બહેનજી, તમે વધુ પડતું ખાધા કરો છો?

Wednesday 03rd December 2014 08:11 EST
 
 

દરેક સ્ત્રી માટે ૪૫થી ૫૦ની વય એવી છે જેમાં તેઓ જબરદસ્ત ખાલીપો અનુભવતી હોય છે. આ માટે એક નહીં, અનેક કારણ જવાબદાર હોય છે. જેમ કે, સંતાનો યુવાન થઈ ગયાં હોવાથી હવે પોતાની દુનિયામાં બિઝી થઈ ગયાં છે, પતિ મહાશય હરહંમેશની જેમ તેમના નોકરી કે વેપાર-ધંધામાં રચ્યાપચ્યા રહેતા હોય છે, ઘર-વર અને સંતાનોની સંભાળમાં અત્યાર સુધી પાછું વળીને જોયું ન હોવાથી સગાંસંબંધીઓ સાથે પણ ગાઢ કહી શકાય તેવો સંપર્ક હોતો નથી. આમ, ‘આ ઉંમરે પોતાના માટે કંઇ કરવાપણું રહ્યું નથી’ જેવી ભાવના સ્ત્રીઓને જાણ્યે-અજાણ્યે બહુ મોટી માનસિક સમસ્યાનો શિકાર બનાવે છે. સાઇકોલોજીની ભાષામાં મિડલ-એજની સ્ત્રીઓની આ સમસ્યાને મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર કહે છે.

મધ્ય વયની સ્ત્રીઓમાં આ સમસ્યા બહુ સામાન્ય છે એમ સમજાવતાં નિષ્ણાત મનોચિકિત્સકો કહે છે કે આપણે જેને મિડ-લાઇફ ક્રાઇસિસ કહીએ છીએ તે આ માનસિક સમસ્યા માટે જવાબદાર છે. આ સમયે સ્ત્રીઓમાં હોર્મોનલ ચેન્જ આવે છે, પાચનશક્તિ થોડી ઓછી થઈ હોય છે, બાળકો મોટાં થઈ જવાથી જીવનમાં ખાલીપો આવી ગયો હોય છે વગેરે જેવા કારણોસર ડિપ્રેશન આવી જાય છે અને એને લઈને કેટલાક લોકો વધુપડતું ખાવા લાગે છે તો કેટલીક સ્ત્રીઓ ખાવાનું ઓછું કરી દે છે. ઘણી વાર તેઓ જે કરે છે એ એક્સેસિવ કરે છે. આમ આ સમસ્યાને મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે.

ખાવાનું જ કેમ વધી જાય?

આ વયે ડિપ્રેશનમાં સરી પડેલી સ્ત્રીઓ જીવનના આનંદને શોધવાનો પ્રયત્ન કરે છે એ વાત કરતાં મનોચિકિત્સકો કહે છે કે કેટલીક સ્ત્રીઓ કામ કરીને, કોઈ મનગમતા ટીવી-પ્રોગ્રામ્સ જોઈને, કોઈ બહાર ફરીને તો કોઈ ઇશ્વરની પ્રાર્થના કરીને જીવનના આનંદને પાછો મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ આ બધું જ્યારે તે ન કરી શકે ત્યારે તેની પાસે જે સરળતાથી ઉપલબ્ધ હોય તેવી વસ્તુ હોય છે ફૂડ. એથી બહુબધું ખાઈને તે એમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. એથી જ પાર્ટીઓમાં કે ઘરે કે જ્યાં પણ જાય ત્યાં તે મન ભરીને ખાઈને આનંદ મેળવે છે.

મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર ભારતીયમાં સ્ત્રીઓમાં બહુ સામાન્ય છે, પણ કેટલીયે સ્ત્રીઓને આ સમસ્યાની જાણ જ નથી હોતી. આથી જ પ્રૌઢ વયે મોટા ભાગની સ્ત્રીઓનું વજન વધી જાય છે. બુલવેયો ઇમ્પલ્સિવ નામના આ ડિસઓર્ડરમાં માણસ વધુ ખાધા કરે છે.

સમસ્યાથી નુકસાન શું?

આ સમસ્યાની ટ્રીટમેન્ટ શક્ય છે. ઘણી વાર ડિસઓર્ડરમાંથી પસાર થઇ રહેલી મહિલાઓને એની ખબર પણ હોતી નથી એટલે તેની સારવારનો તો સવાલ જ આવતો નથી. ન્યૂ યોર્કમાં એન્ગ્ઝાયટી એન્ડ ઈટિંગ ડિસઓર્ડર માટેના રીડ્સ ટ્રીટમેન્ટ સેન્ટરના કહેવા મુજબ જો એની સારવાર ન લેવામાં આવે તો હાડકાનાં અને હૃદયના મસલ્સને નુકસાન થઇ શકે છે. કેટલીક વાર હાર્ટ બંધ પડી જાય એવું પણ બને. મગજમાં જમા થયેલી ચરબી મગજની કાર્યક્ષમતાને અવરોધે છે. ઓસ્ટિયોપોરોસિસ અને અવયવો ફેલ થઈ શકે છે.

એકલતાનો ઉપાય શું?

સંતાનો પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય અને પતિ ધંધામાં વ્યસ્ત હોય તો તમે આનંદ મેળવવાનો તમારો માર્ગ શોધી લો. કામ કરતી સ્ત્રીઓ પોતાના શોખની ચીજો શોધી લેવી જોઇએ. જો તમે હાઉસવાઇફ હો તો સમાન શોખ ધરાવતી સખીઓનું જૂથ બનાવી શકો છો. ભજનમંડળી કે કિટી પાર્ટીઓમાં જઈને ફ્રેન્ડસનો સાથ મેળવો જેથી એકલતા ન લાગે. ઇશ્વરમાં આસ્થા ધરાવતા હો તો એમાં મન પરોવવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમને ગમે અને આનંદ મળતો હોય એવી બાબતો શોધો અને એમાં મન પરોવો. જેમ કે, વાંચવું ગમતું હોય તો એમાં મન લગાવો. ટૂંકમાં, એકલાં પડી જવાનો અહેસાસ થાય ત્યારે સતત પ્રવૃત્તિશીલ રહો.

યુવતીઓમાં જરા જુદી સમસ્યા

ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા મિડ-એજમાં જ સ્ત્રીઓને આવે એવું જરૂરી નથી, એની વાત કરતાં નિષ્ણાતો કહે છે કે લગ્ન પછી સ્ત્રીઓમાં આ સમસ્યા આવે છે. તેને લાગે છે કે પતિ તરફથી પૂરતો પ્યાર નથી મળી રહ્યો, જિંદગીમાં કાંઈ મજા નથી રહી વગેરેને કારણે પણ તે ડિપ્રેશનમાં સરી જાય છે અને ઘણુંબધું ખાવા લાગે છે. ક્યારેક યુવાનીમાં પ્રવેશતી છોકરીને પિરિયડ આવવાના સમયે પણ આ ડિસઓર્ડર થઈ શકે છે. તેને મોટું થવું નથી હોતું એટલે તે ઘણી વાર ખાવાનું બંધ કરી દે છે. આ ડિસઓર્ડરને એનોરેક્સિયા નર્વોસા કહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter