વોશિંગ્ટનઃ કોરોનાકાળમાં વર્કફોર્સમાં મહિલાઓની સંખ્યા ભલે ઘટી હોય, પરંતુ આશાજનક તથ્ય એ છે કે એમબીએ (માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ના અભ્યાસક્રમમાં ઉલ્ટી ગંગા વહી છે. એમબીએ કોર્સીસમાં મહિલાઓની સંખ્યામાં આ વર્ષે ૩૯ ટકા વધારો નોંધાયો છે. અમેરિકાના ફોર્ટે ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર ૫૬ બિઝનેસ સ્કૂલમાં ૪૧ ટકા મહિલાઓ ફુલટાઇમ એમબીએ કોર્સીસમાં જોડાઇ છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આ ઘણો હકારાત્મક સંકેત છે. તેનાથી આગામી સમયમાં વર્કફોર્સ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વમાં વધારો થશે. એમબીએ કોર્સીસમાં ૨૦ વર્ષમાં પહેલીવાર મહિલાઓનું એનરોલમેન્ટ ૪૧ ટકા જેટલું વધ્યું છે. અમેરિકાની બે-તૃતિયાંશ બિઝનેસ સ્કૂલમાં મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આમાંથી પણ ૧૦ બિઝનેસ સ્કૂલમાં તો મહિલાઓની સંખ્યામાં લગભગ ૪૫ ટકાનો વધારો થયો છે.
ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ છેલ્લાં ૧૦ વર્ષમાં અમેરિકાની એકેય બિઝનેસ સ્કૂલમાં મહિલાઓની સંખ્યાનો આંકડો ક્યારેય ૪૫ ટકાથી વધ્યો નથી, પણ આ વર્ષે પ્રતિષ્ઠિત વોશિંગ્ટન સ્કૂલ ઓફ બિઝનેસ, યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયાની વોર્ટન સ્કૂલ અને જોન હોપકિન્સ બિઝનેસ સ્કૂલમાં મહિલાઓની સંખ્યા ૫૦ ટકાથી વધુ થઇ ગઇ છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આ ટ્રેન્ડ જોતાં લાગે છે કે ૨૦૩૦ સુધીમાં વર્કફોર્સમાં લીડરશિપમાં જાતિ સમાનતા આવી જશે.
ફોર્ટે ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર કોરોનાકાળમાં ઘણા સેક્ટર્સમાં મહિલાઓએ નોકરી ગુમાવવી પડી. એવામાં ઘણી મહિલાઓએ સ્કિલ ડેવલપમેન્ટના લક્ષ્ય સાથે એમબીએ કોર્સીસ પસંદ કરી બિઝનેસ સ્કૂલ્સમાં મોટી સંખ્યામાં એડમિશન લીધાં છે.