નવી દિલ્હીઃ વર્ષ ૨૦૨૦નો ફેમિના મિસ ઇંડિયાનો તાજ તેલંગણની એન્જિનિયર સુંદરી મનસા વારાણસીના શિરે મૂકાયો છે, જ્યારે હરિયાણાની મણિકા શિયોકંડને ફેમિના મિસ ગ્રાન્ડ ઇન્ડિયા ૨૦૨૦ જાહેર કરાઇ છે. ઉત્તર પ્રદેશની માન્યા સિંહ રનર-અપ બની છે. ભારત સુંદરીનો તાજ ભલે મનસાએ જીત્યો, પરંતુ લોકમુખે ચર્ચા તો રનર-અપ માન્યા સિંહના નામની છે, તેના જીવનસંઘર્ષની છે.
૧૦ ફેબ્રુઆરીની રાત્રે યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારોહમાં ફાઇનલ રાઉન્ડના વિજેતાઓ જાહેર કરાયા હતા. જ્યૂરી પેનલમાં એક્ટર્સ નેહા ધૂપિયા અને પુલકિત સમ્રાટ હતાં અને સાથે જાણીતા ડિઝાઇનર્સ ફાલ્ગુની અને શેન પિપોક હતાં. ૨૩ વર્ષની મનસા હૈદ્રાબાદની વતની છે અને એક ફાઇનાન્શિયલ ઇન્ફર્મેશન એક્સ્ચેન્જ એનાલિસ્ટ તરીકે કામ કરે છે. વે તે આગામી ડિસેમ્બર ૨૦૨૧માં યોજાનારી ૭૦મી મિસ વર્લ્ડ પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
જોકે આ વર્ષે ફેમિના મિસ ઇન્ડિયા મનસા કરતાં પણ વધારે પ્રસિદ્ધિ રનર-અપ માન્યા સિંહને મળી રહી છે કેમ કે, આ ખિતાબ જીત્યાં પછી તરત જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી. વાસ્તવમાં માન્યા એક રિક્ષાચાલકની પુત્રી છે અને મિસ ઇન્ડિયાના સ્ટેજ પર પહોંચવા માટે તેણે અસાધારણ સંઘર્ષ કર્યો છે. તેણે પોતાની મહત્ત્વાકાંક્ષા અને તેને સિદ્ધ કરવા માટેના પ્રયાસોની કથા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
અનેક રાતો ભૂખ્યા પેટે અને ઊંઘ વગર પસાર કરી છેઃ માન્યા
માન્યા કહે છે કે, આ સ્ટેજ સુધી પહોંચવા માટે મેં અનેક રાતો ભોજન અને ઊંઘ વગર પસાર કરી છે. પૈસા બચાવવા માટે માઇલો સુધી પગપાળા ચાલી છું. મારું લોહી, પરસેવો અને આંસુ મારા આત્મા માટે ભોજન બન્યા અને હું સપનું જોવાની હિંમત કેળવી શકી. તેની ફી ભરવા માટે માતા-પિતાએ તેમના ઘરેણા પણ વેચવા પડયા હતાં. તે દિવસોને યાદ કરતાં માન્યા કહે છે કે મેં આ બ્યૂટી પેજન્ટની તૈયારી માટે રોડ પર ચાલીને રેમ્પ વોકની પ્રેક્ટિસ કરી છે.