આજકાલ સહુ કોઇને સર્વાંગ સુંદર શરીરનું ઘેલું લાગ્યું છે. કેટલીક સ્ત્રીઓ આ માટે ઘરગથ્થુ ઇલાજ-ઉપચાર અજમાવે છે તો કેટલાંક વળી અંતિમ વિકલ્પ રૂપે કોસ્મેટિક સર્જરીનો પણ સહારો લે છે. સુંદર સુડોળ શરીરનો મોહ રાખવામાં ખોટું કંઇ નથી, પણ આ માટે આંધળી દોટ મૂકવાનું જોખમી પુરવાર થઇ શકે છે. સૌંદર્યનું જતન જરૂરી છે, પણ આ માટે બ્યુટી ટ્રીટમેન્ટ કે કોસ્મેટિક સર્જરીનો વિકલ્પ ક્યારેક જોખમી સાબિત થઇ શકે છે.
શરીરના જુદા જુદા ભાગોને યોગ્ય આકાર આપવા માટેની બ્યુટી ટ્રીટમેન્ટ કે કોસ્મેટિક સર્જરી પૂરેપૂરી સલામત હોય એની કોઈ ગેરન્ટી નથી. આ વિકલ્પનો ઉપયોગ સમજીવિચારીને કરવો રહ્યો. ક્યા પ્રકારની શારીરિક સમસ્યાઓમાં કોસ્મેટિક સર્જરી શક્ય છે, તેનાથી શારીરિક સૌંદર્યમાં શું ફરક પડે છે અને એમાં શું જોખમ છે તે અહીં ટૂંકમાં રજૂ કર્યું છે.
• બોટોક્સઃ આ એક પેઇનલેસ ઈન્જેક્શન છે, જે તમારા ચહેરાની દરેક પ્રકારની કરચલીઓને ખતમ કરે છે.
ફાયદોઃ એ કપાળની કરચલીઓ, ક્રોફીટ એટલે કે આંખોની કિનારીના ભાગની કરચલીઓ, હોઠ પાસેની કરચલીઓ ઓછી કરે છે.
જોખમઃ ઈન્જેક્શનની સોયથી ચામડીમાં ક્યારેક ક્યારેક અચાનક પાંપણ ફવાની તકલીફ પણ ઊભી થઈ શકે છે.
• ફેસલિફ્ટઃ આ સર્જરીમાં ચહેરાની ચામડી અને માંસપેશીઓને ખેંચવામાં આવે છે, જેનાથી ચહેરો નરમ અને કસાયેલો દેખાય છે. તમે સંપૂર્ણ ચહેરાનું ફેસલિફ્ટ કરાવી શકો છો અથવા તો માત્ર ભ્રમરની આસપાસનો ભાગ, ચહેરાની નીચેનો ભાગ અથવા તો પછી ગરદનને ભાગ માટે આ ટ્રીટમેન્ટ લઇ શકો છે. એની અસર સાતથી દસ વરસ સુધી રહેતી હોય છે.
ફાયદોઃ તમારા ચહેરાને ફરી યુવાન અને કરચલીઓ વગરનો બનાવે છે.
જોખમઃ ચહેરા પર સોજા આવી શકે છે અથવા ડાઘ પડી શકે છે કે નિશાન પણ પડી શકે છે અને આ તકલીફ દૂર થવામાં ઘણો સમય લાગી શકે છે. ટ્રીટમેન્ટના કારણે તમારી હેરલાઈન આગળ-પાછળ થઈ શકે છે, જેનાથી તમારા કાનનો આકાર બગડી શકે છે.
• રાઈનોપ્લાસ્ટિઃ આ ટ્રીટમેન્ટથી નાકને સીધું કરી શકાય છે સાથોસાથ નાકની લંબાઈ તથા પહોળાઈને પણ ઓછી-વધારે કરી શકાય છે. આનાથી નાકમાં વાગેલો ઘા, જન્મ દરમિયાનની વિકૃતિ અથવા પછી શ્વાસ સંબંધિત અમુક તકલીફોને પણ દૂર કરી શકાય છે.
ફાયદોઃ બેડોળ નાક યોગ્ય થવાથી ચહેરાની ખૂબસુરતી વધે છે.
