ફ્રાંસમાં રહેતાં વૃદ્ધા કોલેટ મેઝનું તેમના કામ પ્રત્યેનું ઝનૂન જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ થઈ જાય છે. ૧૦૬ વર્ષીય કોલેટ ચાર વર્ષનાં હતાં ત્યારથી પિઆનો વગાડે છે. તેઓ ૧૦૬ વર્ષનાં છે છતાં આ ઉંમરે પણ તેઓ અનેક કલાકો સુધી તેમના પિયાનો સાથે વ્યસ્ત રહે છે. કોલેટે કહ્યું કે, પિયાનો વગાડવાથી મારું દિલ ખુશ થાય છે. હું મારી ખુશી માટે પિઆનો વગાડું છું.
૧૯૧૪માં એક મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલાં કોલેટે માતાનાં માર્ગદર્શનથી હોમ સ્કૂલિંગ કર્યું. તેમના પિતા ફર્ટિલાઇઝ પ્લાન્ટ મેનેજ કરતા હતા. તેમણે પેરિસ એકોલ નોર્મેલ ડી મ્યુઝિકમાંથી શિક્ષા લીધી. કોલેટ આટલી સરસ રીતે પિયાનો વગાડી શકે છે તેનો શ્રેય તેમના યોગ અને જીમ રૂટીનને આપે છે. તેઓ કહે છે કે, જેમ લોકોને જીવવા માટે ભોજન જરૂરી છે તેમ મારે જીવવા માટે પિયાનો વગાડવું જરૂરી છે. મારી આંગળીઓ પિયાનોનાં સ્પર્શ વગર રહી ન શકે.
કોલેટનાં અત્યાર સુધીમાં ૬ આલ્બમ લોન્ચ થઈ ચૂક્યાં છે. તેમના દીકરા ફેબ્રિક મેઝે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન મારી માતા અન્ય વૃદ્ધજનો માટે એક બેસ્ટ ઉદાહરણ છે. તેમની એન્જોય કરવાની રીત, જીવનને પ્રેમ કરવો અને તેમનું સેન્સ ઓફ હ્યુમર તમારા ચહેરા પર ચોક્કસથી સ્માઈલ લાવી દે. કોલેટ પિયાનો વગાડીને પણ લોકોને ખુશ કરતી રહે છે.