વોશિંગ્ટનઃ ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતની ૫ મહિલાઓનો સમાવેશ થાય છે. યાદીમાં ICICI બેન્કનાં સીઇઓ અને એમડી ચંદા કોચર ૩૨મા સ્થાને છે. એચસીએલ કોર્પોરેશનના સીઇઓ રોશની નાદર મલ્હોત્રા ૫૭મા ક્રમે, બાયોકોમના સ્થાપક કિરણ મજુમદાર ૭૧મા ક્રમે, એચટી મીડિયાનાં વડાં શોભના ભરતિયા ૯૨મા ક્રમે તથા એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ૯૭મા ક્રમે છે. યાદીમાં કેટલીક ભારતીય મૂળની મહિલા હસ્તીઓએ પણ સ્થાન મેળવ્યું છે. તેમાં પેપ્સિકોનાં સીઇઓ ઇન્દ્રા નૂયી (૧૧મા ક્રમે) તથા ભારતીય-અમેરિકન નિક્કી હાલે (૪૩મા ક્રમે)નો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે ટોચની ૧૦૦ શક્તિશાળી મહિલાઓમાં ૨૩નો પહેલીવાર સમાવેશ કરાયો છે જેમાં અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ ૧૯મા ક્રમે છે. કુલ નેટવર્થ, મીડિયામાં ઉપસ્થિતિ તથા સમાજ-રાજકારણમાં વગ તથા અસર ઊભી કરવાની ક્ષમતા જેવા વિવિધ માપદંડોના આધારે યાદી તૈયાર કરાઈ હતી.