જોખમઃ નસકોરી ફૂટવાનું જોખમ, શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે, સૂંઘવાની ક્ષમતા ઘટવાનું જોખમ, નાકની આસપાસના ભાગની સ્પર્શેન્દ્રીય નબળી પડી શકે.
• ફેસિયલ ફિલર્સઃ લોકલ એનેસ્થેસિયા મારફત ચામડીના સુપર ફ્લુયસ લેયરમાં ફિલર ભરવામાં છે. માંસપેશીઓની નીચે, ગાલ અને ચિબુકમાં પણ આ ટ્રીટમેન્ટ શક્ય છે.
ફાયદોઃ આ પ્રક્રિયા તમને અસ્થાયી સ્વરૂપે નાજુક અને યુવાન દેખાવ આપે છે. એનાથી ગાલ અને હોઠને ઉપસાવી શકાય છે.
જોખમઃ એનાથી એલર્જી થઈ શકે છે. ઇન્ફેક્શન, ચામડી ઉખડી જવી, નિશાન પડી જવા, સારવાર કરાયેલી જગ્યા પર ગાંઠ વગેરે થઈ શકે છે.
• બ્રેસ્ટ ઓગમેન્ટેશનઃ સ્ત્રીઓના સ્તનને ઉભાર આપવા માટે, સ્તનને સુડોળ બનાવવા માટેની આ ટ્રીટમેન્ટ છે. સર્જરીમાં બંને સ્તનના નીચેના ભાગમાં, નિપલ્સની ચારેય તરફ અથવા તો તો બગલમાં ચીરો મૂકીને ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે.
ફાયદોઃ કોઇ સ્ત્રી નાના આકારના સ્તનને કારણે લઘુતાગ્રંથી અનુભવતી હોય તો આ પ્રક્રિયા પછી તેનો આત્મવિશ્વાસ વધે છે.
જોખમઃ ઈમ્પ્લાન્ટ્સનું નિયતસ્થાનેથી ખસી જવાથી રક્તસ્ત્રાવ, સ્તનના આકારમાં ફેરફાર, વધારે નિશાન પડી જવા અને ઈન્ફેક્શન જેવા જોખમ છે.
• ટમી ટકઃ એબ્ડોમિનોપ્લાસ્ટી નામે પણ ઓળખાતી આ ટ્રીટમેન્ટ સર્જરી દ્વારા કરાય છે. જેમાં પેટની વચ્ચેના કે નીચેના ભાગમાંથી વધારાની ચરબી અને ચામડી અને ચરબી કાઢવામાં આવે છે. પેટની માંસપેશીઓને પણ કસવામાં આવે છે.
ફાયદોઃ આ ટ્રીટમેન્ટ તમારા પેટને સપાટ અને કમરને પાતળી બનાવી દે છે. આ એવી સ્ત્રીઓ (કે પુરુષો માટે પણ) માટે ફાયદાકારક છે, જેમનો પેટનો ભાગ બહુ મોટો હોય છે અને જેમની ચામડી લચી પડી હોય છે. કેટલીક સ્ત્રીઓને પ્રસૂતિ પછી થયેલી આવી તકલીફ ટ્રીટમેન્ટથી દૂર થઇ શકે છે.
જોખમઃ ચામડીની નીચે લોહી ભેગું થઈ શકે છે. વધારે ઘેરા નિશાન પડી શકે છે. એનાથી ફેફસાની બીમારી પણ થઈ શકે છે, જે ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે.
• લિપોસક્શનઃ આ ટ્રીટમેન્ટમાં શરીરના જુદા જુદા અંગોથી ચરબી દૂર કરવામાં આવે છે.
ફાયદોઃ કસરત પછી પણ શરીરના જે ભાગમાંથી ચરબી ઘટતી નથી તેવા કિસ્સામાં આ સારવાર વધારે અસર દેખાડે છે.
જોખમઃ ક્યારેક ક્યારેક સર્જરી પછી ગંભીર અથવા કાયમ માટે ઈન્ફેક્શન થઈ શકે છે. લિપોસક્શન દરમિયાન જો હવાના પરપોટા લોહી મારફતે નસોમાં જતા રહે તો નસો ફાટી જવાનું જોખમ રહે છે. સોજા પણ આવી શકે છે.