જલગાંવ: દોઢેક વર્ષ પહેલા ટ્રેઇની પાઇલટ અંશિતાનું એરક્રાફ્ટ સાતપુડાની પર્વતમાળામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. સાથે બેસેલા ટ્રેનરનું તો ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. સદનસીબે અત્યંત ગંભીર ઇજા છતાં અંશિતાનો જીવ બચી ગયો હતો. જટિલ સર્જરી થઈ, બંને પગમાં રોડ નાંખવા પડ્યા, અને તેમ છતાં તે હામ હારી નથી. અંશિતાનો જુસ્સો હજુ કાયમ છે. મહારાષ્ટ્રના શિરપુરની ટ્રેનિંગ એકેડમીમાં તેણે ફરી વાર એવા જ વિમાન સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી.
અંશિતાને કઈ વસ્તુ પ્રેરણા આપે છે, તેનામાં આટલો જુસ્સો ક્યાંથી આવ્યો? અંશિતા કહે છે કે ‘16 જુલાઈ 2021ના રોજ થયેલો વિમાન અકસ્માત બહુ ભયાવહ હતો. સર્જરી દરમિયાન મારા બંને પગમાં રોડ નાંખવામાં આવ્યા. આ પછી હું ફરી વાર આકાશ સાથે વાતો ક૨વા ખુદને તૈયા૨ કરી રહી હતી. બાદમાં મેં ફરી એક વખત પાઇલટ તરીકે ટ્રેનિંગ શરૂ કરી. માતાની વાતોથી પ્રેરણા મળી. નિવૃત્ત એર કમાન્ડર હિતેશ પટેલ અને સાથી લોકોએ મને ફરી વાર ઉડાન ભરવા પ્રોત્સાહિત કરી તેનું આ પરિણામ છે.’
અંશિતા કહે છે કે ‘હું અને મારો મોટો ભાઈ અનુશીલ 12મા સુધી જલગાંવની સ્કૂલમાં ભણ્યા હતા. મારી સહેલી તેના પાઈલટ ભાઈના કિસ્સા અવારનવાર સંભળાવતી હતી. ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે પાઈલટ જ બનીશ. જ્યારે માતાને જણાવ્યું તો તેણે મને આર્કિટેક્ટ બનવા કહ્યું. બરાબર આ જ સમયે એક દુર્ઘટનામાં પાઈલટનું મોત નીપજ્યું. માતાએ તેના સોગંદ આપીને મને પાઇલટ બનવાની ના પાડી. આખરે મારી જીદ જોઈને માતા-પિતાએ હા પાડી દીધી. પછી એવિયેશન એકેડમીમાં એડમિશન લીધું અને પોતાનું સપનું પૂરું કરવામાં લાગી ગઈ.’