બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર : મિતાલી રાજ

પ્રથમ ભારતીય મહિલા

- ટીના દોશી Wednesday 05th February 2025 04:59 EST
 
 

એના નામ સાથે જોડાયેલાં પ્રથમની યાદી તો જુઓ : આયર્લેન્ડ સામે ૧૯૯૯માં પ્રથમ વન ડે મેચમાં શતક બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર, ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ, જૂન ૨૦૧૮માં ટવેન્ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦૦થી વધુ રન બનાવનાર પહેલી ભારતીય બલ્લેબાજ, એક દિવસીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં ૬૦૦૦ રન પાર કરનાર એકમાત્ર મહિલા ક્રિકેટર, લગાતાર સાત અર્ધશતક બનાવનાર પ્રથમ ક્રિકેટર, એકમાત્ર ક્રિકેટર જેણે એકથી વધુ આઈસીસી ઓડીઆઈ વિશ્વ કપ ફાઈનલમાં - ૨૦૦૫ અને ૨૦૧૭માં ભારતનું નેતૃત્વ કર્યું હોય, જેણે ૧૫૦થી વધુ વન ડે મેચમાં કપ્તાની કરનાર દુનિયાની એકમાત્ર મહિલા ક્રિકેટર, વર્લ્ડ કપ ફાઈનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ અઠ્ઠાવીસ મેચ રમનારી દુનિયાની પહેલી ખેલાડી.... કહો જોઉં, એ કોણ છે ?
મિતાલી રાજને મળો.... લેડી સચિન તેંડુલકર તરીકે પણ જાણીતીછે મિતાલી રાજ. ભારત સરકારે મિતાલીને ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૪ના અર્જુન એવોર્ડથી પુરસ્કૃત કરેલી. ૨૦૧૫માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી એને સન્માનિત કરેલી અને ૨૦૨૧માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવેલી.
મિતાલી રાજનો જન્મ ૩ ડિસેમ્બર ૧૯૮૨ના રાજસ્થાન સ્થિત જોધપુરમાં એક તમિળ પરિવારમાં થયેલો. માતા લીલા રાજ.પિતા દોરાઈ રાજ. ભાઈ મિથુન સાથે મિતાલી ક્રિકેટ રમતી. હૈદરાબાદ સ્થિત સેન્ટ જહોન્સ સ્કૂલમાં ક્રિકેટનું પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું. સિકંદરાબાદની કીઝ ગર્લ્સ હાઈસ્કૂલમાં ક્રિકેટની તાલીમ લીધી.
પિતા દોરાઈ રાજે મિતાલીને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહન આપ્યું. માત્ર દસ વર્ષની ઉંમરે મિતાલી રાજે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધેલું. જ્યોતિ પ્રસાદ, સંપત કુમાર અને વિનોદ શર્મા જેવા પ્રશિક્ષકના માર્ગદર્શનમાં મિતાલી ક્રિકેટ રમવા તૈયાર થઈ ગઈ. માત્ર ૧૪ વર્ષની ઉંમરે,૧૯૯૭માં મિતાલી રાજનો સમાવેશ મહિલા વિશ્વ કપ ક્રિકેટ ટીમમાં કરવામાં આવેલો. પણ અંતિમ ટુકડીમાં એને સામેલ કરાઈ નહોતી. એ પછી ૨૬ જૂન ૧૯૯૯ના સત્તર વર્ષની ઉંમરે ક્રિકેટર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. મિલ્ટન કિનેસ, આયર્લેન્ડમાં પોતાની પહેલી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં મિતાલી રાજે નોટ આઉટ રહીને ૧૧૪ રન બનાવ્યા. આ રીતે પ્રથમ મેચમાં જ સોથી વધુ રન બનાવીને મિતાલીએ વિક્રમ સર્જ્યો. એ પછી ૧૭ જાન્યુઆરી ૨૦૦૨ના લખનઉમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ રમીને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું.
મિતાલી રાજની ક્રિકેટ કારકિર્દી સડસડાટ આગળ વધી રહેલી. ક્રિકેટ કેપ્ટન તરીકે ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૨માં આઈસીઆઈસી વર્લ્ડ રેંકિંગમાં મિતાલી રાજે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું. મિતાલી એક દિવસીય મેચમાં અને ટવેન્ટી ટવેન્ટીમાં ભારત માટે સૌથી વધુ મેચોમાં કપ્તાની કરનારી પહેલી ખેલાડી છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં મિતાલી રાજ મહિલા વન ડે ક્રિકેટમાં ૫૫૦૦ રન બનાવનારી બીજી ખેલાડી બની. જુલાઈ ૨૦૧૭માં એક દિવસીય મહિલા ક્રિકેટમાં ૬૦૦૦ રન બનાવનારી એ પહેલી ખેલાડી બની. મિતાલી રાજે ૨૦૧૭માં મહિલા ક્રિકેટ વિશ્વ કપ ફાઈનલમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું, જ્યાં ઇંગ્લેન્ડની ટીમથી માત્ર નવ રનથી પરાજિત થઈ. ડિસેમ્બર ૨૦૧૭માં મિતાલી રાજને આઈસીસી મહિલા વન ડે ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યર માટે નામાંકન મળેલું.
૮ જૂન ૨૦૨૨ના મિતાલી રાજે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો. ક્રિકેટની લાંબી કારકિર્દીમાં મિતાલીના મસ્તક પરના મુકુટમાં કલગીઓ ઉમેરાતી ગઈ. એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં સર્વાધિક ૧૦,૨૭૩ રન, વન ડે મેચ રમવાની સૂચિમાં સર્વાધિક ૨૩૨ મેચ સાથે સૌથી મોખરે, વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ ૨૧૪ રનનો સ્કોર, મિતાલી રાજની કપ્તાનીમાં ખેલાયેલી ૧૫૫ મેચમાંથી ૮૯ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો, આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં સૌથી અધિક અઠ્ઠાવીસ મેચમાં કપ્તાની કરવાનો વિક્રમ, વિશ્વ કપમાં એક હજારથી વધુ રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર, મહિલા વન ડેમાં ૨૩૨ મેચોમાં સર્વાધિક ૭૮૦૫ રનનો રેકોર્ડ, જુલાઈ ૨૧૦૭માં ઇંગ્લેન્ડની ૫૯૯૨ રન બનાવનાર ક્રિકેટર શાર્લેટ એડવર્ડ્સનો રેકોર્ડ તોડીને સૌથી વધુ ૬૦૦૦ રન પાર કરનારી પહેલી ખેલાડી બની. જુલાઈ ૨૦૨૧માં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી ખેલાડી બની. ઇંગ્લેન્ડની ૧૦,૨૭૩ રન ફટકારનાર શાર્લેટ એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો. મહિલા ક્રિકેટમાં શાર્લેટ એડવર્ડ્સ પછી મિતાલી એકમાત્ર એવી ક્રિકેટર છે જેણે દસ હજાર રનનો આંકડો પાર કર્યો છે.... આટઆટલા વિક્રમ સર્જવાને પગલે જ કદાચ મિતાલી રાજનું લાડકું નામ લેડી સચિન તેંડુલકર પડ્યું છે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter