આધુનિક યુગની માનુનીઓ ફેશનેબલ ડ્રેસ સાથે મેચિંગ કરવા માટે એવી જ્વેલરીની શોધમાં હોય છે જે એક્સક્લુઝિવ હોય અને માત્ર તેમની પાસે જ હોય. જો તમે પણ આવું જ ઇચ્છતા હો તો તમારી શોધ હેન્ડમેડ જ્વેલરીમાં પૂરી થાય છે. આ હેન્ડમેડ જ્વેલરી હાથથી બનાવવામાં આવતી હોવાના કારણે એની ડિઝાઇન હંમેશા એક્સક્લુઝિવ હોય છે. આધુનિક યુવતીઓમાં હાલમાં હેન્ડમેડ જ્વેલરીની માગ ખૂબ વધી રહી છે.
• એમ્બ્રોઇડરી જ્વેલરીઃ લગ્નપ્રસંગે પહેરવામાં આવતી આ જ્વેલરી કપડાં પર કરવામાં આવનારી એમ્બ્રોઇડરીથી તૈયાર થાય છે. એની ખાસિયત એ છે કે એ ભારે દેખાય છે, પરંતુ પહેરવામાં એકદમ હળવી હોય છે. આ કારણે જ વધુ પસંદ કરવામાં આવી રહી છે.
• વૂડન જ્વેલરીઃ લાકડામાંથી બનેલી જ્વેલરી ઓફિસગોઇંગ ગર્લ્સ માટે વધુ સારી છે. એ પહેરવામાં હળવી હોય છે અને લુક એકદમ ક્લાસી હોય છે. વૂડન ઇયરરિંગ્સ, બેંગલ્સ, નેકલેસ બજારમાં ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.
• બામ્બૂ જ્વેલરીઃ બામ્બૂમાંથી બનતી જ્વેલરી યુનિક હોવાની સાથે ટકાઉ છે અને તે પહેરનારને ટ્રેન્ડી લુક આપે છે. આમ તો માનવજગતના ઇતિહાસમાં પ્રાચીન સમયથી વાંસનાં ઘરેણાંનો ટ્રેન્ડ રહ્યો છે, પણ છેલ્લા બે દાયકામાં બામ્બૂની યુનિક જ્વેલરીની ડિમાન્ડ ખાસ્સી વધી છે.
• પેપર જ્વેલરીઃ પેપર જ્વેલરી બહુ લોકપ્રિય છે. હાલમાં ક્વિલિંગથી પણ જ્વેલરી તૈયાર થવા લાગી છે. આમાં એક જાડાં શીટવાળાં પેપરની આવશ્યકતા પડે છે. એને જુદી જુદી આકૃતિઓમાં ઢાળવામાં આવે છે. આ જ્વેલરી ખૂબ ઓછી કિંમતમાં બજારોમાં ઉપલબ્ધ છે.
• હેન્ડમેડ ફેન્સી જ્વેલરીઃ હેન્ડમેડ ફેન્સી જ્વેલરી રંગીન મોતીઓથી બને છે. આ જ્વેલરીને દોરામાં મોતીઓ પરોવીને બનાવવામાં આવે છે. એ દરેક રંગમાં ઉપલબ્ધ છે અને લુક પણ સ્ટાઇલિશ લાગે છે.