ઘરની સાજ-સજાવટમાં ફર્નિચરની સાથે સાથે બેડ પરની બેડશીટનું પણ મહત્ત્વ હોય છે. બેડરૂમની વોલના રંગ સાથે મેચ થતી હોય તેવી, ફર્નિચરની ડિઝાઈનની સાથે મેળ ખાતા હોય એવાં રંગની અને પાછું આરામદાયક મટીરિયલ હોય એવી બેડશીટની પસંદગી કરવી જોઈએ. બજારમાં બેડશીટની અવનવી વેરાયટીઓ જોવા મળે છે, પણ આપણા બેડરૂમમાં કેવી બેડશીટ જોઈશે એ પ્રશ્ન લગભગ મોટાભાગની મહિલાઓને સતાવતો રહે છે. જોકે બેડરૂમમાં કેવી બેડશીટ જોઈએ એ અંગે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.
પ્રકાર અને ડિઝાઈન
યુવાનો માટેના બેડરૂમ માટે જો બેડશીટ ખરીદવાની હોય તો તેમાં ગુલાબી, લવંડર જેવા રંગનો ઉપયોગ કરવો. કપલ માટે બ્રાઇટ અને બોલ્ડ કલર એક સુંદર વિકલ્પ છે. જો વારંવાર કાળજીથી બેડશીટ બદલાવાની ન હોય તો ડાર્ક રંગની બેડશીટ પસંદ કરવી. બાળકોના બેડરૂમ માટે જો બેડશીટ ખરીદવાની હોય તો એનિમલ, ફ્લોરલ, ગ્રાફિક્સ ડિઝાઇન બેસ્ટ ઓપ્શન છે.
કોટન બેડશીટ
કોટન બેડશીટ બેડરૂમમાં પાથરવાનો ફાયદો એ છે કે તે કોઈ પણ પ્રસંગે અને કોઈ પણ મોસમમાં પાથરી શકાય છે. કોટન બેડશીટમાં પ્યોર કોટન, મિક્સ કોટન, હેન્ડલુમ કોટન વગેરે મળી રહે છે. કોટનની બેડશીટ પસંદ કરતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કાપડ સંકોચાઈ ન જાય. જો તમને બેડરૂમને અનુરૂપ પણ કાપડ સંકોચાય તેવી બેડશીટ મળે તો બેડની સાઇઝથી થોડી મોટી બેડશીટ લેવી. કોટન બેડશીટમાં ફ્લાવર પ્રિન્ટ, બાટીક પ્રિન્ટ, ગામઠી પ્રિન્ટ, ટ્રાઈબલ પ્રિન્ટ જેવી અનેક ડિઝાઈનો જોવા મળે છે.
સિલ્ક બેડશીટ
આજકાલ સિલ્કની બેડશીટનો ટ્રેન્ડ વધુ જોવા મળે છે. જોકે કોઈ ખાસ અવસર માટે કે તહેવાર માટે જ સિલ્કની બેડશીટની ખરીદી કરી શકાય. સિલ્કની બેડશીટ સુંદર ઉઠાવ આપે છે, પણ સિલ્કની બેડશીટ વારંવાર ધોવાથી જલદી ખરાબ પણ થઈ જાય છે. તેથી તેને ઘરે ન ધોતાં ડ્રાયક્લિન કરાવવી જોઈએ. સિલ્ક બેડશીટમાં મોટાભાગે પ્લેન અથવા ચેક્સની ડિઝાઈન વધુ સારી લાગે છે. સિલ્ક બેડશીટમાં ફ્લોરલ પ્રિન્ટ પણ સારી લાગે છે..
પોલિસ્ટર બેડશીટ
બેડશીટની પસંદગી કરતી વખતે ફેબ્રિકનું પણ ખાસ ધ્યાન રાખવું જઈએ. ખાસ કરીને તમને સારી ઊંધ આવે એવા મટીરિયલની જ બેડશીટનો જ ઉપયોગ કરવો. પોલિસ્ટર બેડશીટમાં દરેકને સારી ઊંઘ આવે એ જરૂરી નથી. જોકે આ કાપડ થોડું ગરમ પણ ગણાય છે તેથી ઠંડકમાં પોલિસ્ટરની બેડશીટ પાથરવી યોગ્ય લાગે.
ખાદી બેડશીટ
ખાદીની બેડશીટ ખરીદતી વખતે થ્રેડ કાઉન્ટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. થ્રેડ કાઉન્ટ એટલે કે બેડશીટની ગૂંથણી. તેની દોરીની ગૂંથણી પર બેડશીટની મજબૂતાઈનો આધાર રહે છે. ગૂંથણી સારી હોય તો બેડશીટ મુલાયમ અને આરામદાયક પણ હોય છે.