લંડન: પુસ્તક માટેના સર્વશ્રેષ્ઠ બુકર પ્રાઈઝની સ્પર્ધામાં આ વખતે હિલેરી મેન્ટલ, એની ટેલર અને કીલે રીડ જેવી પ્રખ્યાત લેખિકા સામેલ છે.
તો ભારતવંશી અવની દોશીની પ્રથમ નવલકથા ‘બર્ન્ટ સુગર’ને પણ અંતિમ ૧૩માં સ્થાન મળી ગયું છે. ૧૫ સપ્ટેમ્બર પહેલા ટોપ-૬ નવલથા પસંદ કરાશે, અને પછી નવેમ્બરમાં વિજેતાના નામની જાહેરાત થશે. આ વખતે નોમિનેશનમાં જે ૯ મહિલા છે, તેમાંથી આઠની તો સાહિત્ય જગતમાં પ્રથમ પ્રસ્તુતિ છે. હિલેરી મેટન્લની રચના ‘ધ મિરર એન્ડ ધ લાઈટ’ થોમસ ક્રોમવેલ સીરિઝની ત્રીજી નવલકથા છે. પુસ્તક ક્રોમવેલના જીવનના ઉત્તરાર્ધ પર છે. ૧૭૫ પાનાનું આ પુસ્તક બ્રિટનમાં ચર્ચિત છે. ક્રોમવેલ ૧૫૩૨-૪૦ સુધી ઇંગ્લેન્ડના કિંગ હેનરીના આઠમા ચીફ મિનિસ્ટર હતા. લોયર અને રાજનેતા ક્રોમવેલ સુધારા અને પુનર્ગઠનના તરફદાર હતા. આ પછી તેમને ફાંસી આપી દેવાઈ હતી. હિલેરી જો વિજેતા બને છે તો ત્રણ વખત બુકર જીતનારી પ્રથમ લેખિકા બનશે. તે ૨૦૦૯માં ‘વુલ્ફ હોલ’ અને ૨૦૧૨માં ‘બ્રિન્ગ અપ ધ બોડીઝ’ માટે એવોર્ડ જીતી ચૂકી છે. બંને પુસ્તકો થોમસ ક્રોમવેલ સીરીઝની હતી. આ જ રીતે એની ટેલરનું ‘રેડ હેડ બાય ધ સાઈડ ઓફ ધ રોડ’ અને કીલે રીડનું પુસ્તક ‘સચ અ ફન એજ’ પણ સ્પર્ધામાં છે. બુકર પ્રાઇઝ વિજેતાને ઈનામમાં ૬૪,૦૦૦ ડોલર મળશે.
આ વખતે લકી થર્ટીનમાં ૬ અમેરિકન લેખક છે, ત્રણ અન્ય પાસે અમેરિકાની નાગરિકતા છે. આ પ્રતિષ્ઠિત બ્રિટિશ સાહિત્યિક પુરસ્કારમાં અમેરિકનનો પ્રવેશ હંમેશાં વિવાદનું કારણ બન્યો છે. ૨૦૧૪માં અમેરિકન લેખકોની ભાગીદારી સ્વીકારવામાં આવી. આ પછી સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વેને પણ સામેલ કરાયા. ૨૦૧૯માં માર્ગરેટ એટવૂડ (‘ધ ટેસ્ટામેન્ટ્સ’) અને બર્નારડાઈન ઈવારિસ્ટો (‘ગર્લ, વુમન, અધર’)ને સંયુક્ત રીતે બુકર પ્રાઈઝ અપાતાં જ્યુરીની મજાક ઉડાવાઈ હતી.
અવની દોશીની ‘બર્ન્ટ શુગર’: મેમરી લોસનો શિકાર માતા અને પુત્રીના ગુંચવાયેલા સંબંધની વાર્તા
ન્યૂ જર્સીમાં જન્મેલી અવની દોશી મુંબઈમાં રહે છે. તેનું પુસ્તક ‘બર્ન્ટ શુગર’ ભારતમાં ‘ગર્લ ઈન વ્હાઈટ કોટ’ નામથી પ્રકાશિત થયું છે. પુસ્તકમાં મેમરી લોસનો ભોગ બનેલી એક માતા અને તેની પુત્રીના ગુંચવાયેલા સંબંધોની લાગણીપૂર્ણ વાર્તા છે. આ વાર્તાનો પ્લોટ કંઈક એવો છે કે, તેની માતા ગેસ બંધ કરવાનું ભૂલી જાય છે. તેને યાદ નથી કે તેનાં તમામ મિત્રો પણ મરી ગયા છે. આમ છતાં તે બીમારીને પણ સ્વીકારવા તૈયાર નથી. માતા તારા અને પુત્રી અંતરા સંબંધોના કપરા સમયમાંથી પસાર થાય છે. અંતરા પર તેની પુત્રી અને પતિની પણ જવાબદારી છે. પોતાનો પરિવાર, માતા અને તેની બીમારી. આ એક લવ સ્ટોરી, દગાની સ્ટોરી કોઈ પ્રેમી-પ્રેમિકા વચ્ચે નહીં પરંતુ માતા પુત્રી વચ્ચેની છે.