બડવાની (મધ્ય પ્રદેશ)ઃ રેવા નામની મહિલા મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના ગંધાવલ ગામમાં રહે છે. પોતે નિરક્ષર છે, પરંતુ તેમણે છ વર્ષ પહેલાં શરૂ કરેલું કામ આજે રાજ્યના ૪૩૫ ગામમાં ફેલાયેલું છે. આ સંસ્થા અત્યાર સુધીમાં ૧૭ કરોડ રૂપિયાની લોન આપી ચૂકી છે. ૫૬ હજાર મહિલાઓ તેની સાથે જોડાયેલી છે. રેવાના કામની કથા તેમના શબ્દોમાં જ જાણો...
વાત ૨૦૧૦ની છે. વાવણી માટે પૈસા નહોતા. ગામની કેટલીક મહિલાઓએ સાથે મળીને બેંક લોન માંગી, પણ બેન્ક દ્વારા અમને ના પાડી દેવામાં આવી કારણ કે અમારી પાસે કોઈ ગેરેન્ટર નહોતા અને ગિરવે મૂકવા માટે જમીન કે દાગીના પણ નહોતા.
આ સમયે અમે મહિલાઓનું એક ગ્રૂપ બનાવ્યું અને એકબીજાની મદદ કરવા લાગ્યા. શરૂઆતમાં ૫-૫ રૂપિયા અને પછી ૧૦-૧૦ રૂપિયા એકઠા કર્યા. કામ વધતા ગ્રામીણ આજીવિકા મિશનને તેની જાણ થતાં ત્યાંથી પણ થોડીક મદદ મળી. આ પછી અમે સમૃદ્ધિ સ્વાયત્ત શાખ સહકારી સંસ્થાની સ્થાપના કરી. ૨૦૧૧માં તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું. હવે આ સહકારી સંસ્થા જ અમારી બેન્ક હતી. બચતથી જે પૈસા આવે તે જરૂરિયાતમંદોને લોન પેટે આપવામાં આવતા. મંડળીમાં મહિલાઓને સાથે જોડવાનું કામ ચાલતું રહ્યું.
આજે સહકારી મંડળી સાથે ૫૬ હજાર મહિલાઓ જોડાયેલી છે. ૪૩૫ ગામમાં સંસ્થાની શાખા છે. આજ સુધીમાં અમારી સંસ્થા ૧૭ કરોડ રૂપિયાની લોન આપી ચૂકી છે. અહીં વધુ ભણેલા લોકો નથી, પરંતુ હિસાબના બધા પાક્કા છે. કોઈ ડિફોલ્ટર નથી. હજુ અમારી કુલ જમા રકમ ૧૨.૫૦ કરોડ છે. હવે તો એવા ગામમાં પણ શાખા ખૂલી ગઈ છે જ્યાં વીજળી પણ પૂરતી નથી મળતી, પણ મહિલાઓને લોન મળે છે.
આ ચળવળ આર્થિક ક્રાંતિ જેવી છે. પહેલા લોકો નાની-મોટી લોન માટે બેંક પર આધારિત હતા હવે તેમની પોતાની બેંક છે. અન્ય મહિલાઓને પણ લોન આપે છે.