, પરંતુ બોડીને ટોન્ડ રાખવા તે નિયમિત વર્કઆઉટ જરૂર કરે છે. તેના મતે સેલિબ્રિટીની ફિટનેસને લઈને પાળવામાં આવતા દુરાગ્રહ કેટલીક વાર તેમના ચાહક વર્ગને ગેરમાર્ગે દોરતા હોય છે. અમુક પ્રકારની હાર્ડકોર એક્સરસાઇઝ માર્ગદર્શન વિના કરવામાં આવે તો લાંબા ગાળે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાના ટ્રેઇનરે કહ્યું હતું કે તે હાર્ડકોર વર્કઆઉટમાં બિલીવ નથી કરતી, પરંતુ તે ડિસિપ્લિનમાં અત્યંત માને છે. કદાચ એ જ એક કારણસર ક્યારેક ડાયટમાં ધ્યાન ન આપે તો પણ એની અસર તેની ફિઝિક પર નથી દેખાતી. તે રૂટિન એક્સરસાઇઝની સાથે યોગ પણ કરે છે. જેમ કે, ‘મેરી કોમ’ વખતે તેના એક્સરસાઇઝ રૂટિનનો મુખ્ય ઉદ્દેશ તેની સ્ટ્રેન્થ, સહનશક્તિ અને ફ્લેક્સિબિલિટી વધારવાનો હતો. તે સ્પેશ્યલ ઇન્સ્ટ્રક્ટર પાસે બોક્સિંગ શીખતી હતી. આખો દિવસ શૂટિંગ કર્યા પછી પણ રાત્રે જિમમાં જઈને એક્સરસાઇઝ કરવી પડે તો તે કરે એટલી તે ડિસિપ્લિન્ડ છે.
ફૂડ
પ્રિયંકા ચોપરા ખાવાની શોખીન છે અને તેને ભાવતી અસલ પંજાબીઓની ફેવરિટ આઇટમો કેલરીથી તરબતર હોય છે. જોકે તેનું મેટાબોલિઝમ સારું હોવાને કારણે તેના ફૂડની અસર તેના શરીર પર નથી દેખાતી. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘નસીબજોગે મારું વજન તરત નથી વધતું. કદાચ આ ઇન્ડસ્ટ્રીમાં હોઈને પણ આવી ગોડ-ગિફ્ટ હોય એ તમારાં સારાં નસીબ જ ગણાય. આમ પણ હું ક્યારેય વેઇટ-કોન્શિયસ રહી નથી.’
પ્રિયંકાને ઘરનું ખાવાનું વિશેષ ગમે છે. ‘હું કોઈ હાર્ડકોર ડાયટ-પ્લાન ફોલો નથી કરતી અને ક્યારેય કરી પણ ન શકું...’ એવી ચોખવટ તે કરી ચૂકી છે. તેની ડાયટમાં સિમ્પલ ફૂડ હોય - ચપાતી, સબ્ઝી, સલાડ, સૂપ, રાઇસ, ફ્રૂટ્સ અને જૂસ. તેણે કહ્યું પણ હતું કે ‘જૂસ અને પાણી હું પુષ્કળ પીઉં છું. દરેકે ઓછામાં ઓછા ૧૦ ગ્લાસ પાણી દિવસમાં પીવું જ જોઈએ. ઘણી વાર ઉજાગરા હોય, વધુપડતું કામ કર્યું હોય છતાં વધુ પાણી પીતા હો તો એની ચમક તમારા ચહેરા પર રીતસર દેખાતી હોય છે. અઠવાડિયામાં એક દિવસ હું ચોકલેટ, કેક જેવી સ્વીટ આઇટમો ખાઈ લઉં છું.’
રિલેક્સેશન
યોગથી પણ રિફ્રેશ અને રિલેક્સ થવાય છે એવું માનતી પ્રિયંકા કહે છે, ‘કામ કરવાથી મને ખુશી મળે છે. નાના બાળકને હસતું જોઈ લઉં તો પણ મારો દિવસ ખુશમિજાજ બની જાય છે. મને ખુશ રહેવા માટે બહુ નાની-નાની વસ્તુઓની જરૂર પડે છે. ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરવાને કારણે હું રિલેક્સ થાઉં છું. ગીતો સાંભળવાં, ફિલ્મો જોવી, સારો મેસેજ વાંચવો કે પુસ્તકો વાંચવા જેવી બાબતોને કારણે હું રિલેક્સ થઈ જાઉં છું.’