ન્યૂ યોર્ક: વિશ્વમાં કોરોનાનો ચેપ ફરીથી માથું ઉઠાવી રહ્યો છે. કેટલાય દેશોમાં રોજના લાખો કેસ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકામાં કોરોના દર્દીનો આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. ફ્લાઇટમાં સફર કરતી અમેરિકાની એક મહિલા તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતાં કલાકો સુધી બાથરૂમમાં પૂરાઇને બેસી રહી હતી, જેથી સાથી પ્રવાસીઓને ચેપ ના લાગે. તેના આ આવકાર્ય અભિગમને સહુ કોઇએ બિરદાવ્યો છે.
શિક્ષક તરી કામ કરતી મારિસા નામની મહિલા શિકાગોથી આઇસલેન્ડ જઈ રહી હતી. ૧૯ ડિસેમ્બરના પ્રવાસ દરમિયાન તેને ગળામાં તકલીફ થવા માંડી હતી. તેના પછી તેણે તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. કોવિડ રિપોર્ટ પોઝિટિવ હતી. તેથી તે ગભરાઈ ગઈ હતી અને પોતાને તેણે ફ્લાઇટના બાથરૂમમાં બંધ કરી દીધી હતી. પ્રવાસ પૂર્વે મારિસાએ બે વત આરટીપીસીઆર અને પાંચ રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા. બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જોકે પ્રવાસ શરૂ કર્યા પછી તેને ગળામાં તકલીફ થવા લાગી હતી. આથી તેણે ફ્લાઇટના સ્ટાફને તેની જાણકારી આપી. તેમણે ઊડતી ફ્લાઇટમાં મારિસાનો ટેસ્ટ કર્યો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રિપોર્ટની જાણ થતાં જ બાકીના લોકોનું જીવન મુશ્કેલીમાં ન મૂકાય તે માટે મારિસાએ પોતાને બાથરૂમમાં બંધ કરી આઇસોલેટ કરી. તે બૂસ્ટર ડોઝ પણ લઈ ચૂકી છે. તે સતત કોરોનાની ચકાસણી કરાવતી રહે છે. તેણે જણાવ્યું હતું કે ફ્લાઇટ ભરેલી હોવાના લીધે તેના માટે અલગ બેસવાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. તેથી તેણે બાથરૂમનો વિકલ્પ પસંદ કર્યો. બાથરૂમની બહાર નોટિસ બોર્ડ પણ લગાવી દેવાયું. ફ્લાઇટ લેન્ડિંગ પછી મારિસા સૌથી છેલ્લી બહાર નીકળી હતી, અને એમ્બ્યુલન્સમાં બેસીને હોસ્પિટલે પહોંચી ગઇ હતી.