બ્રસેલ્સઃ બેલ્જિયમની હિલ્ડે ડોસોને વીતેલા વર્ષમાં એક અનોખી ઉપલબ્ધિ હાંસલ કરી છે. હકીકતમાં તેમણે 2024ના દરેક દિવસે એક મેરેથોન દોડી છે. આ દરમિયાન આશરે 15,444 કિલોમીટરનું અંતર પૂરું કર્યું છે, અને આ સાથે જ તે આમ કરનારી પ્રથમ મહિલા બની ગઈ છે.
વ્યવસાયે એન્જિનિયર 55 વર્ષીય ડોસોને દરરોજ બપોર સુધી દોડતી હતી અને તેની ઝડપ 10 કિમી પ્રતિ કલાક રહેતી હતી. તો સતત ઉર્જાવાન રહેવા માટે ભરપૂર ઊંઘ લેતી હતી. તેની દીકરી લુસી જણાવે છે કે એક દિવસ 27 કિમી દોડ્યા પછી તેમની આંગળી ડિસલોકેટ થઇ જતાં તેને મેરેથોન અટકાવવા ફરજ પડી હતી. આ પછી રેકોર્ડના માપદંડોનું પાલન કરવા માટે તેણે નવેસરથી મેરેથોન દોડવાનું શરૂ કર્યું હતું અને તે દિવસનો ટાર્ગેટ પૂરો પણ કર્યો હતો.
બ્રેસ્ટ કેન્સર રિસર્ચ માટે ચેરિટી
વિશ્વ વિક્રમ રચવાનો દાવો કરનાર ડોસોને પોતાના પરાક્રમના દસ્તાવેજો ગિનેસ રેકોર્ડની ટીમને મોકલી દીધા છે, પણ ત્યાંથી સત્તાવાર માન્યતા મળવાની બાકી છે. મેરોથોન દરમિયાન ડોસોને બ્રેસ્ટ કેન્સર રિસર્ચ માટે નાણાં એકઠા કર્યા છે. તેણે કુલ રૂ. 53 લાખ એકત્ર કર્યા છે. ડોસોન પોતાની સામે આવેલા પડકારો વિશે જણાવે છે કે શારીરિક તકલીફોથી વધુ પડકારજનક માનસિક પડકાર સામે લડવાનું છે.