પેરિસ: ફ્રાન્સમાં મહિલાને ગર્ભપાતનો બંધારણીય અધિકાર અપાયો છે. આ સાથે જ ફ્રાન્સ આવું પગલું ભરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પ્રેસિડેન્ટ ઈમેન્યુએલ મૈક્રોંએ આ માટે સંસદના બન્ને ગૃહોનું ખાસ સત્ર બોલાવ્યું હતું. ગર્ભપાતના અધિકારને લઈને આવેલા પ્રસ્તાવની તરફેણમાં સાંસદોના મતદાન બાદ તેને પાસ કરી દેવાયો હતો. આ બંધારણીય અધિકાર મહિલાઓને ગર્ભપાતની આઝાદી આપે છે. મૈક્રોંએ જણાવ્યું હતું કે તેમણે મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપવા વાયદો કર્યો હતો જેને પૂર્ણ કર્યો છે. ફ્રાન્સના સાંસદોએ મહિલાઓને ગર્ભપાતની આઝાદી સાથે જોડાયેલાં 1958ના બંધારણને સુધારવાના પક્ષમાં 780 મત પડયા હતા જ્યારે વિરોધમાં ફક્ત 72 મત પડયા હતા. પ્રેસિડેન્ટ મૈક્રોંએ આ પગલાને ફ્રાન્સના ગૌરવ સમાન ગણાવતાં તેને વિશ્વ માટે એક સંદેશ ગણાવ્યું હતું. જોકે બીજી તરફ વેટિકન સહિત ગર્ભપાતવિરોધી જૂથોએ આ પરિવર્તનની કડક ટીકા કરી હતી. ફ્રાન્સમાં 1975થી ગર્ભપાત માટે કાયદો અમલમાં છે.
એફિલ ટાવર પર મહિલાઓની ઉજવણી
મતદાન અને પ્રસ્તાવના પસાર થયા બાદ પેરિસમાં એફિલ ટાવર પર માય બોડી માય ચોઇસની લાઇટના ઝળહળતા પ્રકાશ વચ્ચે મહિલાઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. વડાપ્રધાન ગેબ્રિયલે સંસદમાં મતદાન પહેલાં જણાવ્યું હતું કે અમે દેશની તમામ મહિલાઓને એક સંદેશ આપી રહ્યા છીએ કે તમારું શરીર તમારું છે અને અન્ય કોઇ તમારા માટે નિર્ણય કરી શકે નહીં. આ નિર્ણય તમે પોતે જ કરશો.