રેશમી સુવાળી ત્વચા કોને ન ગમે? જોકે ત્વચાની જેવી કાળજી રાખો એવી એ રહેશે. ખીલ, બ્લેકહેડ્ઝ, ડાઘ એ વાતનો સંકેત આપે છે કે તમે ત્વચાની યોગ્ય માવજત કરતા નથી. સંપૂર્ણ સ્વસ્થ ત્વચા માટે બોડી પોલિશિંગ જરૂરી છે અને તે ઘરે પણ થઈ શકે છે. અહીં એ માટેના કેટલાક ઉપાયો અને પ્રયોગો આપેલાં છે. તાજાં ફૂલ, ફળ, શાક, તેલ, એસેન્શિયલ ઓઈલ, દાળ, ચોખા, થૂલું, દહીં, દૂધ, છાશ, મીઠું, ખાંડ અને હર્બ્સનો ઉપયોગ બોડી પોલિશિંગ માટે કરી શકાય. આ ઉપરાંત બોડી પોલિશિંગ માટે તમને પ્યુમિક સ્ટોન જોઈએ. બોડી પોલિશિંગ માટે સૌથી મહત્ત્વનું એ છે કે તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને એ કરો.
બોડી પોલિશિંગ શું છે?
બોડી પોલિશિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં ત્વચાને મસાજ અને એક્સફોલિએટ કરવા માટે એબ્રેસિવ ક્રીમનો ઉપયોગ કરાય છે. કાળી થતી ગરદન, રૂક્ષ અંગો, તડકાને કારણે કાળી પડતી પીઠ, ખીલના ડાઘની સમસ્યા, કાળી કોણી, મેલા દેખાતાં ઘૂંટણોની સમસ્યાને દૂર કરવા બોડી પોલિશિંગ કરાય છે.
ખુલ્લા અંગો પર જ્યારે જરૂરત કરતાં વધારે ડેડ સ્કિમ જામી જાય છે ત્યારે બોડી પોલિશિંગની જરૂર પડે છે. એનાથી આખા શરીરની ત્વચા એક સરખા રંગની થઈ જાય છે. બોડી પોલિશિંગથી શરીરના ડાઘ-ધબ્બા દૂર થશે, શરીરમાં ચમક આવશે, બંધ રોમછિદ્રો ખૂલશે, ત્વચાની શુષ્કતા દૂર થશે અને લોહીનું પરિભ્રમણ વધશે.
કેવી રીતે કરી શકાય?
બોડી પોલિશિંગ માટે સૌથી પહેલાં હુંફાળા પાણીથી શાવર લો. એ પછી ૧૦-૧૫ મિનિટ ઓઈલ મસાજ કરો. હોમમેઈડ બોડી પોલિશિંગનો ઉપયોગ કરો. બદામ, અખરોટ, પીચ, પપૈયા, નારંગી, ગ્રેપસીડ ઓઈલ, ઓલિવ ઓઈલ ત્વચાને મોઈશ્ચર પૂરું પાડે છે. સિંધવ અને ખાંડયુક્ત બોડી પોલિશિંગ સામાન્ય ત્વચા માટે અસરકારક છે જ્યારે ગ્રીન ટી અને ફુદીનાયુક્ત બોડી પોલિશિંગ ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ફાયદાકરાક છે. બોડી પોલિશિંગ લગાડ્યા બાદ ૧૦-૧૫ મિનિટ સરક્યુલર મોશનમાં મસાજ કરો. જેમની ત્વચા બહુ ડ્રાય હોય એમણે ઓઈલ બેઝ્ડ બોડી પોલિશિંગનો ઉપયોગ કરવો જોઈએ.
• ગુલાબની પાંદડીનો સ્ક્રબ
શુષ્ક ત્વચા માટે આ સ્ક્રબ બેસ્ટ છે. અડધો કપ ગુલાબની પાંદડી, ૨/૩ કપ ઓલિવ ઓઈલ, ૧ ટે. સ્પૂન શિયા બટર, ૨-૩ ટીપાં એસેન્શિયલ ઓઈલ લો. એક બાઉલમાં બધી સામગ્રી બ્લેન્ડ કરી શરીર પર લગાવો, સ્ક્રબ કરી મસાજ કરો. ૧૦થી પંદર મિનિટ પછી હૂંફાળા પાણીથી સ્નાન કરી લો
• ઓરેન્જ-શુગર સ્ક્રબ
૧ નાની વાડકી સફેદ ખાંડ, ૧ નાની વાડકી સંતરાનો રસ, ૧ નંગ લીંબુનો રસ, ૧ ટે. સ્પૂન. સનફ્લાવર ઓઈલ લો. બધી સામગ્રી મિક્સ કરી હાથ-પગ પર લગાડી ખાંડ ઓગળે ત્યાં સુધી ઘસો. આ સ્ક્રબ ચહેરા અને ગરદન પર નહીં લગાડો. બ્રેસ્ટ અને પેટ પર આ સ્ક્રબ લાંબો સમય ઘસો નહીં. બહુ શુષ્ક અને ઈન ગ્રો હેરની સમસ્યાવાળી ત્વચા માટે એ ફાયદાકારક છે. મહિનામાં ઓછામાં ઓછા એક-બે વાર આ પોલિશિંગ કરવાથી ત્વચા સ્વસ્થ બનશે.
• ગ્રેપસીડ ઓઈલ પોલિશ
૧ વાડકી જવનો લોટ, ૧ ટે. સ્પૂન. સિંધવ, ૨ ટે. સ્પૂન. ગ્રેપસીડ ઓઈલ, એસેન્શિયલ ઓઈલ થોડાંક ટીપાં લો. બધી સામગ્રી મિક્સ કરીને શરીર પર લગાડો. પંદર મિનિટ સુધી સરક્યુલર મોશનમાં ઘસો અને પછી સ્નાન કરી લો. ગ્રેપસીડ ઓઈલમાં વિટામિન સી, ડી, અને ઈ હોવાથી એ શરીર પર બહુ અસરકારક છે. એ ડીપ ક્લિનઝિંગનું કામ કરે છે. એનાથી શરીરના સ્ટ્રેચ માર્ક્સ પણ દૂર થાય છે.
બોડી પોલિશિંગના ફાયદા
• લોહીનું પરિભ્રમણ વધારી ફ્લોલેસ રેડિયન્ટ લૂક આપે છે.
• ત્વચા પરથી મેલ, ખીલ, બ્લેકહેડ્સ દૂર કરે છે.
• માઈન્ડને રિલેક્સ કરી શરીરને રિજુવિનેટ કરે છે.
• ત્વચાને મોઈશ્ચરાઈઝ કરી ફાઈન લાઈન્સ સ્કિન થાય અને કરચલી ઘટાડે છે.
• તડકાથી થયેલા નુકસાનને ઘટાડે છે.
• મૃતકોષો કાઢી નવા કોષો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.