નાજુક-નમણી, પણ ફન્કી એક્સેસરીઝ લુકને સંપૂર્ણ બનાવે છે. આધુનિક અને ફેશનેબલ યુવતી રોજબરોજના જીવનમાં એવી એક્સેસરી પહેરવાની પસંદ કરે છે જે આકર્ષક લાગે અને સાથે સાથે ડેલિકેટ પણ હોય. હાલમાં ડિસન્ટ લુક આપતી આવી ડેલિકેટ જ્વેલરી પહેરવાનો આખા વિશ્વમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નાજુક નમણી માળાઓ, આધુનિક બ્રેસલેટ્સ તેમજ ઇયરિંગ્સ જેવી એક્સેસરીમાં નાજુક ડિઝાઇન ઉપલબ્ધ છે. હાલમાં ડેલિકેટ જ્વેલરીનો ટ્રેન્ડ વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યો છે.
• માનુનીઓની ફેવરિટઃ આધુનિક સ્ત્રીઓ વજનમાં હલકી અને નાજુક જ્વેલરી પસંદ કરે છે. આ પ્રકારની જ્વેલરી મોટા ભાગે રોજિંદા વપરાશ માટે હોય છે. આ પ્રકારની જ્વેલરી બોર્ડ મીટિંગમાં તેમજ કામ પૂરું થયા પછીના સમયમાં ફોર્મલ ડિનર વગેરે જેવા પ્રસંગોએ પહેરી શકાય તેવી હોય છે. એ નાજુક તો છે જ પણ સાથે સાથે કિંમતમાં પણ પરવડે એવી હોય છે.
• કલરફુલ કોમ્બિનેશનઃ આ ડેલિકેટ જ્વેલરી અલગ અલગ કલરફુલ કોમ્બિનેશનમાં મળે છે. નાજુક જ્વેલરી બનાવવા માટે યોગ્ય મેટલની પસંદગી જરૂરી છે. નાજુક જ્વેલરી બનાવવા માટે પ્લેટિનમ, રોઝ અને ગોલ્ડ જેવી ધાતુઓ ડિમાન્ડમાં છે. રોઝ ગોલ્ડનો રંગ આછા ગુલાબીથી લઇને રાતા રંગ સુધીના શેડ ધરાવતો હોય છે. તેનો આધાર તાંબાના મિશ્રણની માત્રા પર હોય છે. જેથી ગ્રાહકોને શેડની પસંદગીનો વિકલ્પ મળી રહે છે.
• આરામદાયક અહેસાસઃ ત્રિકોણ, ચોરસ, લંબગોળ આકારવાળી જ્વેલરી સિમ્પલ પણ આધુનિક લાગે છે. સદીઓથી અનેક સંસ્કૃતિઓમાં આ પ્રકારની જ્વેલરી લોકપ્રિય રહી છે. આ પ્રકારની જ્વેલરી વર્ક-વેર તરીકે ખૂબ યોગ્ય છે અને તેથી તે સ્ત્રીઓની માનીતી છે. ભૌમિતીક આકારની જ્વેલરીની ડેલિકેટ ડિઝાઇન પણ ડિમાન્ડમાં છે.
• દુલ્હનની ફેવરિટઃ થોડા સમય પહેલાં નવવધૂઓ ભારે જ્વેલરી પહેરવાનું પસંદ કરતી હતી પણ હવે લાઇટ અને નાજુક જ્વેલરી આધુનિકાઓની પહેલી પસંદ બની ગઇ છે. હાલમાં નાજુક પણ જૂની શૈલીનાં આભૂષણો સાથે નથ, માંગટીકા, હાથફૂલ જેવાં આભૂષણો પસંદ કરવામાં આવી રહ્યાં છે.