આજકાલ યુવાપેઢીમાં બીડેડ જવેલરીનો ક્રેઝ જોવા મળે છે. બીડ્સનો અર્થ થાય વિવિધ પ્રકારના મોતી, જે અલગ અલગ આકાર અને રંગના હોય છે. આને દોરામાં પરોવીને તમે કોઇ પણ જવેલરીનો ઓપ આપી શકો છે. પછી ભલે બ્રેસલેટ હોય, ઇયરિંગ્સ, નેકલેસ કે પછી ડ્રેસ. તમારી પસંદ અનુસાર બીડ્સ કોઇ પણ વસ્તુ સાથે ફિટ બેસે છે.
આ બીડ્સનો આકાર પણ સમય અનુસાર ઘણું મહત્વ ધરાવે છે. તમારા ગળાને ચપોચપ ઝીણા મોતીની માળા કે પછી મોટા મોતીની લાંબી માળા, બન્ને તમને ખાસ લુક આપે છે. તમારા નાજુક કાંડા પર તમે કેટલા મોટા બીડ્સ અને તેની કેટલી સેર લગાડશો એ તમે જાતે નક્કી કરી શકો છો. આવી જ રીતે તમારા ડ્રેસને ખાસ બનાવવા માટે ગોલ્ડન અને સિલ્વર બીડ્સનો ઉપયોગ કરી શકો છો.
• ઇયરિંગ્સઃ હાલ યુવતીઓથી માંડીને ગૃહિણીઓમાં પણ બીડેડ હૂપ ઇયરિંગ્સની બોલબાલા વધી છે. બીડેડ હૂપ ઇયરિંગ્સમાં સાઇઝ ભલે નાની કે મોટી હોય, પણ એનો લુક અફલાતૂન લાગે છે. બીડેડ હૂપ ઇયરિંગ્સ તમારા ડ્રેસિંગને પણ વધારે આકર્ષક બનાવશે. ખાસ કરીને ફેસ્ટિવ સિઝનમાં મોટી સાઇઝની બીડેડ હૂપ ઇયરિંગ્સ તમારા આઉટફિટ માટે પરફેક્ટ એક્સેસરીઝ સાબિત થશે. ટ્રેન્ડીની સાથે આ ઇયરિંગ્સ તમને ગોર્જિયસ લુક આપે છે.
• બીડેડ બ્રેસલેટઃ બીડેડ બ્રેસલેટ સ્કવેર, રાઉન્ડ કે પછી અલગ અલગ આકારમાં પસંદ કરી શકો છો. તમે ઇચ્છો તો નાના અને મોટા બીડ્સનું કોમ્બિનેશન કરીને મનગમતાં અવનવાં બ્રેસલેટ તૈયાર કરી શકો છો. જો તમને બીડ્સનું કોમ્બિનેશન ન ગમતું હોય તો સિંગલ કલરના બીડ્સ પણ પસંદ કરી શકો છો. યુવતીઓમાં બીડની મલ્ટિકલર બંગડીઓનો સેટ પણ બહુ લોકપ્રિય છે.
• નેકલેસઃ નેકલેસ આઉટફિટને એથનિક લુક આપે છે. યુવતી પોતાની પસંદગી પ્રમાણે બંધ ગળાનો કે લાંબો બીડેડ નેકલેસ પહેરીને સ્ટાઇલિશ લુક મેળવી શકે છે.