ઇયરિંગ્સ યુવતીનાં લુક અને વ્યક્તિત્વને અનોખો નિખાર આપે છે. જોકે ચહેરા પ્રમાણે ઇયરિંગ્સ પસંદ કરવા માટે ફેશનના કેટલાક નિયમો છે જે ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ જ્વેલરીની પસંદગી વખતે ચહેરાના આકારને ધ્યાનમાં રાખવામાં આવે તો સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે.
• ગોળ ચહેરોઃ ચહેરા પ્રમાણે ઇયરિંગ્સ પસંદ કરવા માટે ફેશનના નિયમોને અનુસરવા જ રહ્યા. ઘણી ભારતીય સ્ત્રીઓનો ચહેરો ગોળ હોય છે. એના પર સીધાં અને થોડી જ્યોમેટ્રિકલ ડિઝાઇનવાળાં ઇયરિંગ્સ વધારે સારાં લાગે છે. આ સ્ટાઇલનાં ઇયરિંગ્સ પહેરવાથી ચહેરાને થોડીક વધારે લંબાઈ મળે છે. આમ, ગોળ ચહેરા માટે સપ્રમાણ લાગે એવી જ ડિઝાઇન પસંદ કરવી જોઇએ.
• લંબગોળ ચહેરોઃ ભારતીયોમાં લંબગોળ ચહેરો બહુ સરેરાશ ફેસકટ છે. મોટા ભાગની ભારતીય યુવતીઓ લંબગોળ ચહેરો ધરાવતી હોય છે. આ ફેસકટની ખાસિયત એ છે કે એના પર દરેક સ્ટાઇલ સારી લાગી છે. આ પ્રકારના ચહેરા પર સોફ્ટ શેપ જેવા કે ટિયર ડ્રોપ્સ, મોતી, સ્ટડ અને કોઈ પણ લંબગોળ શેપના સ્ટોનવાળાં ઇયરિંગ્સ સારાં લાગે છે. લંબગોળ ચહેરા પર લાંબાં, અણીદાર અને લટકતાં ઇયરિંગ્સ સારા લાગે છે. ઝૂમકાવાળા, મોટા અને થોડી બોલ્ડ ડિઝાઇનવાળા સ્ટડ પણ લંબગોળ ચહેરા પર સારા લાગશે.
• હાર્ટ શેપ ચહેરોઃ હાર્ટ શેપ ચહેરાનું સ્ટ્રક્ચર લંબગોળ ચહેરાને મળતું આવે છે. આવો ચહેરો ધરાવતી સ્ત્રીઓએ એવાં ઇયરિંગ્સ પહેરવાં જોઇએ જે બોટમમાં પહોળાં હોય. લંબગોળ, ત્રિકોણ કે ડ્રોપ શેપ આ પ્રકારના ચહેરા માટે યોગ્ય પસંદગી સાબિત થાય છે. તમે વધુ ટ્રેન્ડી લુક માટે પિરામિડ સ્ટાઇલનાં ઇયરિંગ્સ પણ પહેરી શકો છો.
• ચોરસ ચહેરોઃ આ પ્રકારનો ચહેરો ધરાવતી વ્યક્તિએ પહેરવા માટે નાની સાઇઝનાં ગોળ શેપનાં ઇયરિંગ્સ પસંદ કરવા જોઇએ. તેમના ચહેરા પર આવા ઇયરિંગ્સ વધારે સારા લાગે છે.