વડા પ્રધાન મોદીએ તાજેતરમાં મન કી બાતમાં ‘કિતાબોવાલી દીદી’નાં વખાણ કર્યાં હતાં. આ કિતાબોવાલી દીદી એટલે મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાં માધ્યમિક સ્કૂલમાં ટીચર તરીકે સેવા આપતાં ઉષાદેવી. ઉષાદેવી ગલી-શેરીઓમાં જઈને જઈને બાળકોને ભણાવે છે. લોકડાઉનમાં જ્યારે સ્કૂલ બંધ થવાથી બાળકોના અભ્યાસ પર અસર થવા લાગી ત્યારે તેમણે પોતાની સ્કૂટીને જ એક લાઈબ્રેરી બનાવી દીધી. રોજ સવારે ચાર કલાક સુધી બાળકો સાથે રહીને તેમણે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું.
દરેક વિષયોનાં આશરે ૧૦૦ પુસ્તક
શાળાઓ બંધ હતી તે દરમિયાન બાળકો તેમની કિતાબોવાલી દીદીની રાહ જોતા હતા. એ પછી હજી કિતાબોવાલી દીદી પોતાની લાયબ્રેરી લઈને નીકળે છે. જેવી સ્કૂટીનો અવાજ આવે કે બાળકો દોડી જાય. સ્કૂટીવાળી આ લાઈબ્રેરીમાં વિજ્ઞાનથી લઈને અન્ય વિષયોનાં ૧૦૦ પુસ્તકનો સમાવેશ કરાયો છે. આ હાલતી-ચાલતી લાઈબ્રેરી થી બાળકોની સાથે તેમના વાલીઓ પણ ખુશ છે. ઉષાદેવી આશરે છેલ્લા ૨ મહિનાથી ગલીઓમાં જઈને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવાના પ્રયત્નો કરે છે. દરેક ગલીમાં આશરે ૧૫ થી ૨૦ બાળકો અલગ-અલગ પુસ્તક માંથી વાંચે છે. સાથે જ તેઓ ઇંગ્લિશ બોલતા પણ શીખી રહ્યાં છે.
એકથી આઠ ધોરણના બાળકો માટે પુસ્તકો
આ અનોખી પહેલ વિશે શિક્ષિકા ઉષાદેવીએ કહ્યું કે, લોકડાઉનને લીધે બાળકોના અભ્યાસ પર ઘણી અસર પડી છે. તેવામાં આ લાઈબ્રેરીથી બાળકોને ઘણી મદદ મળી છે. હવે બાળકો પણ મારી રાહ જુએ છે. આ લાઈબ્રેરીમાં ૧ થી ૮ ધોરણના બાળકો માટે બધા પુસ્તક છે. ચાર કિ.મી.ના વિસ્તારના બાળકોને ઉષા દેવી આ પુસ્તકો આપે છે. પુસ્તકો આપીને જે-તે વિષય પર ચર્ચા પણ થાય છે.