એક સમય હતો જ્યારે યુવતીઓમાં એક જ કલરની નેઇલપોલિશ કરવાનો ટ્રેન્ડ હતો. હવે દુનિયા સાથે નેઇલપોલિશની સ્ટાઇલ પણ બદલાઇ છે. સિંગલ કલર નેઇલપોલિશનું સ્થાન હવે નેઇલ આર્ટે લીધું છે. યુવતીઓ અલગ અલગ પ્રકારના નેઇલ પેઇન્ટ કરવાનું પસંદ કરે છે. બ્યુટી માર્કેટમાં નેઇલ આર્ટનું ચલણ વધ્યું છે. પહેલાં પાર્ટી, લગ્ન અને ખાસ પ્રસંગોએ મહિલાઓ નેઇલ આર્ટ કરવાનું ભૂલતી નહોતી. હવે નેઇલ આર્ટ કોમન બન્યું છે. તો આવો આજે જાણીએ ડિફરન્ટ પ્રકારની નેઇલ આર્ટ અંગે...
• ઓમ્બ્રે નેઇલ્સઃ આ સ્ટાઇલ યુવતીઓમાં બહુ લોકપ્રિય છે. આ એક ક્લાસિક શૈલી છે અને ક્યારેય જૂની થતી નથી. ઓમ્બ્રે નેઇલ આર્ટમાં એક સાથે બે અથવા બેથી વધારે રંગોનું કોમ્બિનેશન હોય છે. એમાં શાઇનિંગ અને ચમકની સાથે કોમ્બિનેશન કરવામાં આવે છે.
• ફ્લોરલ નેઇલ્સઃ આ વર્ષે આ સ્ટાઇલ ટ્રેન્ડમાં છે. ફૂલો અને રંગોની સાથે અનેક વેરિએશન જોવા મળે છે. આ નેઇલ આર્ટને અજમાવવા માટે અનેક રીતો છે. તમારી ઇચ્છા મુજબ તેને કસ્ટમાઇઝ કરી શકાય છે.
• ફ્રી હેન્ડ પોલકા ડોટઃ ફ્રી હેન્ડ ડોટ માટે કોઇ પણ મેટ નેઇલ પેઇન્ટની સાથે મીડિયમ સાઇઝની પોલકા ડોટ પ્રિન્ટ બનાવી શકો છો.
• હાફ મૂન સ્ટાઇલઃ તમે તમારા નખને બધા કરતાં કંઈક હટકર બતાવવા ઇચ્છતા હોવ તો અર્ધ ચંદ્રમા આકારની હાફ પોલકા સ્ટાઇલ પણ ક્રિએટ કરી શકો છો. આ ડિઝાઇન બહુ જલદી બની જાય છે અને બનાવવામાં પણ સરળ છે.
• ઝિગઝાગ ડિઝાઇનઃ આ નેઇલ આર્ટ બનાવવી બહુ સરળ છે. જો તમે એને પરફેક્ટ શેઇપ આપી શકતા ન હો તો તમારા નખ ઉપર એક નેઇલ પેઇન્ટ લગાવો. એ સુકાઈ જાય એ પછી એના ઉપર ટ્રાન્સપરન્ટ સેલોટેપ લગાવો. પછી બીજો નેઇલ પેઇન્ટ લગાવો. આ રીતે ટ્રાન્સપરન્ટ સેલોટેપની મદદથી તમે મનગમતી ડિઝાઇન પરફેક્ટ રીતે ક્રિએટ કરી શકો છો.
• બ્લેક એન્ડ વ્હાઇટઃ તમે નેઇલ પેઇન્ટ પર વ્હાઇટ કલરની પોલકા ડોટ પણ ક્રિએટ કરી શકો છો. જો તમારી ઇચ્છા બ્લેક પોલકા ડોટ બનાવવાની હોય તો તમે કોઇ લાઇટ શેડ પર આ પ્રિન્ટ ટ્રાય કરી શકો છો.
• મિક્સ નેઇલ આર્ટઃ જો તમને એક સાથે અનેક નેઇલ પેઇન્ટ લગાવવાનો શોખ હોય તો આ આર્ટ તમારા માટે છે. આ માટે તમારે સૌથી પહેલાં નખ પર વ્હાઇટ નેઇલ પેઇન્ટનો બેઝ લગાવવાનો હોય છે. પછી તમારા મનગમતા રંગોની આડીઅવળી લીટી બનાવો. તમારી ઇચ્છા થાય તેવી લાઇન બનાવો. એ માટે તમે કોઇ પાતળી પિનનો ઉપયોગ કરી શકો છો. ફિનિશિંગ માટે ફાઇનલ કોટ છેલ્લે લગાવો.