ક્રાઇસ્ટ ચર્ચઃ ભારતવંશી પ્રિયંકા રાધાકૃષ્ણને ન્યૂઝીલેન્ડમાં ઇતિહાસ રચ્યો છે. તેઓ પ્રધાનમંડળમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. તાજેતરમાં જ બીજી મુદત માટે દેશની શાસનધૂરા સંભાળનાર વડા પ્રધાન જેસિંડા આર્ડેને પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે, તેમાં પ્રિયંકા રાધાકૃષ્ણનનો સમાવેશ થાય છે.
ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવ્યાના બે સપ્તાહ પછી વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને સોમવારે તેમની કેબિનેટનું વિસ્તરણ કરીને પાંચ નવા પ્રધાનોનો સમાવેશ કર્યો છે. લેબર પાર્ટીના ૪૧ વર્ષના નેતા રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, ‘આજનો દિવસ બહુ જ ખાસ છે. સરકારનો હિસ્સો બનવાની લાગણીથી ગર્વ અનુભવું છું.’ તેમણે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પ્રધાન તરીકે મારી નિમણૂકથી હું બહુ ખુશ છું અને પ્રધાનમંડળના અન્ય સાથીઓ સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.’
ન્યૂઝીલેન્ડના અખબારોમાં હેડલાઇન છપાઇ હતી કે પ્રિયંકા રાધાકૃષ્ણન્ ન્યૂઝીલેન્ડના સૌપ્રથમ ભારતીય પ્રધાન બન્યા છે. પ્રિયંકા રાધાકૃષ્ણનનો જન્મ ચેન્નઈમાં થયો હતો, પણ તેમનો પરિવાર કેરળના પરાવૂરનો મૂળ વતની છે.
ઉચ્ચ શિક્ષણ માટે ન્યૂઝીલેન્ડ જતાં પહેલાં તેમણે સિંગાપોરની સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ અને શોષણનો શિકાર બનેલા પ્રવાસી મજૂરો માટે વર્ષોથી અવાજ ઉઠાવતા રહ્યા છે.
સપ્ટેમ્બર ૨૦૧૭માં લેબર પાર્ટી તરફથી તેઓ પ્રથમ વખત સાંસદ બન્યા હતા. ૨૦૧૯માં તેમને મિનિસ્ટર ફોર એથનિક કોમ્યુનિટિઝના પાર્લામેન્ટરી પ્રાઈવેટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. તેમને સામુદાયિક અને સ્વૈચ્છિક મંત્રાલયના પ્રધાન તથા સામાજિક વિકાસ અને રોજગાર મંત્રાલયના નાયબ પ્રધાન બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ભારતીય-ન્યૂઝીલેન્ડ મૂળના પ્રથમ પ્રધાન છે. તેઓ પોતાના પતિની સાથે ઓકલેન્ડમાં રહેશે.
વડા પ્રધાન આર્ડેને નવા પ્રધાનોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હું કેટલીક નવી પ્રતિભાઓ, પાયાના સ્તરે કામ કરવાનો અનુભવ ધરાવતા લોકોને કેબિનેટમાં સામેલ કરવા અંગે ઉત્સાહિત છું. પ્રિયંકાના મોટા ભાગના સંબંધીઓ આજે પણ ચેન્નઈમાં રહે છે. તેમના દાદા કેરળના રાજકારણમાં સક્રિય હતા.
પ્રિયંકા છેલ્લા ૧૪ વર્ષથી ન્યૂઝીલેન્ડની લેબર પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમના પતિ રિચાર્ડસન ક્રાઈસ્ટ ચર્ચમાં આઈટી સેક્ટરમાં કામ કરે છે.