આધુનિક મહિલાઓ પોતાના હેરકટ અને હેરસ્ટાઈલ બાબતે ખૂબ જ સજાગ જોવા મળે છે. ખાસ કરીને પ્રસંગ અને સ્થળ મુજબ તેમને કઈ હેરસ્ટાઈલ શોભશે એ વિશે તેઓ ખાસ ધ્યાન આપે છે. આ ઉપરાંત મહિલા જો ગૃહિણી હોય તો તે પોતાને કેવા પ્રકારના હેરકટ કે હેરસ્ટાઈલ રોજિંદા જીવનમાં પણ માફક આવશે તેનું ખાસ ધ્યાન રાખતી થઈ છે. વળી વર્કિંગ વુમન તો તેના વ્યવસાય મુજબ અને પોતાના લુક પ્રમાણે હેરકટ લેવામાં કે હેરસ્ટાઈલ કરવામાં જરાય કસર છોડતી નથી. અહીં એવી કેટલીક હેરસ્ટાઈલ અને હેરકટ મહિલાઓ માટે દર્શાવવામાં આવી છે કે જેનાથી પોતે કેવા હેરકટ લેવા અને હેરસ્ટાઈલ કરવી તે નક્કી કરવામાં તેમને સરળતા રહેશે.
વિવિધ હેરકટ અને હેરસ્ટાઈલ
આજકાલ સ્ટ્રેટ હેરકટની ફેશન ઇનટ્રેન્ડ છે તો સાથે સાથે પર્મ અને લેયર્સ હેરકટની પણ બોલબાલા છે. બ્લંટ હેરની વાતકરીએ તો વાળ સરખા રાખવાની કે પીન કરવાની કે પછી વાળ વિંખાઈ જશે તેવી કોઈ પણ ઝંઝટ બ્લંટ હેરમાં રહેતી નથી. જોકે હેર બ્લંટ હોય તો તમારે વાળની ક્વોલિટી ખરાબ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખતા રહેવું પડે છે.
બોબ્ડ હેર પણ આ દિવસોમાં ચલણમાં છે. જોકે આ હેરકટ લેતાં પહેલાં હેર સ્ટાઈલિસ્ટની સલાહ લઈને પછી જ તમારે હેર કટ કરાવવાનો નિર્ણય લેવો જોઈએ.
આધુનિક હેર સલૂનમાં તમારો ફોટોગ્રાફ લઈને તેની પર કેવા પ્રકારની હેરકટ જચશે તે માટે ફોટોગ્રાફ પર જ તમને અવનવી હેરકટ બતાવવામાં આવે છે આ પદ્ધતિનો અચૂક ઉપયોગ કરી જુઓ.
વાળના પ્રકાર પ્રમાણે હરેસ્ટાઈલ
માનુનીઓએ હંમેશા પોતાના વાળના પ્રકાર પ્રમાણે અને ફેસકટ મુજબ જ હેરકટ કરાવવા જોઈએ. જો તમારો ચહેરો વધારે લાંબો હોય તો તમે પર્મ અથવા લેયર્સ કપાવી શકો છો. લાંબા ચહેરા પર બ્લંટ કે પિરેમિડ સારા નથી લાગતાં. જો તમે નાના વાળ રાખવા માગતા હોય તો ક્લાસિક બોબ કે હેલો સારા લાગે છે. કોનિકલ કે સ્લાંટ હેરકટ પણ સારી લાગે છે. જો તમારો ચહેરો ગોળ, લંબગોળ અને સહેજ ભરાવદાર હોય તો સ્ટ્રેટ હેરકટ સારી લાગશે, પણ તમારા વાળ સિલ્કી હોવા જોઈએ. વત્તા બહુ ટૂંકા સ્ટ્રેટ હેર તમને ઓછા શોભશે. મધ્યમ લાંબા કાં તો બહુ લાંબા વાળ હોવા જોઈએ. ચરબી વગરના ચહેરા પર સ્ટ્રેટ હેરની કોઈ પણ લંબાઈ હોય તે શોભી ઊઠશે. અંડાકાર ચહેરા પર લોંગ કે શોર્ટ સ્ટ્રેટ હેર બંને સારા લાગે છે. જો તમારી ગરદન લાંબી હોય અને ફેસ નાનો હોય તો ઈટાલિયન તેમજ શોર્ટ લેયર્સ હેરસ્ટાઈલ વધારે સારી લાગે છે, પરંતુ આ પ્રકારની હેરકટ વેસ્ટર્ન વેર્સ પર જ સારા લાગે છે. જો તમારો ચહેરો પહોળો કે ચોરસ હોય તો તમારા પર આ રીતની હેરકટ સારી લાગશે અને તમારો ચહેરો બેલેંસ્ડ પણ લાગશે.
જો તમારું માથુ નાનું હોય તો તમારી પર આ રીતની હેરકટ સારી લાગશે જે તમારા માથાને ઢાંકે નહીં. આનાથી વિરુદ્ધ જો તમારું માથું પહોળું હોય તો તમને ફેસ ફ્રેમ કટ કે ફ્રંટ ફ્રિંસેજ હેર સ્ટાઈલ પણ સારી લાગશે. આમ તો ફેશન એક એવી વસ્તુ છે જે હંમેશા બદલાતી રહે છે. ફેશન અનુસાર હેરકટ કરવાના બદલામાં તમે એવા હેરકટની પસંદગી કરો જે તમારી જીવનશૈલી, તમારા વ્યવસાય, ઋતુ તેમજ તમારા ચહેરાને અનુરૂપ હોય. જેને વધારે પડતાં સેટ કરવાની જરૂર ન પડે. કોઈ પણ હેરકટ કરાવો તે પહેલાં તમે તમારી વિશેષજ્ઞ કે હેર ડ્રેસરની સલાહ અવશ્ય લો. તે તમને તમારા વ્યક્તિત્વ અને જીવનશૈલીના હિસાબ પ્રમાણે યોગ્ય સલાહ આપશે.