સામાન્ય રીતે એવી માન્યતા પ્રસરી હોય કે ટોપ કુર્તી કે ટ્યુનિક સાથે માત્ર જીન્સ કે કોટન પેન્ટ્સ જ પહેરી શકાય, પણ હવે નવી-નવી સ્ટાઇલનાં પેન્ટ ટ્રેન્ડમાં છે ત્યારે એની સાથે શું મેચ કરવું એ જાણવું પણ જરૂરી છે. હાલમાં ઘણી જુદી-જુદી પેટર્નનાં પેન્ટ બજારમાં આવ્યાં છે જેના પર ટોપ પહેરવામાં મોટા ભાગની યુવતીઓ કનફ્યુઝ થઈ જાય છે, કારણ કે આ પેન્ટની ડિઝાઇન નોર્મલ કરતાં જુદી હોવાને લીધે એની સાથે રેગ્યુલર કુર્તી, શર્ટ કે ટોપ તો નહીં જ સારાં લાગે. આવામાં જો પરફેક્ટ મેચ ન હોય તો ફેશન-ફિયાસ્કો થઈ શકે છે. બેસ્ટ તો એ જ છે કે મેચ કરવામાં કન્ફ્યુઝન હોય તો એ પહેરવાનું અવોઇડ કરવું અને જો ફેશનમાં રહીને ટ્રેન્ડી લાગવું જ હોય તો જાણી લો કે કેવા બોટમવેર સાથે કેવું ટોપ મેચ કરી શકાય.
ધોતી પેન્ટ
ધોતી પેન્ટ આજકાલ ખૂબ જ ડિમાન્ડમાં છે અને એજ તેમ જ બોડીને ધ્યાનમાં ન રાખતાં બધા જ એનો ઉપયોગ કરી રહ્યા છે જે ખોટું છે. ધોતી પેન્ટ ખૂબ નાની હાઇટવાળી અને હેવી બોટમ ધરાવતી યુવતીઓ માટે નથી. ધોતી પેન્ટમાં હિપ્સની આજુબાજુ પ્લિટ્સ આવે છે જેને કારણે એ વધુ હેવી લાગે છે. એપલ શેપનું બોડી હોય તેમને આ પેન્ટ વધુ સારાં લાગે છે. ધોતી સાથે ટૂંકા ટોપ પણ પહેરી શકાય. એ સિવાય ટ્રાઇબલ પ્રિન્ટવાળી કુર્તી સારી લાગશે. પિયર શેપનું બોડી હોય તો એવી ધોતી સિલેક્ટ કરવી જે વધુ પડતી ફૂલેલી ન હોય તેમ જ હલકા, પાતળા ફેબ્રિકમાંથી બનેલી હોય.
જિપ્સી લૂઝ બોટમ પેન્ટ
આ લૂઝ બોટમ પેન્ટ સ્ટાઇલિશ લાગે છે અને લાંબી તેમ જ સ્લિમ યુવતીઓ માટે બેસ્ટ રહેશે. આ પેન્ટ એન્કલ પાસે ટાઇટ અને આખાં લૂઝ હોય છે. થાઇસ પાસે આ પેન્ટ વધુ લૂઝ હોય છે. હિપ્સ અને થાઇઝનો પાર્ટ હેવી હોય તો આ પેન્ટ ન પહેરવું. જિપ્સી પેન્ટ ટૂંકા જેકેટ અને ફિટેડ ટોપ સાથે સારું લાગશે. આ પેન્ટ સાથે સ્ટાઇલિશ બેલ્ટ અને કમર પર ઉપરની બાજુએ પણ મોટો બેલ્ટ પહેરી શકાય. આ લુક મિડલઈસ્ટ ઇન્સ્પાયર્ડ છે.
પલાઝો બોટમવેર
પલાઝો પેન્ટ સ્ટ્રિક્લી લાંબી છોકરીઓ માટે જ છે. પલાઝો પેન્ટ સ્ટાઇલિશ લાગે છે અને ફોર્મલવેઅર તરીકે પણ પહેરી શકાય છે. જમીન સુધીની લંબાઈના આ ટ્રાઉઝરમાં પ્લિટ્સ એકસરખા અંતરે અને યુનિફોર્મ હોય છે તેમ જ આ ટ્રાઉઝર સિંગલ કલરમાં જ મળે છે. ફોર્મલ બ્લાઉઝ પેન્ટમાં ઇન કરીને અને સ્લીવલેસ ટોપ્સ પણ પહેરી શકાય. થોડા ટ્રેન્ડી રંગો અને પોલકા ડોટ્સ જેવી પેટર્નનાં ટૉપ્સ સારાં લાગશે. આ લુક ૭૦ના દાયકાથી ઇન્સ્પાયર્ડ છે.
સ્લિમ ફિટ પેન્ટ્સ
આ પેન્ટના કલર સામાન્ય રીતે ડાર્ક જ પસંદ કરવા. પેન્ટ પ્રોપર ફિટિંગવાળા સ્લીવલેસ ટોપ સાથે પહેરવામાં આવે ત્યારે બેસ્ટ લાગે છે. સ્લિમ પેન્ટ સાથે કુર્તી કે શર્ટ સારાં લાગે. ટૂંકું જેકેટ આ પેન્ટ સાથે પહેરવું ટાળવું. ડેનિમનું જેકેટ, ખાખી પેન્ટ અને લેધરનો બેલ્ટ પર્ફેક્ટ ફેશન-સ્ટેટમેન્ટ બનશે.
કલર્ડ પેન્ટ
કલરફુલ પેન્ટ સાથે શું મેચ કરવું એ થોડું અગવડભર્યું બની શકે છે. કલર્ડ પેન્ટને બેઝિક વાઇટ બ્લાઉઝ કે બ્લેક ટેન્ક ટોપ અથવા શોર્ટ ટેપ સાથે મેચ કરો. દિવસના સમયે કલર્ડ પેન્ટને વાઇટ કે ન્યુડ શેડના શર્ટ સાથે પહેરી શકાય જેમાં કોલર યોગ્ય રીતે ઊભા રહેતા હોય અને સ્લિવ ફોલ્ડ કરેલી હોય. પેન્ટ બ્રાઇટ અને બોલ્ડ છે એટલે તમે આકર્ષણનું કેન્દ્ર બનશો એટલે બીજી કોઈ પણ એક્સેસરીનો રંગ બ્રાઇટ ન હોય એનું ખાસ ધ્યાન રાખવું. બાકીની ચીજોનો રંગ ન્યુડ શેડમાં તેમ જ ડલ હોવો જોઈએ. ન્યુડ બેલેરીના અને એવિયેટર સનગ્લાસિસ આ સ્ટાઇલ સાથે સૂટ થશે. જો ઓરેન્જ કલરનું ડેનિમ પહેરવાના હો તો ઓફિસવેઅરમાં વાઇટ કોટનનું ફિટેડ શર્ટ પહેરી શકાય. પેન્ટ કલરફુલ હોય ત્યારે બ્રાઉન, બેજ કે વાઇટ શૂઝ અથવા બેલ્ટ સાથે લુક કમ્પ્લિટ કરી શકાય.