કોઈ પણ ગૃહિણીના સોય-દોરાના ડબ્બામાં બટન કે આંકડા હોવા એ સહજ બાબત છે, પણ ફેશન એક્સપર્ટ્સ આ બટનનો નવો જ ઉપયોગ કરીને કપડાંને સજાવવા તેમજ ફિટિંગ માટે પણ વાપરી રહ્યા છે. અલગ કદ આકારના રંગબેરંગી બટનથી ગણતરીની મિનિટોમાં તમે પણ કોઇપણ ફેબ્રિકને કે આઉટફિટ્સને સુંદર ઓપ આપી શકો છો.
માર્કેટમાં હાલમાં પ્લાસ્ટિક, પંચધાતુ, લાખ, દોરા, શણ, લાકડા, વેલ્વેટ કોટેડ, કોટન કોટેડથી માંડીને વિવિધ ફેબ્રિક કોટેડ બટન્સ મળે જ છે. તમારા આઉટફિટને મેચિંગ બટન તમે ખરીદી શકો છો.
ઘણી વખત અચાનક જ કોઈ મિટિંગ ગોઠવાય કે પછી ફંક્શનમાં જવાનું થાય તો તાત્કાલિક શોપિંગ કરવું મુશ્કેલ બને છે. આવા વખતે સ્ટીચ કે કાપકૂપ વગર જ તમે બટનના મેજિકથી કોઇ પણ પ્રકારના આઉટફિટને તમને ગમતી ડિઝાઈન મેળવી શકો છો. બટનની મદદથી તમે ટોપ્સ, સલવાર કમીઝ, ટ્યુનિક્સ, ઇવનિંગ ગાઉનને ટૂંકા કે લાંબા વનપીસમાં માત્ર ગણતરીની મિનિટમાં જ કન્વર્ટ કરી શકો છો. પરંપરાગત સ્ટિચ ટેક્નિકથી અલગ આ ટેકનિક સમય બચાવનાર સાથે મનિ સેવર પણ સાબિત થઈ શકે છે.
માર્કેટમાં ઘણા સરળતાથી અને ઓછા ખર્ચે મળી રહેતા બટન્સથી આઉટફિટ્સને તમે તમારી ક્રિએટિવિટીના આધારે યોગ્ય શેપ આપી શકો છો. એટલું નહીં આ ટેકનિકમાં કાપકૂપ કરવાની કોઇ મુશ્કેલી રહેતી ન હોવાથી તેને સરળતાથી ખોલી પણ શકાય છે.
ફેબ્રિકમાંથી આઉટફિટ
બટનના ઉપયોગથી માત્ર ફેબ્રિક હોય તેને જોડીને કે તેમાં ગાજ-બટન કરીને પહેરી શકો છો. ઘણી વખત યુવતીઓ કે મહિલાઓનું વજન વધી કે ઘટી જતાં ફેબ્રિકમાં સળ પાડીને બટનથી ચીણ પાડી શકાય છે. જો વજન વધી જાય તો બટન રિમૂવ કરી શકાય છે. જે કપડું અનફિટ હોય અને સાઈઝમાં મોટું હોય તો તમે તમારે આકાર જોઈએ એ પ્રકારે ચીણ પાડતા જાઓ અને એ ચીણની ઉપર બટન લગાવતા જાઓ. જો સાઈઝથી કપડું નાનું હોય તો તમારે જ્યાંથી કપડું મોટું કરવું હોય ત્યાં કાપ મૂકવો જરૂરી બને છે. કાપ મૂકીને જેટલી સાઈઝ મોટી કરવી હોય એટલી સાઈઝના બટન લેવા તેનાથી કાપને જોડી શકાય. જેનાથી તમને નવું ડિઝાઈનર વેર પણ મળી શકશે. બટન વડે ડિઝાઇનર આઉટફિટની સાથે તમે કેપ, શૂઝ, બેગ, ફર્નિચર, કર્ટન, કુશન કવરને પણ નવો જ આકાર આપી શકો છો.