સ્ટાઇલિશ અને ફેશનેબલ દેખાવા માટે વાળમાં કલર કરવો એ આજકાલ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે, પરંતુ હેર કલર પસંદ કરતી વખતે સ્કીનટોન અને વાળના પ્રકારને ધ્યાનમાં રાખવા જરૂરી છે. જો યોગ્ય રીતે હેર કલર કરવામાં ન આવે તો વાળને નુકસાન થઇ શકે છે. એમાં રહેલું કેમિકલ વાળને ડ્રાય કરી શકે છે. હેર કલર કરવાથી વાળ ખરવાની સમસ્યા પણ સર્જાઇ શકે છે. આથી જ વાળને કલર કરવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. જેમ કે...
કલરની પસંદગીઃ સૌથી પહેલાં તમારા વાળના કલર અને સ્કિન ટોનને ધ્યાનમાં રાખીને કલરની પસંદગી કરો. તમારા હેર કલરથી સહેજ લાઇટ શેડની પસંદગી કરો. આજકાલ બજારમાં કલરનાં અનેક વેરિયેશન સરળતાથી મળી રહે છે. કલરની પસંદગી કર્યા બાદ કાંડાની પાછળ લગાવીને ટેસ્ટ કરી જુઓ કે તમારી ત્વચાને કોઈ નુકસાન કે આડઅસર તો થતાં નથીને? વાળમાં કલર કરતાં પહેલાં તેને માઇલ્ડ શેમ્પૂથી વોશ કરી લો. જે દિવસે તમારે હેર કલર કરવાનો હોય એ દિવસે કન્ડિશનરનો ઉપયોગ ન કરો. એનાથી વાળની કુદરતી ભીનાશ ઘટવા લાગે છે.
વાળમાંથી ગૂંચ કાઢોઃ વાળને કલર કરતાં પહેલાં ખભા ઉપર ટુવાલ નાંખી દો, જેથી તમારાં કપડાં પર કલર ન પડે. વાળમાં સારી રીતે કાંસકો ફેરવીને ગૂંચ કાઢી લો. ઘણા લોકો કલર કરતાં પહેલાં વાળમાંથી ગૂંચ કાઢતાં નથી, પરિણામે કલર કરવામાં તકલીફ પડે છે. ઘણી વખત કલર યોગ્ય રીતે લગાવી શકાતો નથી. કલર કરતાં પહેલાં ચહેરા અને ગરદન ઉપર ક્રીમ કે વેસેલિન લગાવી દો. જેથી તમારી ત્વચા કલરથી સુરક્ષિત રહે. એ પછી હાથમાં ગ્લવ્ઝ જરૂર પહેરો, જેથી હાથ પર રંગ લાગી ન જાય.
કલરને મિક્સ કરોઃ જે કંપનીનો કલર લગાવતાં હો એ કંપનીના કલર સાથે આપેલી સૂચનાને બરાબર વાંચી લો. વાંચ્યા બાદ એ મુજબ કલરને મિક્સ કરો. મિક્સ કર્યા બાદ કલરને બરાબર હલાવી નાંખો. ત્યારબાદ કાંસકાથી વાળમાં સેક્શન પાડી લો, જેથી કલર કરવામાં સરળતા રહે. સેક્સન મુજબ કલર કરતાં જાવ. કોઇ ભાગ છૂટી ન જાય તેનું ધ્યાન રાખો. વાળમાં સેક્શન પાડવા માટે તમે કલ્ચનો ઉપયોગ કરી શકો છો.
કલર બાદની કાળજીઃ ઘણી વખત મહિલાઓ કલર કર્યા બાદ વાળને કેપથી કવર કરી રાખે છે. એવું ન કરવું જોઇએ. પ્લાસ્ટિકની કેપથી વાળને કવર કરવાથી અંદર પરસેવો વળે છે, પરિણામે કલર સ્પ્રેડ થાય છે. હેર કલરને નેચરલી સૂકાવા દો, તમારો ચહેરો
નિખરી ઉઠશે.