લંડનઃ ફૂટબોલ રમવા માટે ઉંમર વધુ હોવાનું જણાવતા ૪૮ વર્ષીય કેરોલ બેટ્સે પોતે જ પીઢ મહિલાઓ માટે ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. હાલ ૫૧ વર્ષની બેટ્સની ક્રોલી ઓલ્ડ ગર્લ્સ ટીમના તમામ ખેલાડી ૪૦થી વધુના છે. તેની ટીમ એફએ પીપલ્સ કપ ફૂટબોલમાં ભાગ લઈ રહી છે.
શરૂઆતમાં તેના ફક્ત ૧૦ ખેલાડી હતા. હવે તો દર સપ્તાહે ટ્રેનિંગ માટે જ ૬૦-૭૦ મહિલા આવે છે. ક્રોલી ઓલ્ડ ગર્લ્સ ટીમે પ્રથમ વખત પીપલ્સ કપમાં ભાગ લીધો હતો ત્યારે ૪૦ પ્લસ કેટેગરીમાં ફક્ત ૪ ટીમ જ ઉતરી હતી. હાલ, ૨૦૧૮ના પ્રથમ રાઉન્ડમાં ૬-૬ ટીમ ભાગ લઈ રહી છે.
બેટ્સે જણાવ્યું હતું કે તે બાળપણથી જ ફૂટબોલ રમવા માંગતી હતી. ૭૦ના દશકમાં તેના પિતા દર અઠવાડિયે લોકલ ઓન લીગ મેચ રમતા હતા. જોકે, તે સમયે ફૂટબોલ રમવાનું આસાન ન હોવાથી તેને ફૂટબોલ રમવાની મંજુરી ન હતી. તેથી તેણે ક્રોલી ઓલ્ડ ગર્લ્સ ક્લબ બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેને લાગ્યું કે તેનું બાળપણનું સપનું પુરુ થઈ ગયું છે. ક્લબમાં તેના જેવી ઘણી મહિલા છે, જે અગાઉ રમવા માંગતી હતી પણ તેમને તક મળી ન હતી.