દરેક યુવતી માટે હેર સ્ટ્રેટનર વેનિટીનો જરૂરી ભાગ બની ગયો છે. આજે બજારમાં અલગ અલગ બ્રાન્ડ્સ અને અલગ અલગ પ્રકારનાં સ્ટ્રેટનર ઉપલબ્ધ છે. તેથી યોગ્ય સ્ટ્રેટનરની પસંદગી કરવામાં મુશ્કેલી પડે એ સ્વાભાવિક છે. તમે ઓનલાઇન કોઇ નવી કંપનીનું સ્ટ્રેટનર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો અમુક ખાસ વાતોનું ધ્યાન રાખો. તો સ્ટ્રેટનર લાંબા સમય સુધી ટકશે અને વધુ પડતાં વાળને ખરતાં અટકાવવામાં મદદ કરશે. સ્ટ્રેટનર ખરીદતાં પહેલાં એ અંગે થોડું રિસર્ચ કરવું જરૂરી છે.
• સ્ટ્રેટનરનો શેપ ચેક કરોઃ સ્ટ્રેટનર ખરીદતી વખતે તેના શેપનું ધ્યાન રાખો. સ્ટ્રેટનરની કિનારીઓ ફિનિશિંગવાળી હોય જેથી વાળ તૂટે નહીં. સ્ટ્રેટનરના કિનારા થોડા વળેલા હોય તો ટગિંગ અને સ્નેગિંગથી રક્ષણ પૂરું પાડે જ છે, સાથે તમે તેનો ઉપયોગ કર્લ તરીકે પણ કરી શકો છો. જો સ્ટ્રેટનરના કિનારા શાર્પ હશે તો સ્ટ્રેટનરને હેન્ડલ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
• હીટ સેટિંગ ફીચર્સઃ હાઈ હીટ ફીચરનો અર્થ છે વાળને સ્ટ્રેટ કરવામાં ઓછો સમય લાગશે, પરંતુ તેના કારણે વાળને જે નુકસાન થાય છે એની ભરપાઈ કરી શકાય એમ નથી. તેથી હીટ સેટિંગ ફીચર્સ સારી રીતે જોઈ અને ચકાસ્યા પછી સ્ટ્રેટનર લો. બની શકે કે તમારા વાળને વધારે હીટની જરૂર ન હોય. ઓછા ટેમ્પરેચરમાં વધારે સારું રિઝલ્ટ મળી જાય.
• હેર સ્ટ્રેટનર પ્લેટઃ તમારે કેટલી પહોળી પ્લેટવાળું સ્ટ્રેટનર જોઇએ, એ તમારા ઉપયોગ પર નિર્ભર કરે છે. તેથી ખરીદતાં પહેલાં સારી રીતે વિચારી લો. પહોળી પ્લેટવાળું સ્ટ્રેટનર ઝડપથી અને સારું પરિણામ આપે છે. પહોળી પ્લેટવાળું સ્ટ્રેટનર જાડા વાળમાં સારી રીતે કામ કરે છે. તમારા વાળ નોર્મલ છે તો પાતળા અને ચીકણી પ્લેટવાળાં સ્ટ્રેટનર પણ સારું રિઝલ્ટ આપશે. તમે જો વધારે ટ્રાવેલિંગ કરો છો પાતળી પ્લેટવાળું સ્ટ્રેટનર પસંદ કરો, એ બેગમાં ઓછી જગ્યા રોકશે અને બેગનું વજન પણ ઓછું રહેશે.
• પ્લેટની પસંદગીનું ધ્યાનઃ સ્ટ્રેટનરને બનાવવા માટે અનેક પ્રકારના મેટલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી કોઇ પણ નિર્ણય લેતાં પહેલાં તમારા વાળની જરૂરિયાત વિશે વિચારો. ટાઇટેનિયમની પ્લેટ જાડા વાળ ઉપર અસરકારક રીતે કામ કરે છે અને જલદી ગરમ પણ થઇ જાય છે. સિરામિકની પ્લેટ પણ ઉત્તમ હોય છે અને ઓછા ભાવમાં બજારમાં સરળતાથી મળી જાય છે. સિરામિક હીટ પ્રદાન કરે છે. ટર્મલીન પ્લેટ્સ પણ એક વિકલ્પ છે, જે નેગેટિવ આયર્ન પેદા કરે છે અને ડેમેજ અને ફ્રીઝી વાળ ઉપર સારી રીતે કામ કરે છે.