હેલસિન્કી: ફિનલેન્ડમાં ૧૬ વર્ષની વિદ્યાર્થિની એવા મૂર્તો ૭મી ઓક્ટોબરે એક દિવસ માટે ફિનલેન્ડની વડાં પ્રધાન બની હતી. મહિલાઓ માટેના એક અભિયાનના ભાગરૂપે ફિનલેન્ડના વડાં પ્રધાન સેના મરિને તેમની ખુરશી મૂર્તોને સોંપી હતી. મૂર્તો માટે વડાં પ્રધાન તરીકેનો દિવસ રોમાંચક હતો. તે હજી સંસદના પગથિયાં ચઢી રહી હતી ત્યાં જ મીડિયાએ તેને આવકાર આપ્યો હતો. ફિનલેન્ડમાં ક્લાઈમેટ ચેન્જ અને માનવાધિકારના મુદ્દાઓ પર અભિયાન ચલાવનારી ૧૬ વર્ષીય એવા મૂર્તોને ૭મી ઓક્ટોબરે એક દિવસ માટે વડાં પ્રધાન બનાવાઈ હતી. દેશમાંથી લિંગભેદનો અંત લાવવાના એક અભિયાન હેઠળ એવાને આ સન્માન અપાયું હતું. આ સન્માન આપવા દુનિયાના સૌથી યુવા વડાં પ્રધાન સના મરીન (ઉં ૩૪)એ એક દિવસ માટે તેમનું પદ છોડ્યું હતું. એક દિવસના વડાં પ્રધાન બનેલી મૂર્તોએ રાજનેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ટેક્નોલોજીમાં મહિલાઓના અધિકારો અંગે વાત કરી હતી.
પોતાના ભાષણમાં એવાએ કહ્યું હતું કે, આજે અહીં આપ સૌની સામે બોલવામાં ઘણી ખુશી થઈ રહી છે. એક રીતે હું ઈચ્છુ છું કે મારે અહીં ઊભા ન થવું પડે અને છોકરીઓ માટે ચલાવાઈ રહેલા ટેકઓવર જેવાં અભિયાનોની જરૂર ન પડે. જોકે સત્ય એ છે કે આપણે અત્યાર સુધી પૃથ્વી પર ક્યાંય પણ લૈંગિક સમાનતા પ્રાપ્ત કરી જ નથી. જોકે આપણે આ ક્ષેત્રમાં સારું કામ કર્યું છે, તેમ છતાં હાલ ઘણું કરવાનું બાકી છે.
માનવતાવાદી સંગઠન પ્લાન ઈન્ટરનેશનલની ગર્લ્સ ટેકઓવર અભિયાનમાં ફિનલેન્ડની ભાગીદારીનું આ ચોથું વર્ષ છે. આ સંગઠન દુનિયાભરના દેશોના કિશોરોને એક દિવસ માટે નેતાઓ અને અન્ય ક્ષેત્રોના પ્રમુખોની ભૂમિકા ભજવવાની મંજૂરી આપે છે. ચાલુ વર્ષે સંગઠનનો ભાર છોકરીઓ માટે ડિજિટલ કૌશલ્ય અને ટેક્નિકલ તકોને વધારવા પર છે.
ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડનાં હાલનાં વડાં પ્રધાન સેના મરિન દેશનાં ત્રીજાં મહિલા વડાં પ્રધાન છે અને ૪ અન્ય પાર્ટીઓ સાથે કેન્દ્રમાં ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ ચારેય પાર્ટીઓનાં અધ્યક્ષ મહિલાઓ છે અને તેમાંથી ૩ની વય ૩૫ વર્ષથી પણ ઓછી છે.