પાર્ટી હોય કે ફંક્શન વધુ સુંદર લાગવા માટે યુવતીઓ મેકઅપ તો કરે છે, પરંતુ ક્યારેક કોઇ પાર્ટી કે ફંક્શનમાંથી રાત્રે મોડા ઘરે પહોંચ્યા બાદ ઘણી વખત થાકને કારણે તેઓ મેકઅપ કાઢયા વગર જ સૂઇ જતી હોય છે. આમ કરવાથી જાણતા અજાણતા તેઓ સ્કિનને નુકસાન પહોંચાડી રહ્યા છે. દિવસ દરમિયાન તો સ્કિન પ્રોટેક્શન મોડમાં રહે છે. ત્વચાના સેલ્સ પોલ્યુશન અને ખતરનાક યૂવી કિરણો સામે લડે છે, પરંતુ રાત્રે તમે જ્યારે આરામ કરતાં હોવ છો ત્યારે સ્કિન રિપેર મોડમાં હોય છે. આવી સ્થિતિમાં તમારા ચહેરા ઉપર મેકઅપ હશે તો સ્કિનને નુકસાન થઇ શકે છે. સ્કિનને કેવા પ્રકારનું નુકસાન થાય છે એ અંગે જાણીએ.
• આઇ ઇન્ફેક્શનઃ રાત્રે આઇ મેકઅપને દૂર કરવામાં ન આવે તો આંખમાં ડ્રાયનેસ, રેડનેસ, ખંજવાળ એટલું જ નહીં ઇન્ફેક્શન થવાનો ભય પણ વધી જાય છે. ઊંઘમાં આંખ ઉપર હાથ જતો રહે છે. આંખ ચોળવાથી મેકઅપના અમુક પાર્ટ આંખમાં જતા રહે છે. આ ઉપરાંત ઓશિકા ઉપર આંખનો મેકઅપ ફેલાઇ શકે છે. તેથી જરૂરી નથી કે આ મેકઅપ ફક્ત સ્કિનને જ નુકસાન કરે, પરંતુ મેકઅપમાંથી નીકળેલા બેક્ટેરિયા આંખને ચેપ લગાડી શકે છે. તેથી રાત્રે આઇ મેકઅપ રિમૂવ કરવો જોઇએ.
• ખીલનો ખતરો વધેઃ સ્કિન એક્સપર્ટ્સ કહે છે કે, રાત્રે સ્કિનની નીચેથી નેચરલ ઓઇલ નીકળે છે, જે હેર ફોલિકલ્સમાં કુદરતી ચીકાશ પેદા કરે છે. એનાથી સ્કિન મુલાયમ રહે છે જ્યારે મેકઅપને રિમૂવ કર્યાં વગર સૂવાથી એ તેલ સ્કિન પર લાગેલા મેકઅપ સાથે જામી જાય છે અને બેક્ટેરિયા એમાં ફેલાઇને ગંદકી પેદા કરે છે. મેકઅપ રિમૂવ નહીં કરવાથી ચહેરા પર ખીલની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત સ્કિનના પોર્સ બ્લોક થઇ જાય છે અને પછી સ્કિનમાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. સ્કિન હેલ્ધી રહી શકતી નથી. પરિણામે તે નિસ્તેજ દેખાય છે. આ સિવાય ડાઘ-ધબ્બા વગેરે જેવી સમસ્યા શરૂ થઇ જાય છે.
• કરચલી વધેઃ હેલ્ધી સ્કિન માટે પોર્સ ખુલ્લા રહે એ બહુ જરૂરી છે. મેકઅપને કારણે પોર્સ બંધ થઇ જાય છે. બીજું, આખો દિવસ મેકઅપ સ્કિનમાં ફેલાયેલો રહે છે, જેનાથી સ્કિનને ઓક્સિજન ઓછો મળ્યો હોય છે. ઓક્સિજનની ઉણપને કારણે સ્કિનને કુદરતી કુમાશ મળતી નથી. આ ઉપરાંત કોલેજન પ્રોડક્શનની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. તેથી ચહેરા પર સમય કરતાં વહેલા કરચલી પડવા લાગે છે.
આથી જ જો તમે ઇચ્છતા હોવ કે ત્વચા હેલ્ધી અને યંગ રહે તો રાત્રે ગમેએટલું મોડું થાય પરંતુ મેકઅપ રિમૂવ કરવાનું ક્યારેય ભૂલતા નહીં.