આપણી ત્વચા વાતાવરણની સાથે બદલાતી રહે છે. ગરમીમાં પરસેવાને કારણે રોમછિદ્ર બંધ થઇ જાય છે, એનાથી બેક્ટેરિયા અને અન્ય ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. ગરમીથી બચવા માટે આપણે એર કન્ડિશનરનો ઉપયોગ કરીએ છીએ. એનાથી ત્વચા ડિહાઇડ્રેટ થઇ જાય છે. આવી સ્થિતિમાં આપણી સ્કિન એક્સ્ટ્રા સારસંભાળ માંગી લે છે. ક્લીન્ઝિંગ, ટોનિંગ ને મોઇશ્ચરાઇઝિંગની સાથે અનેક એવા ઘરેલુ ઉપાય છે, જે ગરમીમાં આપણી ત્વચાની સંભાળ રાખે છે.
• કાકડીઃ કાકડી ત્વચાને કૂલિંગ આપવાનું કામ કરે છે. એમાં વિટામિન સી અને અન્ય કમ્પાઉન્ડ હોય છે, જે ગરમીમાં સ્કિનને ઠંડક આપે છે. આ ઉપરાંત સૂરજનાં કિરણોથી રૂક્ષ થઈ ગયેલી ત્વચાને ચેતનવંતી બનાવીને તેને બ્રાઇટ પણ કરે છે. કાકડીને છોલીને બ્લેન્ડરમાં ક્રશ કરો. એમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ બંનેને બ્લેન્ડ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. આ મિશ્રણને તમારા ચહેરા અને બોડીના અન્ય ભાગ પર લગાવો. 20થી 25 મિનિટ માટે રહેવા દઈ પાણીથી ચહેરો ધોઈ લો.
• ગુલાબજળઃ સૂરજના આકરા તાપને કારણે સ્કિન લાલ થઇ જાય છે. તેને સુધારવા માટે ગુલાબજળનો ઉપયોગ કરી શકાય. ગુલાબજળમાં રહેલું એન્ટિસેપ્ટિક તત્વ ગરમીને કારણે થયેલાં ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. ગરમીમાં ત્વચા પર વધુ પડતું તેલ જમા થઇ જાય છે તેને સુધારવા માટે ગુલાબ જળનો ઉપયોગ કરો. તે બંધ થઇ ગયેલાં રોમછિદ્રોને ખોલે છે અને ત્વચા પર જમા થયેલી ગંદકીને બહાર કાઢે છે. સાદા પાણીથી ચહેરો સાફ કરીને કોટન રૂમાલથી થપથપાવીને કોરો પાડો. ગુલાબજળને પમ્પવાળી બોટલમાં ભરી લો. ભર્યા બાદ ચહેરા પર બેથી ત્રણ વખત પમ્પથી છાંટો. તેને લૂછો નહીં ત્વચામાં શોષાવા દો.
• દહીંઃ દહીંમાં રહેલાં તત્ત્વ ગરમીમાં ખરાબ થઈ ગયેલી ત્વચાને સુધારવાનું કામ કરે છે. દહીં ત્વચા માટે ઉત્તમ ઔષધી છે એમ કહેવામાં આવે તો પણ જરાય ખોટું નથી. દહીં ડાઘ-ધબ્બા ઘટાડવાનું કામ કરે છે. હાઇપર પિગ્મેન્ટેશનને પણ ઓછાં કરે છે. દહીંનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો સ્કિનની ચમક પરત ફરે છે. બે ચમચી દહીં લો, તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા ઉપર લગાવો અને અડધો કલાક પછી સાદા પાણીથી ધોઈ લો.
• નારિયેળ તેલઃ નારિયેળ તેલ લુબ્રિકેટિંગ એજન્ટ છે, તેનો નિયમિત ઉપયોગ કરવાથી સ્કિનને ફ્રેશ અને સોફ્ટ લુક આપે છે. નારિયેળના તેલમાં કુદરતી એસપીએફ હોય છે. સાથે તે એન્ટિ ઓક્સિડન્ટ પણ છે. ઘરેથી બહાર નીકળો ત્યારે ત્વચા પર થોડું નારિયેળ તેલ લગાવો. ઘણી વખત આકરા તાપને કારણે આપણી સ્કિન બર્ન થઇ જાય છે. બોડી લોશનની જગ્યા પર નારિયેળ તેલનો ઉપયોગ સનબર્નને દૂર કરશે. એવી રીતે ઘરેથી બહાર નીકળો ત્યારે હોઠ ઉપર નારિયેળનું તેલ લગાવી દો. પાંચ ચમચી નારિયેળ તેલમાં બેથી 3 ચમચી ખાંડ અથવા સિંધવ મીઠું મિક્સ કરો. આ મિશ્રણનો ઉપયોગ એક્સફોલિએટરની જેમ કરો. પછી જુઓ સ્કિનના ડાઘ-ધબ્બા ગાયબ થઈ જશે.