પોશાક તમારા પ્રમોશનલ લુકમાં મોટો ભાગ ભજવે છે. તમારું કામ તો ઓફિસમાં તમને ઓળખ અપાવે જ છે, પણ તમારો દેખાવ પણ તમારી પ્રોફેશનલ પર્સનાલિટીમાં મોટો ભાગ ભજવે છે. વર્કવેર પસંદગી કરતી વખતે તમારા પ્રોફેશન અને વર્ક પ્રોફાઈલ પર ધ્યાન આપવાની સાથે તમારા ફેસ સ્ટ્રક્ચર, બોડી અને સ્કિન ટોન પણ જાણવા જરૂરી છે. એને આધારે જ કલર, નેકલાઈન, અને ડ્રેસ પેટર્ન પસંદ કરવા જોઈએ. કલ્પના કરો કે કોઈ લેડી ડોક્ટર બિઝનેસ સૂટ પહેરે કે કોઈ કંપનીની માર્કેટિંગ હેડ જીન્સ અને ખાદીના કૂર્તામાં કેવા લાગશે? એટલે જ ડ્રેસિંગ સેન્સ બહુ જરૂરી છે.
ફિલ્ડ વર્કમાં કમ્ફર્ટ
જો તમારે ડેસ્ક વર્ક કરવાનું હોય તો એ રીતે દેખાવ પર ધ્યાન આપો અને ફિલ્ડ કરવાનું હોય તો એ પ્રમાણે કમ્ફર્ટેબલ કપડાં પહેરો. બંને જગ્યાએ કામ કરવું પડતું હોય તો ફ્યુઝન એટલે કે કેઝ્યુલ અને ફોર્મલ બંને પ્રકારના લુક આપતાં આઉટફિટ્સ પહેરો. ફિલ્ડ વર્કમાં જીન્સ સાથે લોન્ગ ટોપ પહેરી શકાય. એંકલ પ્લાઝો સાથે સ્માર્ટ અસિમિટ્રિકલ ટ્યુનિક ટ્રાય કરી શકાય. બોરિંગ ઓફિસ વેરને મોર્ડન લુક આપવા ઈચ્છતાં હો તો ઓવરલેપ પલાઝો પહેરી સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની શકો છો. જો તમે ડોક્ટર, એડવોકેટ કે સોશિયલ વર્કર હો તો ઘણીવાર ફિલ્ડમાં પણ જવું પડે છે. ક્લાયન્ટ સાથે કોર્પોરેટ ઈવેન્ટ કે મિટિંગમાં ભાગ લેવો પડે. ત્યારે તમે પ્લાઝો સાથે લોંગ સ્ટ્રેટ કૂર્તા પહેરી શકો. ડિફરન્ટ લૂક માટે જેકેટ્સ સાથે ટીમઅપ કરી શકો છો.
કોર્પોરેટ લૂક
જો તમે કોર્પોરેટ ઓફિસમાં ડેસ્ક જોબ કરતાં હો તો વેસ્ટર્ન પ્રોફેશનલ વેર તમને સૂટ કરશે. ઓફિસમાં તમે રોજ સલવાર સૂટ કે સાડી પહેરીને સહજતાથી કામ કરી શકશો નહીં. લિનન ટ્યુનિક, વનપીસ ડ્રેસ, સ્ટ્રેટ સ્કર્ટ, ડબલ લેયર પ્લાઝો સાથે પ્લીટેડ કફવાળા શોર્ટ ટોપ સ્માર્ટ લુક આપશે. જો ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય તો સ્લીક ટ્રાઉઝર સાથે અસિમિટ્રિક શર્ટ પહેરો. એનાથી સ્માર્ટ લુક મળશે અને આત્મવિશ્વાસ પણ વધશે. ક્યારેક નવો લૂક મેળવવા માટે તમે સ્માર્ટ જેકેટ પણ કેરી કરી શકો.
ફ્યુઝન લુક
પારંપરિક વસ્ત્રો અને વેસ્ટર્ન વેરથી મેળવેલું ફ્યુઝન લુક ચોક્કસ અનોખો દેખાવ આપી શકે, પણ તમારા વ્યક્તિત્વને સૂટ કરે તેવી રીતે ફ્યુઝન કપડાં અને એક્સેસરીઝની પસંદગી કરવ જરૂરી છે. ગામઠી કુર્તી સાથે પેન્ટ પહેરી શકાય, પણ રંગ બહુ વાયબ્રન્ટ ન હોવા જોઈએ. એક્સેસરી બહુ હેવી ન હોવી જોઈએ. કપડાં અને સ્ટાઈલ ક્યારેય કોઈને ડિસ્ટ્રેક્ટ કરવા જોઈએ નહીં. જો તમારા કપડાં અને એક્સેસરીને કારણે કોઈનું ધ્યાનભંગ થતું હોય તો એ સારું નથી.
ઓફિસ ઈવેન્ટ
ઘણીવાર ઓફિસ પછી તમારે કોઈ ક્લાયન્ટ ડિનર, ઈવેન્ટ, ફંક્શનમાં જવાનું હોય છે ત્યાં તમે ન તો ઓફિસવેરમાં જઈ શકો કે ન પાર્ટીવેરમાં. ઘરે જઈ તૈયાર થઈ પહોંચવું શક્ય ન હોય તો તમારી સાથે ફોલ્સ કોલર બ્રોચ, સ્કાર્ફ કે સ્ટોલ રાખો. એને વર્કવેર સાથે ટીમઅપ કરી ફોર્મલ લુક આપી શકાય છે.
રંગ અને ડિઝાઈનની પસંદગી
• ઓફિસે ફ્રેશ મૂડમાં કામ કરવા માટે કપડાં, તેનાં રંગો અને તેની સ્ટાઈલ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઓફિસે સ્ત્રી - પુરુષનું સરખાપણું પહેરવેશ અને સ્ટાઈલમાંથી પણ દેખાવું જરૂરી છે. તેથી ઓફિસમાં ડાર્ક બ્લુ, મરુન, ખાકી જેવા ડાર્ક કલર્સ પહેરવાનું પસંદ કરો. વધુ પડતી મોટી ડિઝાઈનની જગ્યાએ ચેક્સ કે પ્લેન કપડાં પહેરો.
• આજકાલ ઓલિવ, બેજ, સ્ટોન બ્લુ, પેસ્ટલ બ્લુ, રોઝવૂડ, ઓફ વ્હાઈટ કલર પણ ઓફિસે પહેરવામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
• ઓફિસમાં હિલલેસ કે હાઈ હિલ કરતાં અડધોથી એક ઈંચ હીલનાં ચંપલ, સેન્ડલ, બૂટ સારાં લાગે છે.