સામાન્ય રીતે સ્ત્રીઓને હંમેશાં એ પ્રશ્ન સતાવતો હોય છે કે ગમે તેટલા શણગાર સજીએ પણ કેશકળાને ઓપ કેવી રીતે આપી શકાય? ખરેખર તો તેના માટે હાથવગાં ફૂલો જેવું ઉત્તમ કંઈ નથી. મોસમ કોઈ પણ હોય, કોઈક ને કોઈક ફૂલો તો તમારા ઘરના ગાર્ડનમાં કે પછી બજારમાં મળી જ રહે છે. દરેક પ્રસંગે વેણી અને ગજરા સ્ત્રીના કેશને નવો જ નિખાર આપે છે. ફ્લાવર્સ કોલેજની છોકરીઓ માટે પણ લેટેસ્ટ ફેશન એક્સેસરી છે. હેર બેન્ડ અને હેર ક્લિપમાં મોટાં ફેધરવાળાં ફ્લાવર્સ આજકાલ ટીનેજ છોકરીઓની પ્રથમ પસંદગી બની રહ્યા છે. પોનિટેલમાં નાખવા માટેના રબરબેન્ડ પણ મોટાં ફૂલવાળાં મળી રહે છે તેમજ નાની હેર ક્લિપ પણ સુંદર લુક આપે છે. ફૂલો આમ તો વીતેલા જમાનાની હિરોઈન હેમા માલિની, વૈજયંતી માલાથી લઈને ઘણી હિરોઈનની પસંદ રહ્યાં. એમાં નવો ટ્રેન્ડ જોઈએ તો ઇન્ડિયન - હવાઇયન લુકમાં દીપિકા હોય કે સોનાક્ષી બધાના શણગારમાં વેણી કે ફૂલો પસંદગી બની રહ્યાં છે. તો જોઈએ કે કેવી રીતે ફૂલોથી કેશને શણગારી શકાય?
કેશ કળામાં એક જ ફૂલ
ચોટલામાં, અંબોડાની સાઇડમાં કે સ્ટાઇલિશ રીતે વાળેલા બનમાં કાન પાસે એક મોટું ફૂલ લગાવીને હેર સ્ટાઈલને શોભાવી શકાય. આ ગલગોટા, હજારીગોટા, જાસૂદ, પોયણું, કમળ, ચંપો કે ગુલાબ જેવું દેશી ફૂલ પણ હોઈ શકે કે લીલી કે ઓર્કિડ પણ હોઈ શકે. આવાં મોટાં ફૂલ ફક્ત સિંગલ જ સારાં લાગશે. જો વધારે લગાવશો તો વાળ ઓછા અને ફૂલો વધારે દેખાશે. ફૂલો હંમેશાં સફેદ કે ઘેરા લાલ રંગનાં જ લગાવવાં. આવું સિંગલ ફૂલ યંગ છોકરીઓને પણ સારું લાગશે.
નાનકડાં ફૂલો
પારિજાત, ચમેલી, મોગરા, મધુમાલતી જેવા ફૂલો અંબોડા કે પછી કોઈ પણ હેર સ્ટાઈલમાં છૂટા છૂટા લગાવી શકાય. જો તમારા વાળ શોર્ટ હોય તો ડાળી સાથે એક ફૂલ પણ વાળમાં સારું લાગશે. આમ તો ઓર્કિડ મધ્યમ આકારનું ફૂલ ગણાય. વાળમાં ઓર્કિડની એક સિંગલ દાંડી સારી લાગે છે. ઓર્કિડ પર્પલ, વ્હાઇટ, બ્લુ જેવા કલર્સમાં મળી રહે છે. આ ઉપરાંત ટાઇગર ઓર્કિડ પણ ઓર્કિડનો એક પ્રકાર છે. આ ફૂલો દેખાવમાં ખૂબ સુંદર હોય છે અને જો આઉટફિટ સાથે મેચ કરવા હોય તો બેસ્ટ ઓપ્શન બને છે. ઓર્કિડ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ એમ બન્ને પ્રકારના ડ્રેસિસ સાથે સૂટ થશે.
વેણીનો વૈભવ
સરસ રીતે ગૂંથેલાં ફૂલોની વેણી, ગજરા કે લડી ફક્ત અંબોડામાં જ સારી લાગશે. હાઇ બન કે લો-બનને ફરતે વીંટેલી વેણી કે ગજરો સાડી કે ઘાઘરા ચોલી સાથે એક પરફેક્ટ ટ્રેડિશનલ લુક આપશે.
આર્ટિફિશ્યલ ફૂલો પણ ઓપે
ફક્ત તાજાં ફૂલો જ નહીં પણ આર્ટિફિશ્યલ ફૂલો પણ વાળમાં સજાવવા માટે ખૂબ સારો વિકલ્પ છે. આર્ટિફિશ્યલ ફ્લાવર્સમાં ગોલ્ડન અને સિલ્વર કલરનાં ફ્લાવર્સ કૌટુંબિક પ્રસંગોમાં ખૂબ સારા લાગે છે. ઇન્ડિયન હેવી વેર પર આવાં ફૂલોની હેરસ્ટાઇલ ટ્રેડિશનલ છતાં મોડર્ન લુક આપે છે.