આપણે સહુએ અનેક વખત જોયું પણ હશે અને અનુભવ્યું પણ હશે કે કોઇ ફંકશનમાં જવા માટે તૈયાર થઇ રહ્યા હોઇએ અને ફ્રેન્ડ કે સ્વજન મહિલા કહે કે અરે, તારી રેડ લિપસ્ટિક આપજે તો! અથવા તો તારું મેકઅપ બ્રશ આપને... લિપસ્ટિક હોય કે મેકઅપ બ્રશ હોય કે પછી બ્યુટી કેરની અન્ય કોઇ પણ વસ્તુ આપવાની ના કોણ પાડે? સામાન્ય રીતે કોઈ ના પાડતું નથી. આપણે ખૂબ પ્રેમથી અને ઉત્સાહથી આવી વસ્તુઓ આપી તો દઇએ છીએ, પણ આ શેરિંગ જોખમી છે. ચાલો, આજે જાણીએ આવી કઈ કઈ વસ્તુઓને કદી કોઈની સાથે શેર ન કરવી જોઈએ.
• ક્રીમની બોટલઃ કોઈ પણ જાતના ક્રીમની બોટલ કે વાટકો કોઈની સાથે શેર ન કરતા. યુનિવર્સિટી ઓફ કોલોરાડોના વિજ્ઞાનીઓનો અભ્યાસ કહે છે કે આપણા હાથ પર જેનેટિકલી અનોખા એવા બેક્ટેરિયા હોય છે. દરેકના હાથ પર કુલ 4,742 પ્રકારના સરેરાશ 3.32 લાખ બેક્ટેરિયા હોય છે. તમે ક્રીમમાં આંગળી બોળો છો ત્યારે એમાંનાં ઘણાંખરાં ક્રીમમાં જતાં રહે છે. એનો ચેપ તમારી ક્રીમ વાપરવા માગનાર ફ્રેન્ડને લાગશે અને બદલામાં એના હાથના બેક્ટેરિયા જે ક્રીમમાં આવી ગયા હશે તેનો ચેપ તમને લાગશે.
• મસ્કારાઃ ડોક્ટરો અવારનવાર કહેતા રહે છે કે મસ્કારા કદી કોઈની સાથે શેર ન કરો. ડોક્ટરની વાત સાંભળીને મનમાં એવો સવાલ થાય છે કે એવું તે કેટલું નુકસાન થઈ જવાનું? પણ વાત એમ છે કે જ્યાં ભીનાશ અને હૂંફ હોય ત્યાં બેક્ટેરિયા તરત આવી જાય છે. તમારી આંખ અને પાંપણ તમે સ્વચ્છ રાખો છો એવી સ્વચ્છતા કદાચ તમારી ફ્રેન્ડ ન રાખતી હોય તો મસ્કારા તેને વાપરવા આપો ત્યારે એની આંખ અને પાંપણના બેક્ટેરિયા તમારા મસ્કારા બ્રશ પર આવી જશે. આ પછી તમે મસ્કારા લગાવશો તો તમારી પાંપણ પર અને ત્યાંથી આંખ સુધી પહોંચશે. મુશ્કેલી એ છે કે ચામડી પાસે તો બેક્ટેરિયાથી બચવા પોતાનું રક્ષકદળ હોય છે. આંખની પાંપણ કે આંખ પાસે એવું રક્ષકદળ નથી હોતું. બેક્ટેરિયાનો ચેપ લાગતાં જ આંખમાં બળતરા, પાણી નીકળ્યા કરવું, આંખો લાલ રહેવી વગેરે ડઝનબંધ સમસ્યાઓનો તમે ભોગ બની શકો.
હા, આઈલાઈનર તમે શેર કરી શકો છો, કારણ કે એ આંખથી દૂર ચામડી પર લગાવવાની હોય છે. એમાં શરત એટલી કે આઈલાઈનર દર વખતે આંખની કિનારીએ ફેરવતાં પહેલાં અને ફેરવ્યા પછી આલ્કોહોલમાં ડુબાડીને બેક્ટેરિયામુક્ત કરતા રહો.
• પ્રેસ્ડ પાઉડરઃ પાઉડરની વાત આવે તો થાય કે આમાં કોઈ જોખમ નથી, પરંતુ પ્રેસ્ડ પાઉડર શેર ન કરવો. પાઉડર કોરો હોવાથી તેમાં બેક્ટેરિયા વિકસતા નથી, પરંતુ તમારી ચામડીના બેક્ટેરિયા પાઉડર સ્પોન્જ પર થઈ પાઉડરમાં આવી શકે છે. પાઉડર સાવ કોરો નથી હોતો એટલે બેક્ટેરિયા એમાં જીવી શકે છે. પછી તમારી ફ્રેન્ડ એ સ્પોન્જ પોતાના ફેસ પર લગાવે તો એના ફેસ પર જઈ શકે છે. આથી પ્રેસ્ડ પાઉડર પણ શેર કરવો જોખમી છે. હા! જો તમે પ્રેસ્ડ પાઉડર પર સ્પોન્જ ફેરવતાં પહેલાં ને ચહેરા પર ફેરવ્યા પછી સ્પોન્જ પર આલ્કોહોલ સ્પ્રે કરતા રહો તો બેક્ટેરિયાનો ચેપ લાગવાનું જોખમ જતું રહે છે.
• લિપસ્ટિકઃ બ્યુટી કેર પ્રોડક્ટમાં લિપસ્ટિકનું શેરિંગ ખૂબ જોખમી ગણી શકાય. લિપસ્ટિક સીધી જ ત્વચાને સ્પર્શે છે, અને તે હોઠ પર લાગે છે. આના લીધે મોં વાટે બેક્ટેરિયા સીધા જ શરીરમાં પ્રવેશ જવાનું પૂરતું જોખમ રહે છે. આમ લિપસ્ટીક પરના બેક્ટેરિયાના લીધે હોઠની ત્વચાને જ નહીં, મોં કે ગળા સુધી ઇન્ફેક્શન લાગવાનો ખતરો સર્જાય છે.