ફ્રૂટથી મેળવો સુંદરતા

Wednesday 27th July 2016 06:35 EDT
 
 

ફળ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોવાથી દરેક ઘરમાં સામાન્ય રીતે તેનું ઓછાવત્તા અંશે સેવન થતું જ હોય છે. આ ફળો મહિલાઓને અને યુવતીઓને સુંદરતા બક્ષવા માટે પણ ઉપયોગી હોય છે. આવા જ કેટલાક ફળોની વિશેષતા અહીં દર્શાવવામાં આવી છે. ખાસ કરીને લીંબુ, સ્ટ્રોબેરી, કેળાં અને પપૈયું સૌંદર્ય નિખારવામાં ખૂબ ઉપયોગી બને છે. 

લીંબુઃ સામાન્ય રીતે દરેક વ્યક્તિની ફરિયાદ રહેતી હોય છે કે તેમની કોણીનો ભાગ કાળો પડી જાય છે. લીંબુની છાલને કોણી પર ઘસવાથી આ ભાગની કાળાશ દૂર કરી શકાયછે. આ ઉપરાંત બાથ લેતી વખતે એક ડોલ પાણીમાં એકાદ ચમચી લીંબુનો રસ ભેળવીને સ્નાન કરવાથી દિવસ દરમિયાન તાજગી રહે છે. લીંબુ ક્લિંન્ઝરનું પણ કામ કરે છે તેથી મલાઈ સાથે મોઢા પર લીંબુની મસાજ લેવાથી ચહેરો નીખરી ઊઠે છે.

સ્ટ્રોબેરીઃ સ્ટ્રોબેરી ખાસ કરીને તો સ્કિન ટોન કરવાનું કામ કરે છે. સ્ટ્રોબેરીમાં અલ્ફા-હાઇડ્રો એસિડ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. અનેક સંશોધનો દરમિયાન આ વાત સામે આવી છે કે ત્વચાના ડેડ સેલ્સને હટાવવામાં સ્ટ્રોબેરી અસરકારક છે. ખીલની ટ્રીટમેન્ટમાં તો સ્ટ્રોબેરી અકસીર ગણાય અને ફાયદાકારક નીવડે છે. અડધો કપ સ્ટ્રોબેરીના અર્કમાં એક ટેબલસ્પૂન મલાઈ ભેળવીને અઠવાડિયામાં એક વાર ચહેરા પર મસાજ કરવાથી સ્કિન ગ્લો કરશે. સ્ટ્રોબેરી ખાવાથી દાંત સાફ થાય છે અને શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

કેળાઃ કેળા ત્વચાને નમી પ્રદાન કરે છે તેમાં સમાયેલા પ્રોટીન અને કુદરતી ચરબી દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક હોય છે. મસળેલા કેળામાં મધના થોડાં ટીપાં ભેળવીને ચહેરા પર મસાજ કરવો. પંદર મિનિટ બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાંખવો. તેનાથી ત્વચા મુલાયમ બને છે. આ પેકને વાળમાં પણ લગાડી શકાય છે. તે કંડિશનરનું કામ કરે છે.

અનાનસઃ કેળાનીમાફકજઅનાનસપણત્વચાને મુલાયમ રાખે છે. ડ્રાય સ્કિન પર રોનક લાવે છે. તેમજ કોણી અને ઘૂંટણ પર માલિશ કરવાથી સ્કિનની કાળાશ અને ડ્રાયનેસદૂરથાયછે.

પપૈયુંઃ પપૈયામાં કુદરતી એન્ઝાઇમ છે. પપૈયાના અર્કથી ચહેરા પર મસાજ કરવાથી ચહેરો કાંતિમય બને છે અને પિગમેન્ટેડ સ્કિન એટલે કે ઝાંયવાળી ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.

આદુઃ ત્વચાના ક્લિનઝિંગ માટે આદુનો પેક લાભદાયક સાબિત થાય છે. આદુના અર્કમાં એક ટેબલસ્પૂન દહીં ભેળવીને ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાડી રાખીને ઠંડા પાણીથી ધોઇ નાખો. તેનાથી ત્વચા યુવાન રહે છે. ચહેરાની ખૂબસૂરતી જળવાઈ રહે તે માટે આદુના અર્કને મલાઈમાં ભેળવીને નિયમિત મસાજ કરો તો ત્વચા કાંતિમય બને છે. ફેસ પેક ચહેરાની ત્વચાનો પ્રકાર જાણ્યા બાદ જ લગાડવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter