શિયાળાના આગમન સાથે જ ઠંડી હવા અને શુષ્ક વાતાવરણને લીધે ત્વચા સુકી જાય છે અને તિરાડ પડવા લાગે છે. આવી સ્થિતિમાં, ચહેરો નિસ્તેજ અને શુષ્ક દેખાવા લાગે છે અને ધીમે ધીમે તેની ચમક ગુમાવવા લાગે છે. હવામાનમાં ફેરફાર સાથે ત્વચાની સંભાળમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. આ સિઝનમાં ત્વચા સંભાળની કેટલીક યોગ્ય ટિપ્સ અજમાવી શકો છો.
• ત્વચાને સ્વચ્છ રાખોઃ ત્વચા ત્યારે જ સુંદર દેખાય છે જ્યારે તે સ્વસ્થ હોય. આ માટે ક્લીન્ઝિંગ, મોઇશ્ચરાઇઝિંગ, સ્ક્રબિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાઓ છે. તે ત્વચામાંથી ધૂળ અને પ્રદૂષણના અંશોને દૂર કરવામાં અસરકારક છે. શિયાળામાં ત્વચાને ચમકદાર રાખવા માટે આ પ્રક્રિયાઓ નિયમિત કરો જેનાથી ત્વચા સ્વસ્થ અને કોમળ રહેશે. મોઈશ્ચરાઈઝર ત્વચાને મોઈશ્ચર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારી દિનચર્યામાં વિટામિન-ઇ ધરાવતા મોઇશ્ચરાઇઝર્સનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. આ ત્વચાને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે.
• ગરમ પાણીનો ઉપયોગ ઘટાડોઃ ત્વચામાં ભેજ જાળવવા માટે, ગરમ પાણીથી દૂર રહેવું વધુ સારું છે કારણ કે જે લોકો વધુ પડતા ગરમ પાણીનો ઉપયોગ કરે છે તેમની ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાય છે. તેથી, શિયાળામાં પણ ઓછામાં ઓછા ગરમ પાણીનો ઉપયોગ કરો.
• સનસ્ક્રીનનો વપરાશઃ ઋતુ ગમે તે હોય, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ક્યારેય આપણી ત્વચાને નુકસાન પહોંચાડવાનું બંધ કરતા નથી. તેથી, આને ટાળવા માટે, ચોક્કસપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરો. સૂર્યસ્નાન કરતી વખતે હંમેશાં સનસ્ક્રીન લગાવો.
• પુષ્કળ પાણી પીઓઃ પાણી આપણા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ઉપયોગી છે. તેની ઊણપને કારણે ત્વચા ઝડપથી શુષ્ક અને મૃત દેખાવા લાગે છે. તેથી શિયાળાની ઋતુમાં - તરસ ઓછી લાગે તો - પણ સમયાંતરે પાણી પીતા રહો. ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે દરેક ઋતુમાં પુષ્કળ પાણી પીઓ.