ફ્રાન્સમાં યોજાયેલા જગવિખ્યાત કાન્સ ફિલ્મ મહોત્સવમાં રેડ કાર્પેટ પર 56 વર્ષની કાર્લા બ્રૂની, 61 વર્ષની ફિલિપીન લેરોય-બ્યૂલિયુ અને 71 વર્ષની ઇસાબેલ હુપર્ટ ઉતરી તો બધાની નજર અનાયાસે જ તેમની તરફ ખેંચાઈ ગઇ હતી. અને તેનું કારણ હતી આ ત્રણેય દિગ્ગજ અભિનેત્રીઓનું સૌંદર્ય. આ ત્રણેય ફ્રાન્સીસી અભિનેત્રીઓ તેની ઉમર કરતાં 30 વર્ષ નાની અભિનેત્રીઓ કરતાં પણ વધુ ગ્લેમરસ દેખાતી હતી. સહુ કોઇના મનમાં પ્રશ્ન હતો કે આખરે તેમના સદાબહાર સૌંદર્યનું સિક્રેટ શું છે?
68 વર્ષનાં ફ્રાન્સીસી મેકઅપ આર્ટિસ્ટ ટેરી ગુંજબર્ગ આ સવાલનો જવાબ આપતા કહે છે, તેની શરૂઆત સુંદરતા અને દેખાવ પ્રત્યેના સહજ દૃષ્ટિકોણથી થાય છે. અમે અમારાં રૂપ-રંગને લઈને સજાગ જરૂર રહીએ છીએ, પણ તેની ચિંતા નથી કરતા. ટેરી કહે છે, અમે સારા દેખાવા ઈચ્છીએ છીએ, પણ એ સૌથી મહત્ત્વની વાત નથી. અમને બાળપણથી જ શીખવવામાં આવે છે કે સ્વસ્થ અને સહજ દેખાવું મહત્ત્વનું છે. અમે થોડા ઓછા આકર્ષક હોઈ શકીએ પણ દેખાડો નથી કરતાં.
ફ્રાન્સીસી મેકઅપ કલાકાર વાયલેટ સેરાટ કહે છે કે અમે અમારા સૌંદર્યને જેવું છે તેવું જ સ્વીકારીએ છીએ. અમે બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ પોતાના રૂપને બદલવા નથી કરતા, પણ અભિવ્યક્તિના એક સાધન તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. અમે યુવાવસ્થાના આદર્શને આંખ બંધ કરીને ફોલો નથી કરતા. સેરાટ કહે છે, અમે સંપૂર્ણ ચહેરાને બદલે ખૂબ જરૂરી ભાગોનો જ મેકઅપ કરીએ છીએ અને એ પણ બ્રશથી નહીં, આંગળીઓથી. આઈશેડો, કન્સીલર અને લિપસ્ટિકનો હળવો ટચ ઘણો આછો હોય છે. બધા કહે છે કે ફ્રાન્સીસી મહિલાઓ સહજ દેખાય છે, પણ તેના માટે સહજ હોવું જરૂરી છે. ટેરી કહે છે કે ઉમર વધવાની સાથે ચહેરા પર વધુ ફાઉન્ડેશન લગાવવાને બદલે કલર કરેક્ટિંગ સ્કિનકેર ક્રીમ શ્રેષ્ઠ હોય છે.
હકીકતે, ફ્રાન્સમાં સ્કિનકેર પણ એક સંસ્કૃતિની જેમ જ છે. જેના માટે નાની ઉમરથી જ સૂરજના સીધા અને તીવ્ર કિરણોથી થનારા નુકસાનથી બચવાનું શીખવવામાં આવે છે. બ્રિટન કે અમેરિકા જેવા દેશોમાં સૌન્દર્ય ઉત્પાદનો કોઈ મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરથી ખાસ બ્રાન્ડના ખરીદવામાં આવે છે, જ્યારે અમે તેને એટલું વિશેષ મહત્ત્વ આપતાં નથી.
ફ્રાન્સીસી ફાર્માસિસ્ટ નતાશા બોનજોત કહે છે કે ફોર્મ્યુલા બાયોમિમિક્રીની મદદથી ત્વચાનો પ્રકાર જાણી શકાય છે. ત્વચા જે તત્ત્વોનું નિર્માણ કરી રહી છે તેની સાથે જોડાયેલા પદાર્થ જ અંદર ત્વચાની અંદર જાય છે ત્યારે સ્કિનકેરનો પ્રભાવ સારી રીતે દેખાય છે. આને બાયોમિમેટિક તત્વ કહે છે. બાયોમિમેટિક તત્વ સરળતાથી ત્વચામાં ભળી જાય છે અને તેના સ્વભાવ અનુસાર કામ કરે છે. ફેશન ક્ષેત્રે બાયોમિમિક્રી ત્વચાની ભાષાને ડિકોડ કરવાની એક પ્રકારની પ્રક્રિયા છે. તેના તારણના આધારે ફાર્માસિસ્ટ સ્કિનકેર પ્રોડક્ટમાં ઉપલબ્ધ સેરામાઇડ્સ, પેપ્ટાઈસ, હાયલૂરોનિક એસિડ કે એમિનો એસિડ જેવા તત્વો ધરાવતી પ્રોડક્ટ વાપરવા સલાહ આપે છે.