રેમ્પ વોક કરતી મોડેલ હોય કે સામાન્ય સ્ત્રી કે યુવતી. પગમાં એડીવાળી ચંપલ પહેરવાનું રાખે છે, પણ ખરેખર તો એડી વગરનાં પગરખાં પણ તમને જચી શકે છે. ઘણી વખત સ્ત્રીઓ અને યુવતીઓ ખાસ પ્રસંગે હિલ્સ આરામદાયક ન હોય છતાં આદત અને ચીલો પડી ગયા મુજબ પહેરે છે, પણ પાર્ટી કે પ્રસંગે ફિલેટ્સ પણ સારો ઓપ્શન્સ છે. વળી ફ્લેટ્સમાં પણ પાર્ટી – પ્રસંગને અનુરૂપ ઘણાં ઓપ્શન મળી રહે છે. માન્યતા એવી છે કે લગ્ન હોય કે પાર્ટી સાડી પહેરવી હોય તો ઊંચી એડીનાં પગરખાં જ પહેરાય. જીન્સ સાથે હિલ્સ હોય તો પગનો શેપ સારો લાગે અને સ્કર્ટ કે વન-પીસ સાથે તો સ્ટિલેટોઝ જ સુપર્બ દેખાય. જોકે આ બધી માન્યતાઓ છે. મોટા ભાગની સ્ત્રીઓ આ પ્રસંગે પહેરાતી હાઈ હિલ્સમાં કમ્ફર્ટેબલ નથી હોતી. ક્યારેક તો હાઈ હિલ્સનાં કારણે જ અંતે પીઠ, કમર અને ગોઠણના દુખાવાનો શિકાર બને છે. તેના બદલે ફ્લેટ્સ પહેરવાથી ચાલવામાં સરળતા રહે છે. ત્યાં સુધી કે સેલિબ્રિટીઝ પણ હવે તો ફ્લેટ્સ પહેરવાનું પસંદ કરે છે. ફ્લેટ શૂઝ કે ચંપલ કેવા ડ્રેસિસ પર શોભે તે માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.
લોફર્સ
વર્કિંગ વુમન સિવાય ગૃહિણીઓ પણ શોપિંગ અને આઉટિંગ માટે એન્કલ સુધીની લંબાઈનાં ટ્રાઉઝર્સ અને લાંબાં સ્કર્ટ પહેરવાનું પસંદ કરે છે. જેની સાથે ડાર્ક, વાયબ્રન્ટ કે પેસ્ટલ શેડનાં લોફર્સ સારાં લાગે. આ ચંપલ જો બ્લેક અને બ્રાઉન ઉપરાંત કોઈ બીજાં રંગમાં હોય તો વધુ ફેમિનાઈન લાગે છે.
બેલેરીના
મોજડીને બેલેરીના કહેવાય છે. આગળનો ભાગ ગોળ હોય તેવી બેલેરીના ઘણા લાંબા સમયથી ઇન ટ્રેન્ડ પણ છે. ફક્ત ટીનેજર્સ જ નહીં, મોટી ઉંમરની સ્ત્રીઓમાં પણ તે લોકપ્રિય છે. આ બેલેરીના જીન્સ, સ્કર્ટ, સલવાર-કમીઝ, કુરતી કે વન-પીસ ડ્રેસિસ બધા સાથે શોભે છે. બેલેરીનામાં ઘણા પ્રકાર અને ડિઝાઈન મળી રહે છે. રાજસ્થાની બેલેરીના કે મોજડી સૌથી વધુ પહેરાય છે. ગરમીમાં આ બેલેરીના પગને તડકાથી રક્ષણ આપશે અને શિયાળામાં ઠંડી સામે. આગળથી અણી નીકળતી પોઈન્ટેડ બેલેરીના પણ સ્ત્રીઓને આકર્ષે છે. જે સ્ત્રીઓનાં પગ ખૂબ જ નાના હોય તેમણે પોઈન્ટેડ બેલેરીના પહેરવી જોઈએ. પોઈન્ટેડ બેલેરીના પહેરવાથી પગના પંજા હોય એના કરતાં લાંબા લાગે છે.
સ્લિંગ બેક
આગળથી મોજડી જેવાં અને પાછળથી ઓપન અને સેન્ડલ જેવાં આ પગરખાં જીન્સ, ટ્રાઉઝર, સલવાર કમીઝ, કુરતી કે કોઈ પણ લંબાઈના સ્કર્ટ સાથે પહેરી શકાય છે. સ્લિંગ બેકની ખાસ વાત એ છે કે એમાં ગ્લેડિયેટર, મેટાલિક, સિમ્પલ, કેઝ્યુઅલ અને પાર્ટી વેર જેવી અનેક પેટર્ન અને પ્રકાર મળી રહે છે. પાર્ટી વેરમાં કપડાંના રંગ પ્રમાણે આ જૂતાંની પસંદગી કરી શકાય.
એન્કલ સ્ટ્રેપ સેન્ડલ
જે સ્ત્રીઓનાં પગનાં પંજા દીપિકા પદુકોણ જેવા લાંબા અને પાતળા હોય તેમને સેન્ડલ્સ ખૂબ સુંદર લાગે છે. જીન્સનાં કેપ્રી પેન્ટ્સ, શોર્ટ્સ, વન-પીસ ડ્રેસિસ પર એન્કલ પાસે ગોળાકાર પટ્ટો હોય એવાં સેન્ડલ્સ સારાં લાગે છે, પરંતુ જો પગ ટૂંકા હોય તો આવાં સેન્ડલને લીધે એ વધુ ટૂંકા લાગે છે.
જૂતી
સાડી, સલવાર-કમીઝ અને લહેંગા-ચોલી સાથે પહેરવા માટે પંજાબી રાજસ્થાની સ્ટાઈલ જૂતીમાં અનેક ઓપ્શન્સ છે. પાર્ટી વેરથી લઈને બ્રાઈડલ વેર સુધી આ જૂતી અનેક ટાઈપનાં વર્ક અને પેટર્નમાં મળી રહે છે. પાછળથી ખુલ્લી, સેન્ડલ ટાઇપની અથવા પૂરી પેક એમ ત્રણે ટાઈપની મોજડી અને જૂતીઓ મળી રહે છે. ડાયમન્ડ્સ, જરદોશી અને સ્ટોન વર્ક આ ત્રણે બ્રાઈડલ વેર સાથે જામે છે.
કોલ્હાપુરી ચંપલ
સિમ્પલ, દેશી અને સ્ટાઈલિશ પગરખાંમાં રંગબેરંગી ફ્લેટ કોલ્હાપુરી ચંપલ બેસ્ટ ચોઇસ છે. જીન્સ હોય કે પછી સ્કર્ટ કે ડ્રેસિસ, કોલ્હાપુરી બધા પર સૂટ થાય છે. અહીં ટિપિકલ ચામડાંને બદલે પેસ્ટલ શેડમાં અથવા ગોલ્ડન, સિલ્વર જેવા મેટાલિક શેડમાં મળતાં કોલ્હાપુરી પહેરી શકાય. જે ટિપિકલ દેશી અને વેસ્ટર્નનું કોમ્બિનેશન લાગશે અને ઇન્ડિયન અને વેસ્ટર્ન કોઈ પણ ડ્રેસ સાથે પહેરી શકાશે.