બ્યૂટિ કેરઃ સૌંદર્ય નિખાર માટે બેસ્ટ છે બેસન

Saturday 25th February 2023 11:49 EST
 
 

કુદરતી રીતે ત્વચાના સૌંદર્યને વધારવાનું કામ બેસન કરે છે. સૌથી સારી વાત એ છે કે બેસનનો ઉપયોગ દરેક પ્રકારની ત્વચા ઉપર કરી શકાય છે. બેસનથી ત્વચાને કોઇ પણ પ્રકારની આડઅસર થતી નથી. ટેન અને મૃત ત્વચાને દૂર કરવામાં બેસન મદદ કરે છે. ત્વચાને ગોરી બનાવવાની સાથે ત્વચાને લગતી સમસ્યાઓનો ઉકેલ બેસન લાવે છે. બેસનના પેકનો ઉપયોગ કરીને ત્વચાને ચમકદાર બનાવી શકીએ છીએ. બેસનનો કઈ રીતે અને ક્યાં ઉપયોગ કરી શકાય એ અંગે જાણીએ.
• ખીલને દૂર કરવાઃ ચહેરા ઉપર વધુ પડતાં ખીલ હોય તો ડરવાની જરૂર નથી. બેસનની સાથે ચંદન પાઉડર, હળદર અને દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા ઉપર 20 મિનિટ સુધી લગાવી રાખો પછી પાણીથી ધોઇ લો. આ પેકને અઠવાડિયમાં ત્રણ વખત લગાવી શકો છો. આ ઉપરાંત બેસનમાં મધને મિક્સ કરીને ચહેરા પર લગાવો. સૂકાઇ જાય એટલે ચહેરો ધોઇ લો. આ બંને પેકનો ઉપયોગ કરવાથી ખીલની સમસ્યા દૂર થશે.
• ઓઇલી સ્કિનઃ જેમની સ્કિન ઓઇલી છે તેમણે દહીં, રોઝ વોટર અને બેસનની પેસ્ટ બનાવવી જોઈએ અને ચહેરા પર લગાવવી જોઈએ. એનાથી ત્વચા પરની ગંદકી સાફ થઇ જશે અને ત્વચા કોમળ થઈ જશે. બેસનમાં મધ, ચપટી હળદર અને થોડું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી ચહેરા ઉપર લગાવી શકો. વીસ મિનિટ પછી ચહેરો સાદા પાણીથી ધોઈ નાંખો.
• ઓપન પોર્સઃ ત્વચાને સાફ કરવામાં અને રોમછિદ્રોને ટાઇટ કરવામાં બેસન ફાયદાકારક છે. એ માટે બેસન અને કાકડીના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી ફેસપેકની જેમ તેનો ઉપયોગ કરો. સુકાઈ જાય એટલે ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. ખૂલી ગયેલાં રોમછિદ્રોની સમસ્યા દૂર થઇ જશે.
• ટેનિંગ દૂર કરવાઃ ટેનિંગ દૂર કરવામાં બેસનને અસરકારક માનવામાં આવે છે. ટેનિંગ દૂર કરનારા આ પેકને બનાવવા માટે ચાર નંગ બદામનો પાઉડર, એક ચમચી દૂધ, થોડો લીંબુનો રસ અને બેસન મિક્સ કરીને પેક બનાવી ચહેરા ઉપર 30 મિનિટ સુધી લગાવી રાખો. સુકાઇ જાય એટલે ચહેરો ધોઇ લો. નિયમિત રીતે થોડા દિવસ આ પેક લગાવવાથી ટેનિંગ દૂર થઇ જશે.
• અણગમતા વાળ દૂર કરવાઃ જેમના ચહેરા ઉપર અણગમતાં વાળ છે અને તેઓ બ્લીચ કરવા નથી ઇચ્છતાં તો એમનાં માટે બેસન અસરકારક રીતે કામ કરી શકે છે. બેસનમાં થોડો લીંબુનો રસ અને પાણીનાં થોડાં ટીપાં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો અને પછી પ્રભાવિત જગ્યા પર હળવા હાથે આ પેસ્ટને રગડો. પછી થોડો સમય ચહેરા પર એમ જ લગાવીને રાખો. જ્યારે પેસ્ટ સુકાઇ જાય ત્યારે ચહેરો ધોઈ લો. તમે આ પેસ્ટમાં મેથીના દાણાને મિક્સરમાં પીસીને મિક્સ કરી
શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter