વાતાવરણમાં ઠંડક થતાંની સાથે જ મહિલાઓને ત્વચા રૂક્ષ થવાની સમસ્યા નડવા લાગે છે. ત્વચાની કોમળતા જાળવી રાખવા માટે તથા સ્કિનને ફાટતી અટકાવવા માટે બોડી બટર અકસીર અને નવતર ઓપ્શન છે. હવે તો બ્યટીશિયનો ઘણી બધી બ્યુટી બ્રાન્ડ્ઝના બોડી બટર સજેસ્ટ પણ કરે છે. ઘણી જાણીતી બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ ત્વચાને ફાયદો કરાવતા અલગ અલગ તત્ત્વોમાંથી બોડી બટર બનાવે છે અને તે સ્ત્રીઓની સ્કિન નિખારવા માટે ખૂબ ફાયદાકારક રહે છે. બોડી બટર અન્ય લોશનની સરખામણીમાં થોડું ઘટ્ટ હોય છે. તે ખરીદતાં પહેલાં તેમાં વપરાયેલી સામગ્રીઓ પર ધ્યાન આપવું જરૂરી છે. જો એમાં તમારી ત્વચાને અનુકૂળ આવતાં તત્ત્વો હોય તો જ ખરીદવું.
ચોકલેટ બટર
રાત્રે સૂતા પહેલાં લગાવવામાં આવે તો તેની સુગંધ તમારી પાંચેય ઇન્દ્રિયોને રિલેક્સ કરી નાંખે છે તથા આખી રાત ત્વચા પર રહેવાને કારણે બીજે દિવસે તમારી સ્કિન ખીલી ઊઠશે અને તમે તાજગી અનુભવી શકો છો. આ બોડી બટર સામાન્ય અને સૂકી ત્વચા માટે શ્રેષ્ઠ પુરવાર થાય છે.
કોકો બોડી બટર
કોકો બટરમાં રહેલી હિલિંગ ઈફેક્ટને કારણે તે સ્ત્રીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તેમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ ત્વચાને હાનિકારક સૂર્યકિરણોથી બચાવે છે. જે સ્ત્રીઓને શરીર પર સ્ટ્રેચ માર્ક પડી ગયા હોય તેમની ત્વચા પર કોકો બટર ખૂબ ફાયદો કરે છે.
મેંગો બોડી બટર
મેંગો બોડી બટરમાં વિટામિન એ, ઈ અને બિટા કેરેટિન હોય છે. આ બટર ત્વચા પર પડેલા ઘા પર મલમનું કામ કરે છે. ફોર્ટી કે ફોર્ટી પ્લસ ઉંમર ધરાવતી સ્ત્રીઓએ મેંગો બટર ચામડી પર લગાવવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે તે ચામડી પર પડતી કરચલીઓ સામે પણ રક્ષણ આપે છે.
શિયા બોડી બટર
શિયા બોડી બટર મિડલ આફ્રિકામાંથી મળી આવતા શિયા નામના વૃક્ષના ફળમાંથી બને છે. તેમાંના તત્ત્વો ત્વચાને મુલાયમ બનાવે છે. આકરા તાપમાં પણ આ તત્ત્વો સારું કામ આપે છે. સૂર્યના હાનિકારક કિરણો સામે તે રક્ષણ આપે છે. ત્વચા સૂકી હોય તો ઓઈલ બેઝ્ડ બોડી બટર પસંદ કરવું જોઈએ એવું બ્યુટિશિયનોનું માનવું છે.