બારડોલીઃ બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવેલી સરદાર કન્યા વિદ્યાલયમાં વર્ષોથી આદિવાસી બાળાઓમાં શિક્ષાની જ્યોત જગાવતા નિરંજનાબહેન કલાર્થીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીયકક્ષાનો નારીશક્તિ પુરસ્કાર એનાયત કરાયો છે. સમગ્ર પ્રદેશમાં ‘નાનીબા’ના ઉપનામથી જાણીતા નિરંજનાબહેનને આ પુરસ્કાર સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય યોગદાન બદલ અપાયો છે.
ભારત સરકારના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે વિશ્વ મહિલા દિવસ પ્રસંગે મહિલાઓ માટેનો સર્વોચ્ચ એવો ‘નારીશક્તિ પુરસ્કાર’ આપવામાં આવે છે. દર વર્ષે ૧૪ મહિલાઓને અલગ અલગ ક્ષેત્રોમાં યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. જેમાં ૨૦૨૧ના પુરસ્કાર માટે ગુજરાતમાંથી બારડોલીના સ્વરાજ આશ્રમના માનદ્ મંત્રી અને સરદાર કન્યા વિદ્યાલયના સંચાલક નિરંજનાબેન કલાર્થી (નાનીબા)ની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં આયોજિત શાનદાર કાર્યક્રમમાં વિશ્વ મહિલા દિવસ પ્રસંગે નિરંજનાબહેનને રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની પસંદગી થવાથી સમગ્ર બારડોલી પંથકમાં ગૌરવની લાગણી ફરી વળી હતી. સ્વરાજ આશ્રમના પ્રમુખ ભીખાભાઈ પટેલ, સુરત જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘના મંત્રી હરેન્દ્રસિંહ વસવારીયા, ઉપપ્રમુખ ગણપતભાઈ ગામિત, માનદ મંત્રી દાઉદભાઈ ગજિયા સહિત અગ્રણીઓએ નિરંજનાબેનને અભિનંદન પાઠવ્યા હતા.
આઝાદી પૂર્વે સરદાર પટેલના ખોળામાં રમનાર નિરંજનાબેનનો ઉછેર સ્વરાજ આશ્રમમાં જ થયો છે. તેઓ વર્ષોથી સુરત, તાપી, નર્મદા સહિતના આદિવાસી જિલ્લાઓની બાળાઓને શિક્ષા આપવાનું કામ કરી રહ્યા છે. અહીંની સરદાર કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને ભણતરની સાથે સાથે જીવન માટેના બુનિયાદી શિક્ષણના પાઠ ભણાવવામાં આવે છે.