મેલબોર્નઃ એથ્લેટિક્સમાં મોટા ભાગના ખેલાડીઓ ૪૦ વર્ષની ભાગે રમતના મેદાનમાંથી નિવૃત્તિ લઇ લેતા હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયાની સિનેડ ડાઇવર ૪૪ વર્ષની વયે રમતજગતના મહાકુંભ ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે. બે બાળકોની માતા સિનેડનો બે અન્ય સાથીઓ સાથે ઓસ્ટ્રેલિયાની મેરેથોન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેયની સંયુક્ત વય ૧૧૮ વર્ષની છે. આયરીશ મૂળની સિનેડ ઓલિમ્પિકમાં પદાર્પણ કરનાર ઓસ્ટ્રેલિયાની સૌથી વધારે વયની એથ્લીટ બનશે. ૪૨ વર્ષીય એક અન્ય માતા લિસા વેટસમેન ચોથી વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે. જ્યારે ૩૨ વર્ષીય એલી પેશલે ટીમની સૌથી નાની વયની ખેલાડી છે.
ઓસ્ટ્રેલિયાની આ મેરેથોન ટીમ તેના બેસ્ટ ફોર્મમાં છે અને ટોચની આઠ ટીમમાં સામેલ છે. ઇજાના કારણે સિનેડ ચાર વર્ષ પહેલાંની રિયો ઓલિમ્પિકમાં ભાગ લઇ શકી નહોતી. સિનેડ છેલ્લી બે લંડન મેરેથોનમાં સાતમા અને આઠમા ક્રમે રહી હતી.
ઓલિમ્પિકમાં સૌથી વધારે વયની ખેલાડીનો રેકોર્ડ બ્રિટનની લોર્ના જોનસ્ટોનના નામે છે, જેણે ૧૯૭૨ની ઓલિમ્પિકમાં ૭૦ વર્ષ અને પાંચ દિવસની વયે હોર્સ રાઇડિંગ (એક્વેસ્ટેરિયન) ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
ઓલિમ્પિકમાં સૌથી વધારે વયે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ અમેરિકાની તીરંદાજ લિડા પેટન (એલિઝા પોલોક)ના નામે છે. લિડાએ ૧૯૦૪ની ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તેની વય ૬૩ વર્ષ અને ૩૩૩ દિવસની હતી. તેણે આ મેડલ ટીમ ઇવેન્ટમાં જીત્યો હતો. જોકે વ્યક્તિગત ગોલ્ડ જીતવાનો રેકોર્ડ બ્રિટનની તીરંદાજ ક્વિની ન્યૂવેલના નામે છે જેણે ૫૩ વર્ષ અને ૨૭૫ દિવસની વયે (૧૯૦૮ ઓલિમ્પિક) ગોલ્ડ મેડલ જીત્યો હતો.